92 વર્ષની ઉંમરે 10 માણસની રસોઈ બનાવી નાખવાનો આત્મવિશ્વાસ ધરાવનાર અને રોજ પોતાનાં કપડાં જાતે ધોઈ-સૂકવી નાખનાર, સ્વાધ્યાયી ચંચળબહેન દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ વાપી-ઉદવાડા પાસે પરિઆ ગામમાં. પિતા ગામના સરપંચ. કેળવણી સાથે સંકળાયેલા. સાત ભાઈ-બહેનોમાં ચંચળબહેન સૌથી મોટાં. આઠમું ધોરણ પાસ કર્યું અને તેમના લગ્ન વાપીના ઉત્તમભાઈ સાથે થયા. તેમનો અભ્યાસ અધૂરો રહ્યો એટલે બાળકોને સરસ ભણાવ્યાં. થોડા વખતમાં પિતાનું અવસાન થતાં, નાના પાંચ ભાઈઓની જવાબદારી તેમના પર આવી. બે ભાઈઓને પોતાની જોડે રાખીને ભણાવ્યા અને બધા ભાઈઓને સારી નોકરીમાં લગાડ્યા. શરૂઆત મુંબઈથી કરી. ગામડેથી મુંબઈ હોસ્પિટલમાં આવતાં લોકોની ઘણી સેવા કરી. 1960માં ગુજરાત-રાજ્ય અલગ થતાં તેઓ અમદાવાદ આવી ગયાં. પોતાનાં ચાર બાળકો, સસરા, બે મામા, અને નોકર સાથેનું 10 જણનું કુટુંબ બે-રૂમના નાના ઘરમાં રહેતું! સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય હતાં.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 8:30 વાગે ઊઠે. નાહી-ધોઈ, ચા-પાણી કરી કલાક પૂજાપાઠ કરે. પછી છાપુ વાંચે. 12:00 વાગે જમે. અત્યારે પણ સોમવાર, ગુરુવાર, અગિયારસના ઉપવાસ-ફરાળ કરે. બપોરે જમીને થોડો આરામ કરે. બાળકોનું ધ્યાન રાખે. 3-4 કલાક વાંચે. ક્યારેક દર્શન કરવા જાય. હમણાં મુંબઈ જઈ આવ્યાં! અનાવિલની નાત અને દહેજનો રિવાજ, પણ ત્રણે દીકરીઓને દહેજ વગર, સારી રીતે, સામેથી માગાં આવે તેમ લગ્ન કર્યાં. દીકરાના લગ્ન પણ દહેજ વગર કર્યા.
શોખના વિષયો :
વાતો કરવાનો બહુ શોખ! 90 વર્ષની પાંચ બહેનપણીઓ ભેગી થાય તો કલાકો સુધી વાતો કરે! વાંચવાનો શોખ, ટીવી જોવું ગમે, ગરબા ગાય અને કરે પણ ખરા. જોકે પગની તકલીફને લીધે ગરબા બંધ છે. નવરાત્રીમાં દર વર્ષે માતાજીનું સ્થાપન અને ઉપવાસ કરે. ગાર્ડનિંગ કરવું ગમે. ભજનનો શોખ. રસોઈનો બહુ શોખ. બગાડ બિલકુલ ગમે નહીં. વધેલી વસ્તુમાંથી સરસ નવી વસ્તુ બનાવી નાખે. તેમની મીઠાઈઓ બનાવવાની આવડત પેટન્ટ કરાવી પડે એટલી સરસ!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ઘરમાં હરતાં-ફરતાં છે. કોઈ મેજર બીમારી નથી. કોરોના સમયમાં બોલ-રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવું પડ્યું હતું. ત્રણ-ચાર વાર પડી ગયાં, પણ તરત જ રિકવર થઈ જાય! મેમરી ખૂબ સરસ છે, આંખો સારી છે, સાંભળવાની અને પગની થોડી તકલીફ છે. દીકરો-વહુ (ગૌતમ-રશ્મિ) તથા પૌત્ર-પૌત્રવધૂ (માલવ-ઊર્મિ) સરસ સેવા કરે છે. ગૌતમભાઈ હસતા-હસતા કહે: કંપની આપવાની એ જ સેવા!
યાદગાર પ્રસંગ:
વ્યવહારિક જ્ઞાન ઘણું. પુત્રના મિત્રોને પોતાના પુત્ર જેમ રાખે. એક મિત્રની તબિયત બગડી. ચંચળબાને ખબર પડી, કે હવે મિત્રને જોવા હોસ્પિટલ જોવું પડશે. તેમણે પુત્રને કહ્યું કે બિમાર-મિત્રની સાથે એકદમ પોઝિટિવ જ વાત કરવાની. ક્યારેય માંદા-મિત્રની સામે રડવાનું નહીં. હોસ્પિટલ જઈને એમણે મિત્રના આખા શરીરે હાથ ફેરવ્યો અને પ્રેમથી કહ્યું કે તું સારો થઈ જાય એટલે અમારે ઘેર રહેવા આવજે!
તેમનો પૌત્ર(માલવ) એક છોકરીના પ્રેમમાં હતો. દાદાને ખબર પડી ગઈ! દાદાએ ચંચળબાને વાત કરી અને બંને વડીલોએ છોકરી સાથે વાત કરીને રંગે-ચંગે પ્રસંગ પાર પાડ્યો! પૌત્ર માલવ અને પૌત્રી જીનલ બંને પહેલા જ ટ્રાયલે CA પાસ થયા તે યાદગાર પ્રસંગ. મોટી દીકરીએ મારવાડી કુટુંબમાં લગ્ન કર્યા એ પણ યાદગાર! પૌત્ર(માલવ) કાયમ બાને “108 નોટ-આઉટ” કહે એટલે બા ખુશ-ખુશ! 90 વર્ષની ઉંમરે નાતમાં તેમનું સન્માન થયું તે પણ યાદગાર!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજીનો ઉપયોગ ઓછો, પણ ખૂબ વ્યવહારુ. કોઈની બીમારી કે અવસાનના સમાચાર આવે તો ફોન ઉપર બહુ સરસ રીતે વાતો કરે. પરદેશ રહેતા પૌત્ર સાથે પણ નિયમિત વાત કરે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાં સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વચ્ચે ઘણો પ્રેમ હતો. લોકો ભેગાં મળી ગપ્પા મારતાં. તેઓ વાપી જાય તો જાણે આખું ગામ મળવા આવતું! અત્યારે પ્રેમ ઓછો થઈ ગયો છે અને ઘેર આવવાનું તો બિલકુલ બંધ થઈ ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બહાર જવાનું ઓછું થઈ ગયું છે, એટલે પુત્ર અને પૌત્રોના મિત્રો આવે તો તેમને બહુ ગમે. ઘેર આવે ત્યારે તેમની સાથે સરસ વાતો કરે. પ્રપૌત્રીઓ નાવ્યા અને નિષ્કા સાથે તો બહુ ફાવે. તેમને 4 બાળકો, 8પૌત્ર-પૌત્રી અને 14 પ્રપૌત્ર-પ્રપૌત્રી છે.
સંદેશો :
કોઈપણ વસ્તુનો બગાડ કરવો નહીં. તમારી રચનાત્મક આવડતને કામે લગાડી, વધેલી વસ્તુઓમાંથી કંઈને-કંઈ નવું બનાવો.