નોટ આઉટ @ 86 : વિક્રમભાઈ મહેતા

86 વર્ષની ઉંમરે ‘ગુજરાતની પાંજરાપોળ’ વિષય ઉપર ત્રીજી પી.એચ.ડી.નો મહાન-નિબંધ સબમીટ કરવા જઈ રહેલા વિક્રમભાઈ મહેતાની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

દાદા પાલનપુરના નવાબના વજીર. પિતા નવાબના બેગમના કારભારી. તેઓ ત્રણ ભાઈઓ. મોટાભાઈ ENT-સર્જન, બીજા ભાઈ એમ.એ.એલ. એલ.બી. અને તેઓ એમ.કોમ. બે પી.એચ.ડી. (ત્રીજીપી. એચ.ડી. સબમીટ કરશે). એસ.એસ.સી. સુધી પાલનપુરમાં ભણ્યા. પછી પુના યુનિવર્સિટીમાંથી એમ.કોમ. કર્યું. 1961થી 2006 સુધી મુંબઈમાં એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં સરસ ધંધો કર્યો. 1970થી 97 સુધી નાસિકમાં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને ભણાવતા. 73-74માં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ટેક્સ-બુકનો (‘વસ્તુ વ્યવસ્થાપન’) ઈંગ્લીશમાંથી મરાઠીમાં અનુવાદ કર્યો. ચાર વર્ષ હોસ્ટેલમાં રહીને ભણ્યા. બે વર્ષ તે જ હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી. છાપાં-મેગેઝિનોમાં મટીરીયલ્સ-મેનેજમેન્ટ પર આર્ટીકલ લખતા. વિદ્યા સહકારી બેંક લિમિટેડમાં ફાઉન્ડર-ડાયરેક્ટર હતા. એમ.કોમ. અને એમ.બી.એ. ફેકલ્ટીમાં એક્ઝામિનર અને પેપર સેટર હતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ક્યારેય નિવૃત્ત થયા જ નથી! રોજ સવારે 10થી સાંજે છ સુધી ઓફિસમાં હોય. જૈન ધાર્મિક સંસ્થાઓમાં અને અન્ય સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય. સાત કોલેજો, 11000 વિદ્યાર્થીઓ, આર્ટસ-સાયન્સ-કોમર્સ-લો-ફાઇન-આર્ટસ-બી.સી.એ.-એમ.બી.એ. જેવી ફેકલ્ટી ધરાવતી, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળમાં 15 વર્ષથી ટ્રસ્ટી (છેલ્લા બે વર્ષથી ચેરમેન) છે. ભગવાન-મહાવીર સેવા-સમિતિ બ્લડ-બેન્કમાં ચેરમેન છે, મહાજન હોસ્પિટલમાં તથા મહાજન પાંજરાપોળમાં ટ્રસ્ટી છે, નવસારી કેન્સર-કેર ફાઉન્ડેશનમાં તથા નવસારીના ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ-ટ્રસ્ટમાં 20 વર્ષથી ટ્રસ્ટી છે, જ્યાં તેઓ ડોનેશન લેતા નથી. મેડિકલ-કેમ્પ અને ખેડૂતોનાં સભા-સંમેલન યોજે છે. બાળકોને પર્યાવરણનું શિક્ષણ આપે, સાથેસાથે નાસ્તો-યુનિફોર્મ પણ આપે. ડેફ-ડમ્બ-બ્લાઇન્ડ સ્કૂલ માનવ કલ્યાણ-ટ્રસ્ટમાં તેઓ લાંબા સમયથી ટ્રસ્ટી છે. જેમ્સ-એન્ડ-જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, કારગિલ વખતે અને ગુજરાતના ધરતીકંપ વખતે ઘણું કામ કર્યું. આર્મીના બાળકો માટે કલીનામાં હોસ્ટેલ બનાવી.

શોખના વિષયો : 

સેવા એ જ શોખ! મહારાષ્ટ્ર-ગુજરાતની 100 જેટલી સેવાભાવી સંસ્થાઓમાં કામ કરે છે, તેમને પૈસા ભેગા કરવામાં મદદ કરે છે. ફરવાનો શોખ હતો. ભારતમાં અને વિદેશમાં ઘણું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો બાંધો, ઓછું વજન અને ઘરનું ટિફિન એટલે તબિયત સારી છે. 2000ની સાલમાં હૃદયમાં બે સ્ટેન્ટ મૂક્યા હતા, 2006 અને 2023માં ફરી એકએક સ્ટેન્ટ  મૂકવો પડ્યો, પણ ગાડી સરસ ચાલે છે! 10થી છ ઓફિસ એટેન્ડ કરી શકે છે! કોલેજમાં કસરત કરતા પણ હવે કસરત કરતા નથી. સવાર-સાંજ થોડું ચાલે છે. હોટલમાં જતા નથી તથા દારૂ-સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહે છે.

યાદગાર પ્રસંગ: 

સાદગીથી લગ્ન કર્યા હતા, તે યાદ છે. અભ્યાસ માટે મહારાષ્ટ્રીયન  શિક્ષકો-પ્રોફેસરોએ ઘણી મદદ કરી હતી તે યાદ છે. હોસ્ટેલમાં સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ઘણું કામ કર્યું. ધ્વજવંદન અને પિકનિક જેવા પ્રોગ્રામો શરૂ કર્યા. વિદ્યાર્થીઓને ટ્યુટર તરીકે ભણાવતા. સાયરસ પુનાવાલા અને શરદ પવારને ટ્યુટર તરીકે ભણાવ્યા હતા. એકવાર ગણપતિના પ્રસંગે વિદ્યાર્થીઓ ફાળો લેવા આવ્યા. તેમને હતું કે આ ગુજરાતી માણસ ગણપતિ માટે ફાળો આપશે નહીં. વિક્રમભાઈએ પૂછ્યું કે કેટલો ફાળો આપું? વિદ્યાર્થીઓએ 51 રૂપિયા (1961ની વાત છે) માંગ્યા. વિક્રમભાઈએ 101 રૂપિયા આપ્યા. બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરવાનું એટલે ટેકનોલોજીનો તો ઉપયોગ કરવો જ પડે. ઈમેલ અને whatsapp વગેરે સહેલાઈથી વાપરે છે. મોટા કામો માટે સંસ્થાઓના મદદનીશનો લાભ લે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ ભણતા ત્યારે 1000 વિદ્યાર્થીમાં 10 છોકરીઓ હોય! એમના 180ના ક્લાસમાં ત્રણ છોકરી હતી અને તે પણ સાડીમાં આવતી! હવે 3,500 વિદ્યાર્થીઓમાં 1700-1800 છોકરીઓ છે, અને  કેવા વસ્ત્રો પહેરે છે! દૂરથી ખબર પણ ન પડે કે છોકરો છે કે છોકરી! અમારી વખતે હાજરી માટે બહુ આગ્રહ રહેતો. હવે 15-20% વિદ્યાર્થીઓ જ ક્લાસ ભરે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘણી સંસ્થાઓમાં કામ કરે, વળી ભણે અને ભણાવે એટલે યુવાનો સાથે સારા સંપર્કમાં છે. નાસિકથી વિદ્યાર્થીઓને મુંબઈ બોલાવી ત્રણ દિવસનો સેમિનાર કરે અને ભણવા સિવાયની પણ ઘણી વસ્તુઓ શીખવે. આજના વિદ્યાર્થીઓ મહેનત નથી કરતા, ફોકસ નથી કરતા અને તેમનું વાંચન ઘણું ઓછું છે.

સંદેશો :  

યુવાનોએ એકાગ્રતા કેળવવી જોઈએ. આ કરું કે તે કરું તેવી અનિશ્ચિત દૂર કરવી અને શું કરવું છે તે નક્કી કરવું. દિલ્હી જવું છે કે દમણ તે નક્કી કરશો તો ત્યાં પહોંચી જશો!