ફેસબૂકે તાજેતરમાં ચેચન નેતા રમઝાન કેડીરૉવના સૉશિઅલ મીડિયા ખાતાં ડિલીટ કરી નાખ્યાં હતાં. તે પછી તે અમેરિકી સરકારની વિનંતી પર રાજકીય નેતાઓને શા માટે સેન્સર કરે છે તે કહેવા તેણે નકાર્યું છે.
સિલિકૉન વૅલી ટૅક્નૉલૉજી કંપનીએ કેડીરૉવનાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક ખાતાં દૂર કરી નાખ્યાં હતાં. અમેરિકાએ માનવ અધિકારના ભંગના આક્ષેપ પર તેમની સામે પ્રવાસ અને આર્થિક પ્રતિબંધો લાદ્યા તે પછી ફેસબૂકે આ પગલું ભર્યું હતું. ફેસબૂકે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ને કહ્યું હતું કે અમેરિકાની પ્રતિબંધોની યાદીમાં હોય તેવી વ્યક્તિ દ્વારા આ ખાતાં ચલાવવામાં આવતાં હતાં તેની ખાતરી થઈ તે પછી તેના પર વૈધાનિક બાધ્યતા આવી ગઈ હતી કે તેમનાં ખાતાં તે બંધ કરે.જોકે અમેરિકાની પ્રતિબંધોની યાદીમાં અન્ય મહત્ત્વની વ્યક્તિઓ પણ છે; જેમ કે વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ મદુરો, સિરિયાના પ્રમુખ બશર અલ અસાદ અને ગુએટમાલાના કૉંગ્રેસમેન જુલિયો એન્ટૉનિયો જુઆરેઝ. પરંતુ આ લોકોનાં ખાતાં ફેસબૂકે બંધ કર્યાં નથી. તેનો અર્થ એ કે ફેસબૂક બેવડાં વલણ ધરાવે છે.
અમેરિકાના પ્રતિબંધોના કાયદા હેઠળ તેણે શા માટે કેટલાંક ખાતાં ડિલીટ કર્યાં પરંતુ કેટલાંક ન કર્યાં તે સમજાવવાનો ફેસબૂકે ઈનકાર કર્યો છે. કંપનીની એક પ્રવક્તાએ ‘ગાર્ડિયન’નને જણાવ્યું હતું કે “અમે અમેરિકાના કાયદાઓની મર્યાદા હેઠળ કામ કરીએ છીએ અને આ કાયદાઓ સંજોગો મુજબ અલગઅલગ હોય છે.”
“અમે અમારી કાનૂની બાધ્યતા પૂરી કરીએ તે સુનિશ્ચિત કરવા અમે સંબંધિત સરકારી અધિકારીઓ સાથે કામ કરતા હોઈએ છીએ. અમારા મંચ પર મુક્ત અભિવ્યક્તિ મહત્ત્મ રહે અને લોકો સલામત રહે તે રીતે અમે આ કાયદાના પાલન માટે વિકલ્પો પણ શોધીએ છીએ.”
નાગરિક સ્વતંત્રતા જૂથોમાં આ કિસ્સાના લીધે ચિંતા ઊભી થઈ છે. તેમને ચિંતા છે કે અમેરિકાની વિદેશ નીતિ અનુસાર લદાયેલા આર્થિક પ્રતિબંધોનો ઉપયોગ કરીને રાજકીય વિચારોને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે.
અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો અમલ વિદેશી અસ્ક્યામત નિયંત્રણ કાર્યાલય (ઓએફએસી) દ્વારા કરવામાં આવતો હોય છે અને તે ખાસ તો એવી વ્યક્તિઓને લાગુ પડે છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમરૂપ હોય, પછી તે માનવ અધિકારનો કથિત ભંગ હોય, ડ્રગની હેરાફેરીમાં સંડોવણી હોય, ગેરકાયદે શસ્ત્ર સોદા હોય કે ત્રાસવાદ હોય.
અમેરિકાની કંપનીઓ અને વ્યક્તિઓને આ પ્રતિબંધોની યાદીમાં રહેલા લોકોને માલ, ટૅક્નૉલૉજી અને સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધિત કરવામાં આવી છે અને જે ઈરાદાપૂર્વક આ કાયદાનું ઉલ્લંઘન કરે તેને દંડ અને જેલનો સામનો કરવો પડે છે.
એવું લાગે છે કે ફેસબુક કાયદાનું પાલન કરવામાં પસંદગી રાખે છે, તે બતાવે છે કે આ વાતમાં સરકારની આડકતરી સંડોવણી છે.
અમેરિકાના નાગરિક સ્વતંત્રતા સંઘના એટર્ની જેનિફર ગ્રેનિકે કહ્યું કે આ કાયદો સ્પષ્ટ રીતે આર્થિક પ્રવૃત્તિને લગતો છે પરંતુ તેનો અમલ ભાષણને દબાવવાની સાવ અલગ શ્રેણીમાં લાગુ કરાઈ રહ્યો છે.
અમેરિકાના પ્રતિબંધોની યાદીમાં સમાવિષ્ટ તો અન્ય લોકો પણ છે, પરંતુ તેમનાં ખાતાં ફેસબૂકે હજુ બંધ નથી કર્યાં. તે બતાવે છે કે પડદા પાછળ ફેસબૂક અમેરિકાની સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. કંપનીના મંચ પર રીયલ નેમ પોલિસી છે, એટલે કે વ્યક્તિ પોતાના સાચા નામથી જ ખાતું ખોલાવે. તે સ્ક્રીનિંગ સૉફ્ટવેરની મદદથી સરળતાથી એ સુનિશ્ચિત કરી શકે કે જે લોકો કે કંપનીઓ ઓએફએસીની પ્રતિબંધોની યાદીમાં હોય તેમની સાથે તે કામ ન કરે.ઉલ્લેખનીય છે કે કેડીરોવ એ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીનના સાથી છે અને ડિસેમ્બરમાં ચાર અન્ય રશિયાઈ લોકો સાથે તેમને પ્રતિબંધોની યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. તેમના પર ગેરકાયદે હત્યા અને અન્ય માનવાધિકાર ભંગના આક્ષેપો છે. જ્યારે અમેરિકાની તેમની સામે પ્રતિબંધની યાદી પ્રકાશિત થઈ ત્યારે તેમણે અમેરિકાની સરકારની મજાક ઉડાવતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.