આશ્રમનાં તમામ ઝાડવાંઓ જંપી ગયાં હતાં. પંખીઓ નિદ્રાધીન હતાં. ગૌશાળાની ગાયો પણ આંખો મીંચીને જાણે સમાધિસ્થ થઈ હતી.
મધ્યરાત્રીની નીરવતાનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું હતું.
ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના જોરની પકડમાંથી આકાશ હજી પૂરેપૂરું છૂટ્યું ન હોય એમ મ્લાન અને તારલિયા વિહીન હતું અને એટલે જ ગુરુપૂર્ણિમાની રાત્રિનું આકાશ પણ ચંદ્રવિહોણું અંધારિયું દીસતું હતું.
આશ્રમની એક કુટિરમાં સ્વામીજી પડખાં બદલતા હતા. એ જ એકમાત્ર ગતિશીલતાને બાદ કરતાં સમગ્ર વાતાવરણ કોઈ ચિત્રકારે ઘટ્ટ રંગોથી દોરેલી છબિ જેવું સ્થિર……!
આમ તો સ્વામીજીની ઊંઘ ગણીને ચાર કલાકની જ, પણ આજે તો એય તે છેટી ભાગી ગઈ હતી.રાત્રે આશ્રમે આવતાં સંસારીઓ સાથે જ્ઞાન-ઉપદેશનો સત્સંગ કરીને હરિ—સ્મરણ કરતાં—કરતાં નિદ્રાધીન થતા અને બ્રાહ્મમુહૂર્તમાં જાગી નિત્યકર્મ આટોપીને ધ્યાનમાં બેસવાનો એમનો ક્રમ હતો.
પરંતુ આજે તો સત્સંગ સભામાંથી ઊઠ્યા પછી જાણે કે મનનાં મરકટવેડા શરૂ થયા હતા..!
ગામના સરપંચની એકની એક દીકરી નિર્મલા નાની બાળ- વિધવા થઈ હતી. બીજી વાર સંસાર માંડવા પ્રત્યે રુચિ ન રહેતાં એણે પોતાનું મન પ્રભુભજનના માર્ગે વાળ્યું હતું. સરપંચ પણ દીકરીના નિર્ણયને પૂરું માન આપતા હતા. નિર્મલા કાયમી ધોરણે પિયરમાં આવ્યા પછી નિયમિતપણે આશ્રમે આવતી. સ્વામીજી સાથે ધર્મ-વેદ-પુરાણ-ઉપનિષદના શાસ્ત્રાર્થ કરવામાં ઉભયપક્ષને અનેરો આનંદ આવતો.
ગુરુપૂર્ણિમાના દિવસે નિર્મલાએ સ્વામીજીનું ભાવભક્તિપૂર્વક પૂજન કર્યું હતું.
સરપંચની હાજરીમાં જ નિર્મલાએ સ્વામીજીને ગુરુપદે સ્થાપવાનો પોતાનો મનોરથ રજૂ કર્યો હતો. ઘણી હોંશથી એકાગ્રચિત્તે શિવ ઉપાસના કરી શકાય એ હેતુથી ઘરથી દૂર શ્રાવણ માસ ગાળવા માટે નિર્મલા આશ્રમમાં રહેવા આવી ગઈ હતી.
રાત્રિની સત્સંગસભામાં નિર્મલાએ જે જ્ઞાનોપદેશ આપ્યો એનાથી સ્વામીજી અભિભૂત થઈ ગયા હતા. જાણે કે નાભિમાંથી ફૂટતી સત્ય વાણીની અસર સમગ્ર વાતાવરણમાં વ્યાપેલી હતી.
સંન્યાસ લીધાનાં આટલાં વરસો પછી પણ સ્વામીજીના વ્યક્તિત્વમાં જે આભા નહોતી ખીલી તે ઓજસનો તાપ સ્વામીજીને નિર્મલાના સમગ્ર અસ્તિત્વમાંથી ઝરતો અનુભવાયો.
મનમાં સાતમા પાતાળેથી એક ઈચ્છાએ જાણે કે પોતાની ફેણ ઊંચકીને ફુત્કાર કર્યો. વૃત્તિઓને જીતી લીધાના ભ્રમે જાણે કે ડંશ દીધો હોય એમ રૂંવાડે-રૂંવાડે લબકારા ઊપડ્યા.
જપ-ધ્યાનને વીસરી જઈ સ્વામીજી અવશપણે નિર્મલાની કુટીર તરફ દોરવાયા.
ફૂલક્યારી વટાવીને જ્યાં કુટીરની ઓટલી પાસે પહોંચ્યા કે પગ થંભી ગયા….!!!
કુટીરના અર્ધખુલ્લા દ્વારમાંથી દેખાયેલ દૃશ્ય.
ધૂપ અને પ્રજ્વલિત દીપની સામે આંખો મીંચીને પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠેલી નિર્મલાના હોઠ આછું—આછું કંપતા હતા.
સ્વામીજી જાણે કે ખીણની ધારેથી પાછા ફરતા હોય એમ ધ્રૂજતા પગલે પરત ફરી ગયા.
(રેખાબા સરવૈયા)
(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)
