નોટ આઉટ @ 88: ઉષાબહેન પંડિત

ગાંધી-વિચારધારાના રંગે રંગાયેલ અને વિનોબાજીના સર્વોદય-કાર્યમાં વર્ષો સુધી સક્રિય રહેલ એવાં પંકજ વિદ્યાલયનાં ભૂતપૂર્વ આચાર્યા, ઉષાબહેન પંડિતની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મોસાળમાં પોરબંદરમાં. બાળપણ રાજકોટમાં. ત્રણ બહેન, એક ભાઈ. પિતાજી 1932ની સાલથી ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયેલ. સારા કસરતબાજ હતા. મામા એફ.આર.સી.એસ. ડૉકટર, માસી “સ્ત્રી-સશક્તિકરણ” માટે સક્રિય. મામા-માસી બંને આજીવન બ્રહ્મચારી! નાગરી-નાતે વિરોધ કરી નાત-બહાર મુકેલાં! ઉષાબહેને બી.એ. થયાં બાદ સ્વાવલંબી અને સિદ્ધાંતવાદી આઈ.એ.એસ. યુવાન સનતકુમાર મોહનલાલ પંડિત સાથે, વિચારો એકબીજાને મળતા હોવાથી, ‘ન લેવાનું, ન દેવાનું’ એવા સિદ્ધાંત સાથે લગ્ન કર્યા. બાળકોના જન્મ પછી ઉષાબહેને એમ.એ. કર્યું. પતિ ગાંધીનગરમાં ટેક્સટાઇલ-કમિશનર હતા. તેઓ ઉષાબહેનને બધી બાજુથી સાથ-સહકાર આપતા. 1997માં તેમનું અવસાન થયું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સાત વાગ્યે ઊઠે. ચા-પાણી-નાસ્તો કરી દીવો કરે. સર્વધર્મમાં માને. ભગવાન બધામાં હોય એવી શ્રદ્ધા! પગે થોડાક સોજા છે એટલે ઘરમાં 600 પગલાં ચાલે. જમીને 11 વાગ્યે કસ્તુરબા-ટ્રસ્ટના ગુજરાત ખાતેના પ્રતિનિધિ હોવાથી કસ્તુરબા વિદ્યાલય(કોબા), ટ્રસ્ટમાં જાય. બહેનોની પી.ટી.સી. કોલેજ છે, છોકરીઓ માટે પબ્લિક-હેલ્થ-સેન્ટર ચલાવે છે. યુવાનો માટે મોબાઈલ-ફોન-રીપેરીંગ, એ.સી.-રીપેરીંગ વગેરેના ત્રણ મહિનાના કોર્સ ચલાવે છે. પાંચ વાગ્યે પાછાં આવે પછી વિનોબા-સાહિત્ય, ભૂમિપુત્ર, ગાંધીમાર્ગ વગેરે વાંચે. ટીવી પણ જુએ.

શોખના વિષયો : 

સમાજ-સેવા મોટો શોખ! લેખન-વાંચન બહુ ગમે. સંગીત, ખાસ તો ગાયન, બહુ ગમે. ફરવાનું પસંદ છે. અમેરિકા જઈ આવ્યાં છે. નારી-શક્તિના કામમાં આખો દેશ ભમ્યાં છે. ગાંધી-જન્મ-શતાબ્દી સમયે, પોરબંદરથી વર્ધા સુધીની 2000 કિલોમીટરની પદયાત્રા કરી હતી! 80 ગામની પદયાત્રા દરમિયાન બહેનોને સહકાર આપેલ.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે. યુરિક-એસિડને લીધે પગની થોડી તકલીફ છે. શરીરને બહુ વાપર્યું. હવે સેવા માંગે છે! ‘પગેશ્વર’ની સેવા કરે છે! (પગની સાર-સંભાળ રાખે છે!) બહેન અનિતા 24 કલાક તેમની સાથે રહી તેમનું ધ્યાન રાખે છે.

યાદગાર પ્રસંગ:  

મધ્યપ્રદેશમાં બહેનોનો અને ગ્રામજનોનો 15 દિવસનો કેમ્પ હતો. પાંચેક હજાર લોકોએ પોતાની તકલીફોનો ઉકેલ લાવવાના આશયથી કેમ્પમાં ભાગ લીધો હતો. દિવસનું ખાવાનું તેઓ ઘેરથી લઈને જાય. સાંજે દાળ-ભાત બનાવે. ઉષાબહેન અને તેમની ટીમના કામથી લોકો ખુશ થઈ ગયા પણ કલેકટર ત્રાસી ગયા! લોકોની તકલીફોને અલગ-અલગ ભાગમાં વહેંચી, જુદાં-જુદાં ટેબલો ઉપર ઓફિસરો ગોઠવ્યા અને અઠવાડિયામાં લોકોના ઘણાં પ્રશ્નો હલ થયા!

એકવાર તેઓ એક ગામમાં દારૂના વિરોધ માટે ગયાં હતાં. પુરુષોનો વિરોધ: ‘દારૂ વગર ચાલે જ નહીં!’ ઉષાબેન કહે: “હું તમારી બહેન છું. એક બાટલી પીતા હોય તો અડધી પીજો, પણ દારૂ પીવાનું ઓછું કરો.” આખા દિવસનું કામ પતાવી મોડેથી બહેનો સ્કૂલમાં ઊતારે સૂવાં ગયાં. અડધી-રાત્રે બહારથી કોઈ બારણું ખખડાવે! બહેનો ગભરાઈ ગઈ! કોઈ દારૂડિયો હેરાન કરવા આવ્યો હશે! બે-ત્રણ વાર કોઈએ બારણાંને ધક્કા માર્યા. છેલ્લે હિંમતથી ઉષાબહેને બારણું ખોલ્યું અને… બહાર જુએ તો કાળું કૂતરું બારણાંને ધક્કા મારતું હતું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

તેઓ સેન્ટરમાં યુવાનોને નવી-ટેકનોલોજી શીખવાના ક્લાસ ચલાવે છે. મોબાઈલ-ફોન-રીપેરીંગ, એસી-રીપેરીંગ વગેરેના ત્રણ મહિનાના કોર્સ ચલાવે છે. પોતે સ્માર્ટફોન વાપરી શકે છે. પરદેશ રહેતાં કુટુંબીજનો સાથે વીડિયો-કોલ કરી શકે છે. સોશિઅલ મીડિયાનો માર્યાદિત ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

હવે જૂનું તો કંઈ શોધ્યું મળે તેમ નથી! કાંકરામાંથી ઘઉં શોધવા પડે તેવું છે! ગાંધીવાદ અને વિનોબાવાદનો બિલકુલ અભાવ છે. સમાજને ગાંધીજીની જરૂર નથી. સમાજ બદલાઈ ગયો છે એટલે સમાજની સમસ્યાઓ પણ બદલાઈ ગઈ છે. સમાજ બે ભાગમાં વહેંચાયો છે: એક વિભાગમાં કોઈને મહેનત નથી કરવી. મુખ્ય રોગ આળસ છે! બીજા વિભાગમાં નવી-નવી શોધો થાય છે અને ત્યાં વિકાસનો ઘણો સ્કોપ છે. પરિવર્તન તો થશે જ, સાચું કે ખોટું! ગાંધીયુગમાંથી પરિવર્તન-યુગમાં આપણે છીએ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને બે દીકરી, ચાર પૌત્ર-પૌત્રી અને છ પ્રપૌત્ર-પ્રપ્રૌત્રી છે. પૌત્ર-પૌત્રી સાથે ઘણું ફાવે. આજના યુવાનોની બેકારી નિવારણ માટે અગાઉ જણાવેલ કામ ચાલુ છે. યુવકો પણ પ્રસંગોપાત ટ્રસ્ટના કાર્યમાં સક્રિય રહે છે. છતાં ઘણાં યુવાનોને ત્યાં પરાણે લાવવા પડે! તેમનામાં સેવા-ભાવના ઓછી થઈ ગઈ છે. ગાંધીની વાતો સાંભળવા તેઓ તૈયાર નથી. નોકરીની અને આવકની પણ સમજણ ઓછી છે.

સંદેશો: 

સ્વાવલંબી બનો, સ્વાશ્રય કરો, શિક્ષણ લો, આરોગ્ય સાચવો અને સ્વચ્છતા ફેલાવો!