ટ્વિટર પર એક ટ્રેન્ડ જોવા મળ્યો- #PorusStartsTomorrow. સ્વાભાવિક છે કે પોરુસ શરૂ થઇ છે તેમ વાંચતા જ રસ જાગે કે આ પોરુસ શું છે? નવી પેઢીને આપણા (સાચા) ઇતિહાસથી વંચિત રાખવામાં આવી છે એટલે તેને પોરુસ અથવા પોરસ નામ યાદ ન હોય. હા, જો જિતા વો હી સિકંદર ફિલ્મ આવી હતી અને ઇતિહાસકારોએ એ તમામને હીરો બનાવીને રજૂ કર્યા છે જેમણે આપણા દેશ પર આક્રમણો કર્યાં, આપણને લૂટ્યાં અને આપણા પૂર્વજો પર અત્યાચારો કર્યાં. આપણાં મંદિરો તોડ્યાં, ભગવાનની મૂર્તિઓ તોડી. પરંતુ જેમણે આપણા દેશને બચાવ્યો, જેમણે આપણા દેશને એક રાખ્યો તેને ભૂલાવી દીધાં, અથવા તેમને વિકૃત રીતે રજૂ કર્યા.તાજેતરમાં તો ‘બાજીરાવ મસ્તાની’ હોય કે ‘પદ્માવતી’ બધામાં ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવાનો આક્ષેપ છે. એટલે માત્ર શિક્ષણની રીતે જ નહીં, કલાની રીતે પણ આપણા ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.
જોકે ઉપર ઉલ્લેખિત ટ્રેન્ડમાં જે પોરસની વાત છે, તે, જેમને પોરસના વિશે જાણ નથી તેમના માટે, એવા રાજાની વાત છે જેણે સિકંદર સામે ટક્કરની લડત આપી હતી અને સિકંદર પણ તેના પૌરુષસભર પરાક્રમથી નવાઈ પામ્યો હતો. તેણે પોરસને પૂછ્યું હતું, “બોલ, તારી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?” અને હારવા છતાં ખુમારી અને સ્વાભિમાન ન ગુમાવનાર પોરસે કહેલું, “એક રાજા બીજા રાજા સાથે કરે તેવો.”
જોકે આ ઇતિહાસ પણ પશ્ચિમે લખેલો છે, કારણ કે તે તો પોતાના રાજાને હારેલો ન બતાવે. ઈરાન અને ચીની ઇતિહાસ કહે છે કે ખરેખર તો સિકંદર ભારતમાં પોરસ રાજા સામે હારી ગયો હતો.
આવા પોરસની વાત કરતી સિરિયલ ૨૭ નવેમ્બરથી સોની ટીવી પર શરૂ થઈ ગઇ છે. અને આ સિરિયલ માટેનો આ ટ્રેન્ડ લોકો ચલાવી રહ્યાં હતાં જેમાં અનેક ફિલ્મ કલાકારો પણ જોડાયાં હતાં.
ફિલ્મોમાં ગદ્દારો સામે હંમેશાં લાતથી વાત કરનાર નાના પાટેકરે ટ્વીટ કરીને લખ્યું,
“હુમલાખોરોથી મારા દેશને બચાવનાર પ્રથમ બહાદૂર વ્યક્તિના જીવનચરિત્રને જોવા માટે હવે રાહ જોવાતી નથી. આવતીકાલે રાત્રે ૮.૩૦થી આ ધારાવાહિકને જુઓ.”
જાણીતા અભિનેતા અને સાંસદ પરેશ રાવલે પણ ટ્વીટ કર્યું,
“જેણે પોતાની હિંમતથી મારા દેશની સુરક્ષા કરી તેની વાત જાણવા માગું છું.”
પોતાની કૉમેડીમાં પણ ગંભીર વાત કહી જનાર જૉની લિવરે લખ્યું,
“જ્યારે મારા દેશને જરૂર હતી ત્યારે પોરસ ઊભા હતાં. તેની વાત જોવાનું ચૂકીશ નહીં.”
જૉની લિવર સાથે મળીને ઘણી કૉમેડી ફિલ્મ કરનાર અભિનેતા ગોવિંદાએ પણ લખ્યું,
“વિશ્વના સૌથી મોટા રક્ષક અને વિશ્વના સૌથી મોટા આક્રમક વિજેતા વચ્ચેનો સંઘર્ષ તો જોવો જ પડે.”
અનેક ફિલ્મોમાં પાકિસ્તાનીઓને અને ત્રાસવાદીઓને પોતાના અઢી કિલોના હાથથી ધૂળ ચટાડી દેનાર સન્ની દેઓલે લખ્યું,
“વિશ્વના સૌથી શક્તિશાળી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સામે તેના રાષ્ટ્રને બચાવવાનો નિર્ણય કરનાર બહાદૂર પોરસ વિશે વધુ જાણવાની ઉત્સુકતા છે.”
પૂર્વ કારકિર્દીમાં અભિનેત્રી અને હવે માહિતી અને પ્રસારણખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લખ્યું,
“વિશ્વના સૌથી શક્તિશાળી એલેક્ઝાન્ડર ધ ગ્રેટથી આ દેશની રક્ષા કરવાનો નિર્ણય કરનાર બહાદૂર પોરસ વિશે વધુ જાણવા તાલાવેલી છે.”
જાણીતા એન્કર અને હવે ચેનલ હેડ અર્નબ ગોસ્વામીએ પણ લખ્યું, “
“પોરસે વિશ્વના સૌથી મોટા વિજેતાના હુમલા સામે મારા રાષ્ટ્રની રક્ષા કરી. આ અસાધારણ વાત જોવાનું ચૂકી શકાય નહીં.”
આમ આદમી પાર્ટીના વેદ પ્રકાશે પણ લખ્યું,
“આવતીકાલથી એક સારું ધારાવાહિક શરૂ થઈ રહી છે. પોરસ અને એલેક્ઝાન્ડર વચ્ચેનો સંઘર્ષ શરૂ થઈ રહ્યો છે. તેને જોવા માટે રિમાઇન્ડર મૂકી દો.”