લોકમેળાની મજા માણવા ઉમટતો લાખોનો માનવ મહેરામણ સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનું પ્રતિબિંબ
*****
રાજકોટ, ઇશ્વરિયા, ઘેલા સોમનાથ, ભવનાથ, પરબવાવડી, તરણેતર, પીંડારા, ભૂચરમોરી, ઇન્દ્રેશ્વર, ઢેબરિયો, રવેચી, માધવપુર ઘેડના જગમશહૂર મેળાઓ
*****
તરણેતરનો મેળો જીવનસાથીની પસંદગી અને ગ્રામીણ ઓલિમ્પિકસ, પીંડારાનો મેળો મલ્લ કુસ્તી, માધવપુરનો આંતરરાષ્ટ્રીય મેળો કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, ભવનાથ મેળો દિગંબર બાવાઓ માટે પ્રખ્યાત
*****
મેળાઓમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાવાતા તંબુઓ, રાવટીઓ, ભુંગા, ઝૂંપડીઓ
સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે. આવા જ કેટલાક જાણીતા લોકમેળાઓની જાણકારી અત્રે પ્રસ્તુત છે…
રાજકોટમાં ૧૯૮૩થી શાસ્ત્રી મેદાનમાં અને હવે રેસકોર્ષ મેદાનમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા શ્રાવણ માસમાં પાંચ દિવસનો લોકમેળો યોજાય છે, જેમાં રાઇડ્સ (ફજર ફાળકા), ખાણીપીણીના નાના-મોટા ધંધાર્થીઓને રોજગારી મળી રહે છે. આ લોકમેળાની આવક લોક-કલ્યાણના કામો માટે વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળો માણવા ઉમટી પડે છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તો રાજકોટથી ૧૦ કિ.મી. દૂર માધાપર પાસે ઇશ્વરિયા મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં મેળો ભરાય છે. આ મંદિર પ્રકૃતિ અને ધર્મનું અનેરા સંગમ સમું છે. રાજકોટથી ૬૦ કિ.મી. દૂર જડેશ્વર મહાદેવ અને ૭૬ કિ.મી. દૂર ઘેલા સોમનાથ મંદિરે પણ શ્રાવણી મેળાની મજા લૂંટવા ઉત્સવપ્રેમી નાગરિકો ઉમટી પડે છે.
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરે દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢની આગવી ઓળખ સમો છે. ભજન-ભોજન-ભક્તિ સાથે મહાશિવરાત્રિની રાત્રે નીકળતી દિગંબર સાધુઓની રવેડીના દર્શનાર્થે લોકોના ટોળાં ઉમટી પડે છે. લોકવાયકા મુજબ આ રવેડીમાં ખુદ ભગવાન ભોળાનાથ પધારે છે. દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં લોકો શિવરાત્રિનો લોકમેળો માણવા આવતાં હોય છે. દર વર્ષે કાર્તિક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની ૧૬ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનું આયોજન થાય છે. જેમાં શ્રધ્ધાળુઓ હોંશભેર જોડાય છે. જૂનાગઢથી ૪૦ કિ.મી. દૂર આવેલ ભેંસાણ તાલુકાના પરબધામ (પરબવાવડી)માં રકતપિત્તના દર્દીઓની સેવા કરી ચૂકેલા સંતશ્રી દેવીદાસનું સમાધિસ્થાન છે. દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે લોકમેળો ભરાય છે.
સુરેન્દ્રનગરથી ૯૫ કિ.મી. દૂર આવેલા પાંચાળ પંથકમાં તરણેતર ગામ નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મંદિર લોકોની આસ્થાનું સ્થાનક છે. દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયો હતો. અર્જૂને પોતાની બાણ વિદ્યાની કુશળતાનો પરિચય આ સ્થળે જ આપ્યો હતો અને દ્રૌપદીને મેળવી હતી. અહીંના કુંડમાં બ્રહ્માજીએ ભગવાન મહાદેવની ઉપાસના કરી હતી. તરણેતરના મેળામાં સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકજીવન ધબકતું જણાઇ આવે છે. રંગબેરંગી પરંપરાગત પોશાકો પહેરીને મેળો મહાલતા યુવાનોને જોવો એક લ્હાવો છે. આ મેળો આદિવાસી યુવતીઓ માટે ‘મનનો માણિગર’ને યુવકોને ‘મનગમતી માનુની’ મેળવી લેવાનો અવસર પૂરો પાડે છે. હાલના બદલાયેલા સંજોગોમાં ગુજરાત સરકારે આ મેળાઓની અગત્ય સ્વીકારી છે, જેના ભાગરૂપે જગમશહુર મેળામાં કામચલાઉ નિવાસ રૂપે તંબુઓ, રાવટીઓ તથા માટી-છાણની બનાવેલી ઝૂંપડીઓ તૈયાર કરાવે છે. જેમાં જરૂરી સગવડો પણ હોય છે. ગ્રામીણ ઓલિમ્પિકસ આ પણ મેળામાં યોજાય છે.
જામનગરના ઇતિહાસમાં લડાયેલા યુદ્ધોમાં ભૂચરમોરીનું યુદ્ધ વિશેષ મહત્વ ધરાવે છે. આ યુદ્ધ કોઇ સત્તાલાલસા માટે નહીં પરંતુ શરણાગત ધર્મની રક્ષા માટે લડાયું હતું. હાલારના કુંવર સહિત અનેક શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જામનગરથી ૩૮ કિ.મી. દૂર ધ્રોલ પાસે શ્રાવણ વદ તેરસ, ચૌદશ અને અમાસના દિવસે આ મેળો ભરાય છે. જામનગરથી ૩૬ કિ.મી. દૂર આવેલા કાલાવડ પાસે નવા રણુજા ગામે હિન્દવા પીર ગણાતા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં પણ મોટો લોકમેળો ભરાય છે.
દ્વારકા પાસેના શિવરાજપુરમાં તથા કલ્યાણપુર તાલુકાના પીંડારા કે જ્યાં પાંડવોએ ૧૦૮ પિંડ તરાવ્યા હતા. આ બંને સ્થળોએ મલ્લ કુસ્તી મેળા યોજાય છે. ભાણવડ પાસેના ઇન્દ્રેશ્વર મંદિર કે જે ત્રણ નદીનું સંગમ સ્થળ છે ત્યાં શ્રાવણી અમાસ પર ત્રણ દિવસનો મેળો ભરાય છે.
પોરબંદરથી ૬૦ કિ.મી. દૂર માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી મેળો ભરાય છે. આ મેળો ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણિના લગ્ન નિમિત્તે યોજાય છે, જેમાં અશ્વ દોડ, ઊંટ દોડ વગેરે સ્પર્ધા યોજાય છે. રાજ્ય સરકાર વર્ષ-૨૦૨૨થી આ મેળાની આંતરરાષ્ટ્રીય લોકમેળા તરીકે ઉજવણી કરી રહી છે. પોરબંદરથી ૨૭ કિ.મી.ના અંતરે આવેલા વિસાવડા ગામે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાથી દ્વારકા જતી વખતે અહીં વિસામો લીધો હતો. એની સ્મૃતિરૂપે મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની પાદુકા છે. પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આવેલ ખીમેશ્વર શિવ મંદિરમાં શ્રાવણ માસમાં દર સોમવારે મેળો ભરાય છે. કહેવાય છે કે અહીં પાંડવોએ નિવાસ કર્યો હતો.
પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર ફાગણ સુદ પૂનમનો ઢેબરિયો મેળો છ ગાઉ યાત્રા પ્રસંગે ભરાય છે. તો ભાવનગર જિલ્લાના તળાજાથી ૨૨ કિ.મી. દૂર સાગર તટે આવેલા ગોપનાથ મંદિરે ગુજરાતના આદિ કવિ ભકત નરસિંહ મહેતાને પિનાકપાણી શંકરનો સાક્ષાત્કાર થયો હતો ત્યાં શ્રાવણી મેળો ભરાય છે.
રણોત્સવની જેમ કચ્છ તેના મેળાઓ માટે પણ જાણીતું છે. જેમાં હાજીપીરનો મેળો, વાગડ રવેચીનો મેળો, ગરીબદાસજીનો મેળો જાણીતા છે. આ સિવાય વરૂણદાદા, માયભીભી, દતાત્રેયજી, મેકરણ દાદા, અબડા, રૂકનશાપીર, મતિયાપીર, શીતળા માતા, મામાઇ દેવ, જોગણી માયના મેળા પણ માણવા જેવા હોય છે. કોમી એકતાના પ્રતિક સમા હાજીપીરનો મેળો ચૈત્ર માસના પ્રથમ સોમવારે દર વર્ષે ઉજવાય છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાદરવા સુદ આઠમે ભુજથી ૧૭૫ કિ.મી. દૂર આવેલ રવેચી માતાજીના મંદિરે મોટો મેળો ભરાય છે, જેમાં ગ્રામજનો પોતાના વાહનો – પશુઓને શણગારીને, રંગબેરંગી ભરતકામ, આભલાકામના વસ્ત્રો પહેરી મેળાની મઝા લૂંટે છે. પાંડવોએ પોતાના વનવાસનું છેલ્લું વર્ષ અહીં વિતાવ્યું હતું. ભુજથી ૬૪ કિ.મી.ના અંતરે આવેલા ધીણોધર ડુંગર ઉપર દાદા ધોરમનાથે સોપારી પર ઉંધા માથે ૧૨ વર્ષ તપસ્યા કરી હતી. અહીં ફાગણ સુદ ચોથ-પાંચમના પ્રખ્યાત મેળો યોજાય છે.
(પારૂલ આડેસરા)