ટૅક્નૉલૉજીનો ઉપયોગ જો માણસની તંદુરસ્તી માટે કરવામાં આવે તો ઘણો જ સારો છે. આજે નવીનવી ટૅક્નૉલૉજી દ્વારા માણસને લાંબુ જીવાડી શકાય છે. તાજેતરમાં જ અમદાવાદના ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટર તેજસ પટેલે ૩૨ કિમી દૂર બેઠાં વિશ્વની પ્રથમ ટેલિરૉબૉટિક કૉરૉનરી ઇન્ટરવેન્શન સર્જરી કરી તે તમે chitralekha.com માં અગાઉ વાંચી ગયા.
માણસના હૃદયને ધબકતું રાખવા હજુ પણ વધુ ટૅક્નૉલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થશે. વૈશ્વિક મેડિકલ યંત્ર સર્જક કંપની મેરિલ લાઇફ સાયન્સે મેઇક ઇન ઇન્ડિયા નામની ડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ તાજેતરમાં પહેલો સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન કરાયેલો કૃત્રિમ ઍઑર્ટિક વાલ્વ ખુલ્લો મૂક્યો. આ વાલ્વ જે દર્દીઓને ઑપન હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી માટે જોખમ છે કે જે દર્દીઓ તે કરાવવા અનિચ્છુક છે તેવા દર્દીઓ માટે ખૂબ જ આશાનું કિરણ લઈને આવ્યો છે.
ટ્રાન્સકેથેટર ઍઑર્ટિક હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ (TAVR)ને બ્રાન્ડ નામ ‘માયવલ’ના નામે વેચવામાં આવશે. આ શું છે તે પણ જાણી લો. તે એક લઘુતમ દાખલ થતી પ્રક્રિયા છે જેમાં ડૉક્ટર દર્દીના ક્ષતિયુક્ત વાલ્વના સ્થાને કેથેટર દ્વારા ફેમોરલ ધમની મારફતે કૃત્રિમ વાલ્વ બેસાડશે.પરંપરાગત રીતે જે ઑપન હાર્ટ સર્જરી થાય છે તેની જગ્યાએ આ રીતે ક્ષતિયુકત વાલ્વને બદલવાની આ વૈકલ્પિક રીત છે.
TAVR એ સર્જિકલ વાલ્વ રિપ્લેસમેન્ટના બદલે હવે વધુ પસંદ કરાતો વિકલ્પ છે કારણકે તેમાં ઝડપી રિકવરી આવે છે તેમ મનાય છે. આ કંપનીના સૂત્રોનું કહેવું છે કે માયવલ વાલ્વ મેળવનાર પ્રથમ દર્દીએ તે વાલ્વ બેસાડ્યા પછી દોઢ વર્ષ પૂરાં કર્યા છે અને તે તંદુરસ્ત રીતે સારું જીવન જીવી રહ્યો/રહી છે. વાલ્વ દર્દીનાં (રોગને લગતાં) લક્ષણો હળવા કરવામાં તેમજ ઍઑર્ટિક સ્ટીનૉસિસમાંથી થતાં મૃત્યુ અને હૉસ્પિટલાઇઝેશનને ઘટાડવામાં અસરકારક છે. આ વાલ્વ ટૅક્નૉલૉજી ઍઑર્ટિક સ્ટીનૉસિસથી પીડાતા લાખો દર્દીઓ માટે વરદાન સાબિત થશે તેમ મનાય છે.ઍઑર્ટિક સ્ટીનૉસિસ શું છે તે પણ જાણી લઈએ. એ. એસ. અથવા એ.ઓ.એસ. તરીકે જાણીતી આ સ્થિતિમાં વ્યક્તિના હૃદયનો ડાબો વેન્ટ્રિકલ (પોલો ભાગ)નો નિર્ગમન માર્ગ સાંકડો થાય છે. તે ઍઑર્ટિક વાલ્વ પર, તેની ઉપર કે તેની નીચે થઈ શકે છે. સમય જતાં પરિસ્થિતિ બગડે છે. ઘણી વાર વ્યક્તિ કસરત કરતી હોય તો કસરત કરવાની ક્ષમતા ઘટતી જાય છે. આમ, તંદુરસ્ત રહેવા માણસને કસરત કરવા સલાહ અપાય છે. પરંતુ અહીં તો આ સ્થિતિના કારણે વ્યક્તિની કસરત કરવાની ક્ષમતા જ ઘટતી જાય તો તે કસરત કેવી રીતે કરી શકે? અને તેથી તંદુરસ્ત કેવી રીતે રહી શકે? વળી, ઊભા હોય ત્યારે કે કસરત કરતી વખતે વ્યક્તિનું હૃદય બેસી જાય, તે ચેતના ગુમાવી દે, કે હૃદય સંબંધિત છાતીમાં દુઃખાવો થાય તેવું બની શકે છે. આવું બને તો તેનાં પરિણામો ખૂબ જ જોખમી હોય છે. હૃદય બંધ થવાનાં લક્ષણોમાં સૂતા હો, રાત્રે, કસરત કરતા હો ત્યારે શ્વાસ ટૂંકા થઈ જાય છે, પગ સૂજી જાય છે.
કેટલાક લોકો બાયક્યુસ્પિડ વાલ્વ સાથે અને રુમેટિક ફીવર સાથે જન્મયા હોય તેમને આ સ્થિતિ થવાની શક્યતા વધુ છે. વર્ષ ૨૦૧૪ની માહિતી મુજબ, રુમેટિક હાર્ટ ડિસીઝ વિકસતા દેશોમાં વધુ જોવા મળે છે. ઇકૉકાર્ડિયોગ્રામ અને કાર્ડિયાક કેથેટરાઇઝેશન જેવાં ટેસ્ટથી ઍઑર્ટિક સ્ટીનૉસિસનું નિદાન થઈ શકે છે તેમજ તેની તીવ્રતા (ગંભીરતા) પણ જાણી શકાય છે.
ઍઑર્ટિક સ્ટીનૉસિસથી પીડાતા દર્દીઓને કોઈ પણ પ્રક્રિયા કરાતાં પહેલાં એન્ટિબાયૉટિક્સ અપાય છે. આવા દર્દીઓને સર્જિકલ હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે અને આથી જ આવા દર્દીઓ માટે નવી ટૅક્નૉલૉજી ખૂબ જ ફાયદારૂપ નિવડશે તેમ મનાય છે.
હવે જ્યારે ભારતમાં જ આ પ્રકારના વાલ્વ બનવા લાગ્યા છે અને તે જો સફળ નિવડશે તો ઑપન હાર્ટ સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. અલબત્ત, બંનેમાંથી ખિસ્સાને પરવડે તેવી કઈ રીત છે તે હજુ જાણવા મળ્યું નથી.