લાખો રેલવે પ્રવાસીઓને આનંદ થાય એવા સમાચાર છે. રેલવે તંત્ર દેશમાં 40 જેટલી પ્રીમિયમ ટ્રેનોના ‘ફ્લેક્સી ફેર’ ઘટાડવા વિચારે છે. એના નિર્ણયને પગલે એવી ટ્રેનોની ટિકિટ સસ્તી થશે.
આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓછી વ્યસ્તતાવાળા રૂટ પરની ટ્રેનો માટે આપવામાં આવશે.
પ્રવાસી વપરાશ જ્યાં 50 ટકાથી ઓછો રહે છે એવા ટ્રેન રૂટ્સ માટે ફ્લેક્સી ફેર પદ્ધતિ રદ જ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે ઘણા રૂટ પર તો પ્રવાસીઓની સંખ્યા 30 ટકાથી પણ ઓછી રહે છે.
ફ્લેક્સી ફેર સ્કીમ શરૂ કરાયા બાદ કેટલાક સેક્ટરમાં તો પ્રવાસીઓને પ્રીમિયમ ટ્રેનોમાં વિમાન ભાડા જેટલા ટ્રેનભાડા ચૂકવવા પડે છે.
ફ્લેક્સી ફેર સ્કીમ 2016ના સપ્ટેંબરમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી રાજધાની, દુરન્તો અને શતાબ્દી ટ્રેનોના બેઝ ભાડાને ફ્લેક્સી ફેર સિસ્ટમ પર મૂકી દેવાયા હતા. AC-2 ટાયર અને ચેર કાર માટે મહત્તમ ભાડાવધારો 50 ટકાનો હતો જ્યારે AC-3 ટાયર માટે 40 ટકા હતો.
દેશભરમાં કુલ 42 રાજધાની ટ્રેનો, 46 શતાબ્દી ટ્રેનો અને 54 દુરન્તો ટ્રેનો દોડે છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)ના અહેવાલમાં ફ્લેક્સી-ફેર પ્રાઈસિંગ બદલ રેલવે તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી. એણે કહ્યું કે 13 સેક્ટર એવા છે જ્યાં વિમાન પ્રવાસ કરતાં ટ્રેન પ્રવાસ મોંઘો છે. ફ્લેક્સી-ફેર સિસ્ટમ લાગુ કરાયા બાદ પ્રીમિયમ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે એવી નોંધ પણ CAGના અહેવાલમાં લેવામાં આવી છે.