અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના કેમ્પસમાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડેમીનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. ઝેન ગાર્ડનને તમે ‘જાપાની ધ્યાન વાટિકા’ પણ કહી શકો. કુદરતી સ્વરૂપે બનાવવામાં આવેલું આ જાપાની પારંપારિક ઉપવન છે.
રેડ બ્રિજ ગુઝેઈ, શોજી ઈન્ટિરીયર, ગ્લોરી ઓફ ટોરી, 3 આર્ટ મ્યુરલ, ફ્યૂઝન ચબુતરો વગેરેમાં જાપાની સંસ્કૃતિનાં દર્શન થાય છે. તાકી વોટરફોલ, સુકુબેઈ બેઝીન, કિમોનો સ્ક્રોલ વગેરે જોવાલાયક છે. આ ઉપરાંત ઉદ્યાનમાં દુર્લભ અને અનોખું યોકોસો બોન્સાઈ પ્લાન્ટેશન જોવા જેવું છે. કાઈઝન હોલમાં બેકલાઈટ નિહોન્ગો ચિત્રો ખૂબ જ કળાત્મક અને આકર્ષક રીતે ડેકોરેટ કરવામાં આવ્યા છે.
ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડેમી AMA સ્થિત જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર તથા ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાતની સંયુક્ત પહેલ છે. તેને હ્યોગો ઈન્ટરનેશનલ એસોસિએશન, જાપાનનો સહયોગ પ્રાપ્ત છે. IJFA, ગુજરાતના પ્રમુખ અને જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટરના સ્થાપક મુકેશ પટેલનું કહેવું છે કે આ ગાર્ડન ‘કાયમ શ્રેષ્ઠતાને જ લક્ષમાં રાખવાની’ કાઈઝન ભાવના, જાપાની મૃદુ કૌશલ્યકળા અને વ્યાપાર સંસ્કૃતિને ઉત્તેજન આપવાનો એક પ્રયાસ છે.
ઈકોનોમિક કોઓપરેશ કાઉન્સિલ, IJFAના ચેરમેન યતિન્દ્ર શર્માએ કહ્યું કે કાઈઝન એકેડેમીનો શાનદાર અને ઝળહળતો માહોલ અત્યંત આકર્ષિત અને મોહિત કરનારો છે.
વડા પ્રધાન મોદી દ્વારા ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં જાપાનના હ્યોગો પ્રાંતના ગવર્નર તોશિઝો ઈદો, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, જાપાનના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત સુજન ચિનોય સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં.
જુઓ ઝેન ગાર્ડન-કાઈઝન એકેડેમીની એક-એકથી સુંદર તસવીરો…