હવેની દુનિયા વાસ્તવિક દુનિયા નથી રહી. લોકોને કોઈ વ્યક્તિને મળવા કરતાં તેની સાથે અવાસ્તવિક રીતે વાત કરવી બહુ ગમે છે જેને આપણે ચેટ કહીએ છીએ. રૂબરુ વાત કરવા કરતાં વિડિયો કૉલિંગમાં હવે વધુ રસ પડી રહ્યો છે. હવે બધું ઘરે બેઠાં થઈ શકે છે. ઘરે બેઠાં ભોજન મગાવી શકાય છે. ઘરે બેઠાં બિલ ભરી શકાય છે. ઘરે બેઠાં યાત્રાધામોના મંદિરની આરતી તે જ સમયે જોઈ શકાય છે.આ બધામાં જેમને રસ નથી, પણ વિવિધ વારસામાં રસ છે જેને આજકાલ હેરિટેજ તરીકે ઓળખવામાં આવે છે, તેમના માટે પણ આ અવાસ્તવિક પરંતુ સાચુકલી લાગતી દુનિયા (વર્ચ્યુઅલ વર્લ્ડ) હવે ઘરે બેઠા આવી છે.
હવે તમે વર્ચ્યુઅલ રિયાલિટી (વી.આર.) હેડસેટ અને વેબ જોડાણની મદદથી ઘરે બેઠાં વિશ્વનાં કોઈ પણ પ્રસિદ્ધ વારસા સ્થાનની મુલાકાત લઈ શકો છો. ગૂગલ અને અમેરિકાના કેલિફૉર્નિયા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા સાઇઆર્કે ઑપન હેરિટેજ પ્રૉજેક્ટ સહકારમાં બનાવ્યો છે. તેણે ૧૮ દેશોનાં ૨૬ વારસા સ્થાનોનાં થ્રીડી મૉડલ ઑનલાઇન મૂક્યાં છે. તેમાં ગુજરાતના રાણીની વાવ, મેક્સિકોના માયા સંસ્કૃતિ દરમિયાનના ૧,૦૦૦ વર્ષ જૂના કુકુલ્કન મંદિરનો પણ સમાવેશ થાય છે. રોમન સંસ્કૃતિના પૉમ્પેલીન પણ સમાવેશ થાય છે. દક્ષિણ કૉલારાડોમાં આવેલ મેસા વેર્ડે ખાતેની નેટિવ અમેરિકન ખડકનો પણ સમાવેશ થાય છે.
સાઇઆર્કના સીઇઓ જૉન રિસ્તેવસ્કીએ કહ્યું કે “અમે છેલ્લાં ૧૫ વર્ષથી આ સ્થળો એકત્ર કરી રહ્યાં છીએ. ગૂગલે અમારા સંગ્રહોને વધુ વ્યાપક દર્શકો સમક્ષ ખોલવા માટે સંપર્ક સાધ્યો. અમે પણ લાંબા સમયથી આવું કંઈક કરવા માગતા હતા.” સાઇઆર્કે ૨૦૦૩થી વિશ્વ ભરના ૨૦૦થી વધુ વારસાં સ્થાનો એકત્ર કર્યાં છે. આ કામ માટે તેણે ડિજિટલ ફૉટોગ્રાફી, હવાઈ ડ્રૉન અને થ્રીડી લેસર સ્કેનિંગ ટૅક્નૉલૉજી- લિડારનો ઉપયોગ કર્યો છે.૨૬ સ્થાનોના વિગતવાર થ્રીડી મૉડલ, પ્રાચીન કલાકૃતિઓ, નકશાઓ, ઉચ્ચ ગુણવત્તાના ફૉટોગ્રાફ વગેરે ઑપન હેરિટેજ વેબસાઇટને કોઈ પણ વેબ બ્રાઉઝરમાંથી ખોલીને જોઈ શકાય છે. ગૂગલે આ પ્રૉજેક્ટ માટે નવું વીઆર ઇન્ટરફેસ બનાવ્યું છે. એટલે તેને જોવા વીઆર હેન્ડસેટની મદદ લેવી પડે છે.
વારસાં સ્થાનોમાં પૉમ્પેલી અને ચીશન ઇત્ઝા જેવી પ્રાચીન અજાયબીઓથી લઈને પ્રમાણમાં આધુનિક વારસાં સ્થાનો જેમ કે બર્લિનના ૧૮મી સદીમાં બંધાયેલા બ્રાન્ડેનબર્ગ ગેટનો સમાવેશ થાય છે. સાઇઆર્ક વૉશિંગ્ટન સ્મારક અને બેલ્જિયમમાં ફ્લેન્ડર્સ ફિલ્ડ ખાતે પ્રથમ વિશ્વ યુદ્ધના મેદાન સહિત નવ વધુ સ્થાનો આગામી કેટલાક મહિનાઓમાં ઉમેરવા માગે છે.
એ તો બહુ સ્વાભાવિક છે કે વિશ્વભરનાં વારસાં સ્થાનો પર તમે રૂબરુ જઈ શકવાના નથી. ત્યારે એક વીઆર સેટની મદદથી તમે આ સ્થાનોની ઘરે બેઠાં મુલાકાત લઈ શકો તે શું અદભૂત વાત નથી?