કોલકાતા મહાનગરના વિશ્વપ્રસિદ્ધ એવા હાવડા બ્રિજે એના બાંધકામના 75 વર્ષ પૂરા કરી લીધા છે. એક પણ નટ-બોલ્ટ વગર બાંધવામાં આવેલો આ કેન્ટીલીવર બ્રિજ આ પ્રકારનો ભારતનો સૌથી લાંબો અને વિશ્વનો છઠ્ઠા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે.
એન્જિનિયરિંગની કમાલ કહો કે ચમત્કાર કહો, એવો આ હાવડા બ્રિજ તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વભરના તસવીરકારો માટે અનેરું આકર્ષણ બન્યો છે.
પશ્ચિમ બંગાળના રાજધાની શહેર કોલકાતાનો આ બ્રિજ 1943ના ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ બ્રિજ હુગલી નદી પર હાવડા અને કોલકાતા શહેરને જોડે છે. આ બ્રિજ 1,528 ફૂટ લાંબો અને 71 ફૂટ પહોળો છે.
આ ત્રીજા નંબરનો સૌથી લાંબો કેન્ટીલીવર બ્રિજ છે. આ બ્રિજ અનોખો એ રીતે છે કે બાંધકામ વખતે એને માત્ર એક જ છેડા પરના સપોર્ટ ઉપર ઊભો રાખવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દરેક પૂલની નીચે થાંભલા હોય છે, જેથી એ ટકેલો રહે, પણ હાવડા બ્રિજ એવી ટેક્નોલોજીવાળો છે કે જે માત્ર ચાર થાંભલા ઉપર જ ઊભો છે – બે થાંભલા નદીની આ છેડે અને બીજા બે થાંભલા નદીના સામેના છેડે.
કેન્ટીલીવર ટાઈપના પૂલોમાં, આ બ્રિજ વિશ્વમાં સૌથી વ્યસ્ત રહેતા પૂલોમાં પહેલા નંબરે છે.
આ બ્રિજને પહેલાં ન્યૂ હાવડા બ્રિજ નામ અપાયું હતું. એણે આ જ સ્થળે બાંધવામાં આવેલા પોન્ટૂન બ્રિજનું સ્થાન લીધું હતું. થોડા જ વખતમાં એ હાવડા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો હતો અને 1965માં એનું રવિન્દ્ર સેતુ (કવિવર રવિન્દ્રનાથ ટાગોરના નામ પરથી) નામકરણ કરવામાં આવ્યું હતું તે છતાં આજે પણ એ હાવડા બ્રિજ તરીકે વધારે ઓળખાય છે.
હાવડા બ્રિજનું બાંધકામ 1937ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ છ વર્ષ બાદ એને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ બ્રિજ બાંધવા માટે 26,500 ટન ટેન્સિલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાંનું 23,500 ટન સ્ટીલ ટાટા સ્ટીલ કંપની તરફથી મળ્યું હતું. એ વખતે ટાટા સ્ટીલનું નામ ટિસ્ક્રોમ સ્ટીલ હતું.
હુગલી નદી પર હાલ ચાર બ્રિજ છે. એમાંનો એક છે, વિદ્યાસાગર સેતુ, જે પણ હાવડા બ્રિજની જેમ જાણીતો થયો છે.
75 વર્ષ પૂરા કર્યા એ નિમિત્તે હાવડા બ્રિજને આજકાલ રંગબેરંગી લાઈટ્સથી શણગારવામાં આવે છે.
આ પૂલ આજે પણ એટલો સરસ છે કે એમ જ લાગે કે જાણે તાજેતરમાં જ એ બાંધવામાં આવ્યો છે.
દેશ-વિદેશમાંથી જે લોકો કોલકાતા શહેરમાં ફરવા જાય એમને પહેલેથી જ કહી દેવામાં આવતું હોય છે કે હાવડા બ્રિજ જોવાનું ભૂલતા નહીં.
હાવડા બ્રિજનું ફેબ્રિકેશન બ્રેથવેટ, બર્ન અને જેસપ એન્જિનિયરિંગ કંપનીઓએ કર્યું હતું.
હાવડાના આ બ્રિજની ખ્યાતિ એટલી બધી છે કે ફિલ્મ નિર્માતા શક્તિ સામંતે 1958ની સાલમાં હાવડા બ્રિજના નામ પરથી જ હિન્દી ફિલ્મ ‘હાવડા બ્રિજ’ બનાવી હતી. એ ફિલ્મમાં અશોક કુમાર, મધુબાલા, હેલન, ઓમ પ્રકાશની ભૂમિકાઓ હતી. એ ફિલ્મ મધુભાલા અભિનીત અને આશા ભોસલે સ્વરબદ્ધ ‘આઈયે મેહરબાં’ ગીત તેમજ ગીતા દત્ત સ્વરબદ્ધ ગીત ‘મેરા નામ ચિન ચિન ચુ’ને કારણે જાણીતી છે.
બાંધકામ નિર્માણ કંપનીને જણાવવામાં આવ્યું હતું કે એમણે બ્રિજ બાંધવા માટે માત્ર ભારતમાં જ ઉત્પાદિત સ્ટીલનો ઉપયોગ કરવો. આમ, એ રીતે આ બ્રિજ 100 ટકા સ્વદેશી છે.