ગુજરાતની જેમ જ આંધ્રમાં પણ થઈ છે મોટાપાયે આવનજાવન

ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા પાયે નેતાઓની આવનજાવન થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા માટે ભાજપે શંકરસિંહ વાઘેલા સાથે ગોઠવણ કરી હતી. ગુજરાત કોંગ્રેસને તોડી નાખવા માટેનો તખતો ગોઠવાયો અને 12 ધારાસભ્યોએ બળવો કર્યો. ધારાસભ્યોને સાચવવા માટે કર્ણાટક લઈ જવા પડ્યા હતા, તો પણ તેમાંથી સાણંદના ધારાસભ્ય છેલ્લી ઘડીએ ફૂટી ગયા હતા. તેમના દિકરાને ભાજપે સાધી લીધો હતો એટલે કર્ણાટકના રિસોર્ટમાંથી પરત આવ્યા તે પછી છેલ્લી ઘડીએ તેઓ પણ સરકી ગયા હતા.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસને ઉલટાનો ફાયદો થયો. વધારે બેઠકો મળી, આંકડો 80 સુધી પહોંચ્યો, પણ તે પછીય ભાજપની કોંગ્રેસી નેતા ખરીદી યોજના ચાલતી રહી છે તે છેક 2019ની ચૂંટણી પહેલાં સુધી. છેલ્લા રાઉન્ડમાં ઉંઝા, માણાવદર, હળવદ, જામનગર ગ્રામ્યના ધારાસભ્યો ગયા.

આંધ્ર પ્રદેશમાં 2014માં ચંદ્રાબાબુ નાયડુ ભાજપના સાથી હતા. તેમને પણ ભાજપનો રંગ લાગ્યો હતો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથેસાથે યોજાઈ હતી, તે પછી આજ સુધીમાં વાયએસઆર કોંગ્રેસના 3 સાંસદો અને 23 ધારાસભ્યોને બાબુએ તોડી નાખ્યા છે. મજાની વાત એ છે કે ગુજરાત કોંગ્રેસની જેમ જ વાયએસઆર કોંગ્રેસ પણ કચરો સાફ થયો અને ઘર ચોખ્ખું થયું એટલે આ વખતે સત્તા મેળવવાની નજીક આવી ગયાનું માને છે.

બીજી બાજુ બાબુએ નરેન્દ્ર મોદીનો સાથ છોડીને રાહુલ ગાંધીનો હાથ પકડ્યો છે, પણ ચૂંટણીની તારીખો જાહેર થઈ એટલે સાથ છોડીને બંનેના પક્ષો સામસામે લડી રહ્યા છે. વિપક્ષી એકતા માટે દેશભરમાં ફરનારા બાબુ હવે પોતાના રાજ્યમાં એકલા લડી રહ્યા છે તે પણ વક્રતા લાગશે, પણ ભારતીય રાજકારણની તે વક્રતા છે.

વાયએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન માને છે કે 2014ની વાત જુદી હતી. તે વખતે નાયડુ સામે જનતા રોષ નહોતો, કેમ કે તેઓ પણ સત્તાધીશ કોંગ્રેસ સામે લડી રહ્યા હતા. હવે મામલો જુદો છે. ચાર વર્ષ ભાજપ સાથે રહ્યા હતા એટલે તેની સામે પણ લડવાનું આવ્યું નહોતું. કોંગ્રેસ સત્તામાં નથી એટલે તેની સામે લડવાનું હોય નહિ. તેથી લોકો કહે છે કે હવે લડવાની વાત છોડો, આંધ્રને ન્યાય અપાવવાની વાત છોડો, પાંચ વર્ષમાં તમે શું ઉકાળ્યું તે કહો. જગનમોહન માને છે કે આ વખતે સત્તાવિરોધી લહેર છે તે બાબુને જ નડશે.

બાબુ કદાચ વાતને સમજે છે. તેથી જ તેમણે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાનું પસંદ કર્યું નથી. જગનમોહન અને ભાજપ ખાનગીમાં સાથે છે, પણ તેમનુંય ગઠબંધન થયું નથી. તેથી બે કોંગ્રેસ, ભાજપ અને ટીડીપી એમ ચાર પાંખીયો જંગ આંધ્ર પ્રદેશમાં મંડાયો છે. સત્તાવિરોધી મતો, લોકોનો રોષ એકથી વધુ પક્ષો વચ્ચે વહેંચાઇ જાય તો પોતાને ફાયદો થાય તેમ નાયડુને લાગે છે. પોતાના અસલી ટેકેદારોને તે જાળવી રાખે તો પણ જીતી જવાય. તેથી જ કોંગ્રેસને સાથે રખાઇ નથી. કોંગ્રેસ સાથે રાખવામાં આવે તો કોંગ્રેસ વિરોધી મતો કાંતો વાયએસઆરને જાય, કાંતો ભાજપને જાય. મોટું નુકસાન ટીડીપીને થાય. તેના બદલે કોંગ્રેસ વિરોધી થોડા મતો પોતાને પણ મળે અને નાનું નુકસાન જાય તેવી ગણતરી છે.

પવન કલ્યાણ

જોકે ટીડીપી માટે ચઢાણ કપરાં છે. તેમના પક્ષમાંથી પણ કેટલાક નેતાઓ જતા રહ્યા છે. ત્રણેક ધારાસભ્યો એવા છે, જેમને ટિકિટ આપી તોય લડવા તૈયાર નથી. જન સેના નામનો પક્ષ પવન કલ્યાણનો છે. પવન કલ્યાણ ફિલ્મનો હિરો છે. નાયડુ સાથે તેમને સારાસારી છે, પણ જન સેના સાથેય ગઠબંધન કરાયું નથી. જન સેના પણ અલગથી લડશે. જન સેનાએ દલિત અને પછાતોના મતો માટે બહુજન સમાજ પક્ષ અને ડાબેરી પક્ષો સાથે જોડાણ કર્યું છે.

દરમિયાન જગનમોહનના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા થઈ છે. બે વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય તરીકે રહેલા વિવેકાનંદની રેડ્ડી હત્યા રાજકીય હોવાનો દાવો જગનમોહનનો છે. રેડ્ડી પરિવારનો દબદબો રાયલસીમા વિસ્તારમાં રહેલો છે, ત્યાં ફરી એકવાર જૂથો વચ્ચે હિંસક ટક્કર થઈ રહી છે. પરિવારમાં હત્યાનો આ વધુ એક સિલસિલો છે તેવું કહીને જગનમોહને સીબીઆઈની તપાસની માગણી કરી છે. જગનમોહનના પિતા રાજશેખર રેડ્ડી સંયુક્ત આંધ્રના શક્તિશાળી કોંગ્રેસી નેતા હતા. તેણે જ ટીડીપી સામે કોંગ્રેસને ફરી સત્તા અપાવી હતી. જોકે હેલિકોપ્ટર અકસ્માતમાં તેમનું અવસાન થયું અને કોંગ્રેસે જગનમોહનને વારસો ના આપ્યો તેથી કોંગ્રેસ તૂટી ગઈ છે. જગનમોહનના દાદા રાજા રેડ્ડીની પણ હત્યા થઈ ગઈ હતી. હેલિકોપ્ટર અકસ્માત વિશે પણ શંકા વ્યક્ત કરીને જગનમોહન આંધ્રમાં હત્યાનું રાજકારણ ચગાવી રહ્યા છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જગનમોહન પર પણ હુમલો થયો હતો. આડકતરી રીતે ટીડીપી પર હિંસક રાજકારણનો આક્ષેપ કરી રહ્યા છે.

પેલા પ્રશાંત કિશોરની મદદ પણ જગનમોહને લીધેલી છે. પોતાની ઇમેજ સુધારવા માટે અને સંગઠનને મજબૂત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી જગનમોહને સતત પદયાત્રાઓ કરી છે. તેની પદયાત્રા, સાચા અર્થમાં પદયાત્રા કરીને, હજારો કિલોમિટરનો પ્રવાસ ગામડાંમાં કર્યો છે. તેનો ફાયદો થશે તેવું મનાય છે. બીજું તેણે પોતે સત્તા પર આવશે તો શું કરશે તેના સ્પષ્ટ નવ વચનો આપ્યા હતા. નવરત્ન તરીકે તેને જાહેર કરાયા હતા. આ માર્કેટિંગ કદાચ પ્રશાંત કિશોરની જ હતી. જોકે ચંદ્રબાબુ નાયડુએ તેમાંના કેટલાક વચનોનો અમલ જ કરી નાખ્યો છે. જેમ કે વૃદ્ધોને પેન્શનની રકમ વધારવી અને યુવાનોને બેકારી ભથ્થું આપવું વગેરે.

આ ઉપરાંત ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ જગનમોહને એક સાથે વિધાનસભાની ચૂંટણીના બધા જ 175 અને લોકસભા માટેના 25 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી. આ સલાહ પણ પ્રશાંત કિશોરની હોવાનું મનાય છે. બિહારમાં પણ બધા જ ઉમેદવારોની યાદી એક સાથે જાહેર કરાઈ હતી. ભાજપના 17 ઉમેદવારોના નામ પણ નીતિશકુમારના ઉમેદવારોની સાથે જ જાહેર કરાયા હતા. ઉમેદવારોના નામ સામે અસંતોષ થવાનો હોય તો એકસાથે થઈ જાય અને ઝડપથી પૂરો પણ થઈ જાય. જગનમોહનના પક્ષને નાયડુએ તોડ્યો હતો, તે પછી હાલના સમયમાં ટીડીપીને પણ જગનમોહને તોડ્યો છે. નાયડુએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું અને ફરીથી સત્તા જાળવવી મુશ્કેલ જણાવા લાગી એટલે ટીડીપીમાથી મોટા પાયે નેતાઓ જગનમોહન સાથે જતા રહ્યા છે. બધાને ટિકિટ ના મળી તો પણ પક્ષપલટો કર્યો છે.

ગુજરાતમાં પાંચ સાતની આવનજાવન થાય ત્યારે આપણે હવે થોડિક ઓછી બૂમાબૂમ કરવી પડશે. આ જુઓ આંધ્રની વાત થઈ. ભાજપે હાલમાં જ ઓડિશા અને બંગાળમાં પણ મોટા પાયે બીજુ જનતા દળ, તૃણમૂલ, ડાબેરી, કોંગ્રેસ જ્યાંથી મળ્યા ત્યાંથી નેતાઓને લીધા છે અને તેમને પોતાના સત્તાના વૉશિંગ મશીનમાં ધોવા નાખી દીધા છે. તેમને ધોઈને પછી તડકે જ નાખવાના છેને!