ભારતે અંતરિક્ષની દુનિયામાં સૌથી મોટી ઉપલબ્ધિ આજે હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બપોરે સાડા બાર વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે થોડા સમય પહેલાં જ અંતરિક્ષમાં એક સેટેલાઈટને તોડી પાડ્યો છે. ભારત આમ કરનારો દુનિયાનો ચોથો દેશ બન્યો છે. આ પ્રકારનો સ્પેસપાવર ફક્ત અમેરિકા, રશિયા, ચીન ધરાવે છે, અને હવે આપણો દેશ આ ક્લબમાં શામેલ થઈ ગયો છે.શા માટે આ જાહેરાત કરવા માટે સ્વયં વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન માટે આવવું પડે ? બેશક આ એક મોટી ગૌરવની ક્ષણ છે. જેને અતિગૌરવ સાથે પ્રસ્તૂત કરવામાં આવ્યું છે. દેશમાં જ નિર્મિત ટેકનોલોજી કેવી હરણફાળ ભરી ગઈ છે તે આ મિશનની સફલતા ડંકાની ચોટ પર દુનિયાને દેખાડી રહી છે.
મિશન શક્તિનું અદકેરું મહત્ત્વ છે, કેમ કે…
અંતરિક્ષમાં થયેલ આ મિશન પોખરણમાં કરેલાં પરમાણુ પરીક્ષણ જેવું જ છે. આ પરીક્ષણ પછી ભારત ફરી એક વખત દુનિયામાં પોતાની મજબૂતી(શક્તિ) સાબિત કરી છે.
આ મિશન કેમ છે ખાસ?
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ભારતનું આ સફળ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ હતું. હવે ભારત જળ, આકાશ અને જમીન સહિત અંતરિક્ષમાં પણ દુશ્મનોની હરકત પર નજર રાખી શકે છે. જો કોઈ દુશ્મન દેશ અંતરિક્ષમાં સેટેલાઈટ દ્વારા ભારત પર નજર રાખે અથવા તો જાસૂસી કરે તો ભારત તેને તેની મિસાઈલથી નષ્ટ કરી શકે છે.આ મિશન પૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા હતું. આ મિશનને ઈસરો અને ડીઆરડીઓની મદદથી પુરુ કરવામાં આવ્યું હતું.
જ્યારે પોખરણ પરીક્ષણથી હલી ગઈ હતી દુનિયા…
આમ જોવા જઈએ તો ભારતની આજની ઉપલબ્ધિ એટલી બધી મોટી છે કે જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં થયેલ પરમાણું પરીક્ષણ કર્યું હતું. ત્યારે દુનિયાના કોઈપણ દેશને ખબર નહોતી કે ભારત આટલી મોટી તૈયારીઓ કરી રહ્યું છે. અને તેમ છતાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરી નાખ્યું હતું. આજે પણ આવું જ બન્યું છે.
11 મે, 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં 3 પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ભારત ન્યૂક્લિયર નેશન બની ગયો હતો.. ન્યૂક્લિયર ટેસ્ટનું કામ પડદા પાછળ કરાયું હતું, તેની કોઈને પણ ગંધ આવવા દીધી ન હતી. ત્યાં સુધી કે અમેરિકાના ગુપ્ત સેટેલાઈટ્સને પણ તેની ખબર પડવા દીધી ન હતી.
‘ઓપરેશન શક્તિ’ પછી ‘મિશન શક્તિ’
જ્યારે વડાપ્રધાન વાજપેયીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ જાણકારી આપી હતી, ત્યારે દુનિયા ચોંકી ઉઠી હતી. ત્યારે દુનિયાના દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં ભારત સરકાર પીછેહઠ કરી ન હતી. ખાસ વાત એ છે તે મિશનનું નામ ‘ઓપરેશન શક્તિ’ હતું. આ મિશનમાં અતિમહત્વની ભૂમિકા નિભાવનાર તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તે ઉપરાંત સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાડિઝ અને રક્ષા મંત્રાલયના સલાહકાર વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ પણ સામેલ હતા.
બંને ઓપરેશનમાં શું સામ્યતા છે?
– આ ઓપરેશનનું નામ ‘મિશન શક્તિ’ છે. જ્યારે પોખરણમાં પરમાણુ પરીક્ષણના મિશનનું નામ ‘ઓપરેશન શક્તિ’ હતુ.
– ત્યારે મિશનને પૂરી રીતે ચુપચાપ કરાયું હતું. અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેની જાહેરાત કરી હતી. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે દેશને સંબોધિત કરીને આ જાહેરાત કરી હતી.
– ભારત ઈન્દિરા ગાંધીના જમાનાથી પરમાણુ શક્તિના આધાર પર ઉભર્યું હતું, પણ તે પછી કોઈપણ સરકારે ફરીથી પરમાણુ પરીક્ષણ કર્યું ન હતું. પરંતુ તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ દુનિયાના વિરોધની પરવા કર્યા વગર જ રાજનીતિક ઈચ્છા શક્તિ જગાવીને અને નિર્ણય લીધાં હતાં.
– અંતરિક્ષમાં થયેલ ‘મિશન શક્તિ’માં પણ એવું જ થયું છે. તેને પુરું કરવા માટે ભારત 2012માં સક્ષમ હતું, પણ ત્યારથી માંડીને અત્યાર સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પણ હવે મિશન પુરુ થયું છે.