માઇક્રૉસૉફ્ટે ૨૩ તારીખે સ્કાઇપી મેસેજિંગ ઍપનું નવું વર્ઝન બહાર પાડ્યું, તેમાં ચેતવણી પણ છે કે આ સૉફ્ટવેરના અગાઉનાં વર્ઝનો ૧ સપ્ટેમ્બર પછી કામ કરતાં બંધ થઈ જશે.
સ્કાઇપી ૮.૦માં એચ. ડી.વિડિયો અને સ્ક્રીનશૅરિંગ કૉલની સુવિધાઓ છે. ૨૪ લોકો કૉન્ફરન્સ કૉલમાં ૧૦૮૦ પિક્સેલ વિડિયોમાં જોડાઈ શકે છે. સ્કાઇપી ૯.૦ એપલના આઈ પેડમાં ઉપલબ્ધ હશે તેમ માઇક્રૉસૉફ્ટે જાહેરાત કરી છે.
૧૦૮૦ પિક્સેલ સાથે સ્કાઈપી એપલના ફેસટાઇમ, ગૂગલ ડ્યુઓ, ગૂગલ હૅંગઆઉટ અને ફેસબુક મેસેન્જર કરતાં ચડિયાતું સાબિત થશે કારણકે ઉપરોક્ત ઍપમાં ૭૨૦ પિક્સેલ જ હોય છે. ઉપરાંત એક કરતાં વધુ લોકો આ વિડિયો વાતચીતમાં જોડાઈ શકે છે તે પણ સારો લાભ છે. આ પ્રકારની વાતચીતમાં તમે કોઈનું ધ્યાન આકર્ષિત કરવા માગતા હો તમે @ પ્રતીક ટાઇપ કરશો અને તે પછી જે તે વ્યક્તિનું નામ ટાઇપ કરશો તો તેમને નૉટિફિકેશન મોકલાશે. માઇક્રૉસૉફ્ટે સ્કાઇપીમાં ચેટ મિડિયા ગેલેરી ઉમેરી છે. તેના કારણે ચેટમાં સામેલ ફૉટો અને લિંક શોધવી સરળ બને છે.
સ્કાઇપીમાં ફૉટો, વિડિયો અને ફાઇલો મોકલવી સહેલી છે. ૩૦૦ એમબી સુધીની ફાઇલ તેને વાતચીતની બારીમાં ઘસડીને મોકલી શકાય છે. વળી, વૉટ્સએપની જેમ તેમાં કોઈ મેસેજ વંચાય તો તેની ખાતરી પણ થાય છે અને તે વાતચીત ગોપનીય પણ રહે છે. જ્યારે કોઈ સંદેશો વંચાય જાય તો ચેટમાં તેની નીચે એક આકૃતિ આવે છે. કૉલ, સંદેશાઓ અને ફાઇલો વગેરે એન્ક્રિપ્ટ હોવાથી વાતચીત ખાનગી રહે છે. સિગ્નલ પ્રૉટૉકોલના કારણે આવું થઈ શકે છે. આ વાતચીત વિશે સંદેશાઓ અને નૉટિફિકેશનો પણ ચેટ લિસ્ટમાં છુપાયેલા રહે છે જેથી તેમના વિશેની માહિતી ખાનગી રહે. પ્રૉફાઇલ ઇન્વાઇટ અને ગ્રૂપ લિંક સ્કાઇપીમાં ઉમેરાયા છે. પ્રૉફાઇલ ઇન્વાઇટના લીધે તમે જે લોકો સ્કાઇપી પર નથી તેમને તમારી પ્રૉફાઇલ મોકલીને વાતચીત શરૂ કરી શકો છો. સ્કાઇપી પર ગ્રૂપ બનાવવા માટે ગ્રૂપ લિંક ઝડપી માધ્યમ છે. ગ્રૂપ બનાવો અને ઇન્વાઇટ મૉર પર ટેપ કરવાથી તમે જે લોકોને તેમાં જોડવા માગો છો તેમને લિંક મળશે. જે લોકો આ ગ્રૂપના સભ્ય બનવા માગતા હશે તેઓ માત્ર તે લિંક ખોલીને સભ્ય બની શકશે.
વળી, તેમાં કૉલ રેકૉર્ડ થાય છે તે પણ આનંદની વાત છે. પરંતુ સામેવાળાને તેની જાણ પણ થાય છે. કોઈ વ્યક્તિ કૉલ રેકૉર્ડ કરવાનું શરૂ કરે એટલે સામેવાળી વ્યક્તિને તેની જાણ થાય છે. સ્કાઇપીને આઈઓએસ, એન્ડ્રૉઇડ, વિન્ડૉઝ, મેકઓએસ, લાઇનક્સ, ફાયર ઑએસ અને બીજા વેબબ્રાઉઝર દ્વારા ચલાવી શકાય છે.