અમદાવાદનાં નરોડા ઔદ્યોગિક એરિયાની બાજુનાં જ રેસિડેન્શિયલ એરિયામાં લક્ષ્મણભાઈ પટેલનો બંગલો. પાંચ મિનીટના અંતરે જ ટ્રસ્ટ સંચાલિત નાની હોસ્પિટલમાં તેમને લઇ જઈને દીકરી વૈશાલીએ ડોકટરને વિનંતી કરી “પપ્પાને છાતીમાં ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જલ્દી જૂઓને સાહેબ” ફટાફટ કેસ-હિસ્ટ્રી લેવામાં આવી. કારણ મળી ગયું કે શા કારણે આમ થયું? આખું ઘર ધણધણી ઉઠે તેવા ઊંચા અવાજે વાગતા ડીજેના કારણે લક્ષ્મણભાઈના હૃદયનાં ધબકારા સાથે બ્લડ-પ્રેશર વધી ગયું હતું. “જીવનમાં શાંતિ છે જ ક્યાં ડૉક્ટરસાહેબ, ચોવીસે કલાક નજીકની ફેક્ટરીમાંથી આવતા મશીનોના અવાજ સાંભળી-સાંભળીને મને આવું તો વારંવાર થઇ જાય છે; પણ આ ડીજેનાં ઘોંઘાટથી વધુ પડતું થઇ ગયું” લક્ષ્મણભાઇએ હાંફતા હાંફતા પોતાનો બળાપો ડોક્ટર પાસે ઠાલવ્યો.
આડોશપડોસમાંથી આવતા મોટા ભાગના દર્દીઓ ધ્વનિ-પ્રદૂષણનાં કારણે જ જાતજાતની બીમારીઓનો ભોગ બની રહ્યા છે એ હોસ્પિટલનાં મેનેજમેન્ટને સારી એવી ખબર હતી. “ઘરે જાવ ત્યારે બહાર નોટિસ-બોર્ડ ઉપર તમને ઉપયોગી એવો એક ચાર્ટ લગાવેલો છે તેનો ફોટો મોબાઈલમાં લઈને નિરાંતે વાંચજો, સમજજો અને તેનો યોગ્ય ઉપયોગ કરજો” ડૉક્ટર સાહેબે દર્દી લક્ષ્મણભાઇને અને તેમના સગાઓને સલાહ અને દવાઓ આપીને રવાના કર્યા.
રિસેપ્શન એરિયામાં લગાવેલા ચાર્ટનો ફોટો લઈને “ટ્રસ્ટની હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફ છે ઘણાં સેવાભાવી” તેવી સારી છાપ લઈને બધાં ઘરે જવા નીકળ્યા.
ઘોંઘાટથી જૈવિક ક્રિયાઓમાં અદ્રશ્ય વિક્ષેપ પડે છે. આનાથી બીમારીઓ ખૂબ જ વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો સમગ્ર દુનિયામાં ઉઠી રહી છે. ઘોંઘાટને સતત સહન કરવાની જેમને ટેવ પડી ગઈ છે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ લાંબાગાળે આની ખુબ જ વિપરીત અસર થતી હોવાથી સમસ્યાએ હવે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
એકદમ ધીમાં વોલ્યુમે કાનમાં સતત અફળાઈ રહેલા અવાજો પણ મોટા અવાજોનાં ઘોંઘાટ જેટલા જ જોખમી છે. સાવર્જનિક સ્થળોએ લોકોની ગીર્દી અને ગણગણાટ, બસ પ્લેન કે ટ્રેઈન જેવા વાહનોના એન્જીનના અવાજો, રસ્તાઓ ઉપરનો ટ્રાફિક, એરપોર્ટ આજુબાજુ પ્લેનની ઘરઘરાટી, ઘરનાં પંખા ફ્રીઝ એસી વોશિંગમશીન અને બાજુનાં ખુલ્લા પ્લોટમાં બોલતા દેડકા કે તમરા વિગેરેના અવાજો જલદી વર્તાતા ન હોવા છતાં ધ્વનિ-પ્રદુષણમાં તેમનો રોલ ઘણો મોટો છે. આવા ધીમા અવાજોને બેકગ્રાઉન્ડ નોઇસ કહેવાય છે અને કાયમી ધોરણે તેને બંધ કરવા-કરાવવા શક્ય હોતા નથી.
તો પછી , ઘોંઘાટનાં ત્રાસથી રાહત મેળવવા શું કરવું ?
અણગમતા અવાજોના ઉદ્દગમસ્થાનેથી દૂર જતા રહેવું એ સૌથી સરળ ઉપાય છે. પરંતુ જયારે દૂર જવું શક્ય ન હોય ત્યારે નોઇસ કેન્સલેશન નામની ટેક્નોલોજી આપણી મદદ માટે હાજર છે.
એક્ટિવ નોઇસ કેન્સલેશન નામની ટેક્નોલોજી દ્વારા આસપાસનાં વાતાવરણમાંથી આવતા ઓછી ફ્રીક્વન્સીના બેકગ્રાઉન્ડ નોઇસને ખુબ જ અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. કાનમાં આસાનીથી ફીટ કરી શકાય તેવા આ ટેકનોલોજીના ઘણાંબધા ગેઝેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. સોની, ફિલિપ્સ, લિબ્રાટોન, 1More, The Master & Dynamic, Ausounds, એપલ, QuietOn, Sennheiser, Beats Studio by Dr. Dre , Bose વિગેરે બીજી અનેક કંપનીઓનાં એક્ટીવ નોઈસ-કેન્સલેશન ટેકનોલોજી આધારિત વાયરલેસ ઈયરબડ્સ, ઈયરપ્લગ્સ, હેડફોન, નેક્બેન્ડ્સ જેવા ગેઝેટ્સ માર્કેટમાં મળી રહ્યા છે.
એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી ધરાવતાં ગેઝેટ્સ થોડાં મોંઘા છે. તેના વિકલ્પે પેસિવ નોઇસ કેન્સલેશન ટેકનોલોજીના ગેઝેટ્સ પણ ખરીદી શકાય છે. નોઇસ આઇસોલેશન, નોઈસ-રિડકશન અથવા નોઈસ-માસ્કીંગ શબ્દ ઉમેરીને ગૂગલમાં હેડફોન, ઈયરબડ્સ, ઈયરપ્લગ અથવા નેકબેંડ સર્ચ કરશો એટલે આ પ્રોડક્ટ વેચતા અનેક ઓનલાઇન સ્ટોર તમને જોવા મળશે. જયારે ઘોંઘાટનો અવાજ ખૂબ મોટો હોય અને વારંવાર વોલ્યુમમાં વધઘટ થયા કરતી હોય ત્યારે આવા ગેઝેટ્સ વધારે સારું પરિણામ આપે છે.
પેસિવ નોઇસ કેન્સલેશન ટેકનોલોજીનાં સસ્તાં ગેઝેટ્સનો ઉપયોગ કરવા છતાં એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી જેવું સુંદર રીઝલ્ટ મેળવવું પણ હવે તમારી માટે શક્ય છે. આ માટે પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ UrbanDenoiser, Parrot Zik, Noise Wall – Block Noise, Neutralizer, myNoise, Noise Killer – Stop the Noise જેવી એપ્સ તમારા મોબાઈલનાં માઇક્રોફોનનો ઉપયોગ કરીને એક્ટીવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજીનાં એક વર્ચ્યુઅલ વિકલ્પ તરીકે કામ કરે છે.
નોઇસ -કેન્સલેશન ટેક્નોલોજી સાથે વ્હાઈટ-નોઈસ મ્યુઝીકની જુગલબંધી શા માટે ?
શું નોઇસ કેન્સલેશન ટેક્નોલોજી તમને સો ટકા નિરવ શાંતિની ગેરેન્ટી આપી શકે ખરી? હકીકત એ છે કે ૪૦ ડેસિબલથી વધુ તીવ્રતાનો અવાજ અથવા ઝડપથી વધઘટ થતી ફ્રિકવન્સીનો અવાજ હોય ત્યારે તે નજીવા પ્રમાણમાં તો કાનમાં ઘૂસી જ જાય છે. આ માટે આપણી પાસે એક જ વ્યવહારુ ઉપાય બચે છે અને એ છે વ્હાઈટ-નોઈસ. આ એક એવું મ્યુઝીક છે કે જે સાંભળવાથી કાનમાં પહોંચી ગયેલા ઝીણા ઘોંઘાટને અવગણવામાં આપણને મદદ મળે છે. ગૂગલ પ્લે-મ્યુઝીક અથવા યુ-ટ્યુબમાં ઠેર-ઠેર ઉપલબ્ધ પણ છે. અલબત; કોઈ અકસ્માતનો ભય ન હોય તેવા સલામત સ્થળોએ જ આનો ઉપયોગ કરવાનું આપણે યાદ રાખવું અતિઆવશ્યક છે.
તમારા “લેકિન હમ શુરુ કૈસે કરે?” પ્રશ્નનો ઉત્તર હવે હાજર છે. ઘોંઘાટથી તમને કઈ પ્રકારનો વિક્ષેપ થઇ રહ્યો છે તે નીચે ચાર્ટનો અભ્યાસ કરીને પહેલા નક્કી કરી લો. એકદમ વૈજ્ઞાનિક ઢબે ઘોંઘાટને અલવિદા કરવાની તમે હવે ખુબ જ નજીક છો.
સીધે-સીધું વ્હાઈટ-નોઈસ મ્યુઝિક જ પીરસતી મોબાઈલ એપ્લિકેશન્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. રીલેક્સીંગ સાઉન્ડ એપ્સ, નેચર સાઉન્ડ એપ્સ, સ્લીપ એઇડ એપ્સ, હિપ્નોસીસ એપ્સ, એમ્બીએન્ટ નોઈસ એપ્સ, બાયન્યુરલ બીટ્સ સાઉન્ડ એપ્સ પ્રકારનાં કી-વર્ડનો ઉપયોગ કરી ગૂગલ કરતાં જ પ્લે-સ્ટોરની ઘણી એપ્લીકેશન્સનું લીસ્ટ દેખાશે. “વ્હાઇટ-નોઇસ” સિવાયનાં “કલર” ધરાવતા મ્યુઝીકથી જો બ્રેઇનવેવ્સ બનાવવામાં આવ્યા હોય તો તે પણ સાંભળી શકાય છે. આ બધું શોધવા પાછળ સમય ન ફાળવવો હોય તો અમેરિકાની વિશ્વ-પ્રસિદ્ધ BRAINSYNC કંપનીના એકદમ વૈજ્ઞાનિક ધોરણો અનુસારના ઓડિયો આલ્બમ્સ પણ વસાવી શકો છો.
તો હવે; બ્લ્યુ-ટુથ દ્વારા સ્માર્ટફોનને તમારા પસંદગીના ગેઝેટ સાથે કનેક્ટ કરો. કાન ઉપર લગાવો. અને નોઈસ કેન્સલેશન ટેકનોલોજીના સથવારે તમારી પસંદગીના બ્રેઈનવેવ્સ આધારિત વ્હાઇટ-નોઇસ મ્યુઝિકની જુગલબંધીનો અનુભવ શરુ કરો.