ડ્રાઇવિંગ અને નવી-ટેકનોલોજીના આજીવન શોખની સાથે-સાથે, નાની ઉંમરથી વિમલતાઈના સંપર્ક, સહવાસ અને યોગ્ય-માર્ગદર્શનને કારણે જેમની પ્રખર આધ્યાત્મિક-રુચિ કેળવાઈ તેવા ચંદ્રકાંતભાઈ ગોસાલીયાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ચંદ્રકાંતભાઈનો જન્મ હૈદરાબાદ(સિંધ), કરાંચીની બાજુમાં. પિતાનો કરાંચી-બંદર પર ઈમ્પોર્ટનો ધંધો. પાંચ ભાઈ, બે બહેનનું કુટુંબ. સંયુક્ત-કુટુંબમાં રહ્યા છે. પાર્ટીશન પહેલાં પિતાએ કુટુંબને વતન (સાયલા, મોસાળ સુરેન્દ્રનગર) મોકલી આપ્યું. પાર્ટીશનના છ મહિના સુધી ઘરમાં કોઈને ખબર નહીં કે પિતા ક્યાં છે. માતા હોશિયાર, સંજોગો સામે ઝઝૂમ્યાં. 1949માં અમદાવાદ આવી પિતાએ ઓફિસ શરૂ કરી. ચંદ્રકાંતભાઈએ મેટ્રિક ન્યુ-સર્વોદય હાઈસ્કૂલમાંથી કર્યું. H.L.COMMERCE કોલેજમાં હતા અને પિતાની તબિયત બગડી. મોતિયાનું ઓપરેશન ફેલ ગયું, ચાર વર્ષ જોઈ ન શક્યા! બધી જવાબદારી ચંદ્રકાંતભાઈ ઉપર આવી પડી, એટલે બીકોમ થયા, સીએ કરવાનો વિચાર પડતો મુક્યો. કોલેજમાં રામકૃષ્ણ દેવને વાંચ્યા, વિમલતાઈને મળ્યા, સારો સંપર્ક થયો, યોગ્ય માર્ગદર્શન મળ્યું તેથી આધ્યાત્મિક-રુચિ વધવા માંડી. સારંગપુર, તળિયાની પોળનાં ચંદ્રિકાબેન સાથે સફળ લગ્ન-જીવનની શરૂઆત થઈ. પિતાના અવસાન પછી, 1962ના લાઇસન્સ-રાજમાં ધંધામાં લાગી ગયા. એજન્સી-બિઝનેસમાંથી બહાર નીકળી, ડીલરો સાથે સંબંધો વિકસાવી કામ વધાર્યું. સાબરમતી રોટરી-ક્લબમાં ઘણું સારું કામ કર્યું. ફેમિલીનાં આઠ બાળકોને ભણાવવા નવરંગપુરા શિફ્ટ થયા!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
વિમલતાઈની સલાહ: “જરૂર જેટલું જ કમાઓ. શરીર અને મન તંદુરસ્ત રાખો.” 55 વર્ષે નિવૃત્તિ સ્વીકારી. જોકે એક બે કલાક ઓફિસ જતા. આત્મજ્ઞાની પુરુષની નજીક રહેવા મોટા-ભાગે કોબા, શ્રીમદ્-રાજચંદ્ર-આશ્રમમાં રહે છે. તેમણે આશ્રમની ભોજનશાળા લાંબો સમય સંભાળી. સવારે 3:30 વાગ્યે ઊઠે, કસરત કરે, સવાસન કરે. પાંચ વાગ્યે દેવ-વંદન, સાત વાગે અભિષેક, પછી ચા- નાસ્તો. 9.૦૦-10:30 સ્વાધ્યાય, 11 વાગ્યે સાહેબજીની સીડી, 12:00 વાગે જમવાનું. થોડો આરામ. ચાર વાગે સ્વાધ્યાય, 6:00 વાગ્યે જમવાનું, 7:00 વાગે આરતી, આઠ વાગે દેવ-વંદન, પછી ભક્તિ!
શોખના વિષયો :
ડ્રાઇવિંગનો ઘણો શોખ, હજુ પણ લહેરથી ગુજરાતમાં લાંબુ ફરવા નીકળી જાય! 65 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે! સ્વિમિંગ અને ફરવાનો પણ શોખ. ટેકનોલોજી વાપરવી ઘણી ગમે! આધ્યાત્મિક-રુચિ તો હવે જીવનનું મુખ્ય કામ!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી. કોરોનાના ત્રીજા વેવમાં ઝડપાયા ત્યાં સુધી તબિયત એકદમ સરસ હતી, કોઈ તકલીફ નહીં! હર્પીસ, હરનીયા, કોરોના પછી તબિયતની થોડી કાળજી લેવી પડે છે. હવે લાકડી રાખે છે. સમય સંજોગોને સ્વીકારવા રહ્યા!
યાદગાર પ્રસંગ:
વિમલાતાઈ સાથે આબુ અને ડેલહાઉસીમાં રહેવાનો દરેક પ્રસંગ યાદગાર! ડેલહાઉસીમાં એકવાર તેઓ જીપ લઈને ફરવા નીકળ્યા. આંધી-તોફાન સાથે ઘણો વરસાદ વરસ્યો. વિમલાતાઈની કૃપાથી એમની જીપ બિલકુલ સલામત! વિમલાતાઈ તો માતા-કાલીનો અવતાર! તેમને રામકૃષ્ણ પરમહંસ “ઠાકુર” હાજરાહજૂર હતા! આધ્યાત્મિક રિદ્ધિ-સિદ્ધિથી ભરપૂર વિમલાતાઈએ ધુળેટીના દિવસે દેહ-ત્યાગ કર્યો, તેના એક દિવસ પહેલાં ચંદ્રકાંતભાઈ શાંતિથી વિમલાતાઈને મળ્યા હતા!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી-ટેકનોલોજી વાપરવી ઘણી ગમે! કોમ્પ્યુટર-બિલિંગની શરૂઆત તેમણે કરાવી. નિવૃત્ત થયા પછી કોમ્પ્યુટર ચલાવતા શીખ્યા. એક વર્ષનો કોર્સ કર્યો! મોબાઇલ કુનેહથી વાપરી શકે. સમય બગડે છે એટલે હવે સોશિયલ-મીડિયાથી દૂર ભાગે છે. જે કરવાનું છે (આધ્યાત્મજ્ઞાન) તે તો જાતે જ કરવું પડે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સત્યને માટે મરી ફીટતા લોકો ઘટી ગયા છે! જીવનમાં એકબીજાના સહારાની જરૂર પડે છે તે સ્વીકારો. ચંદ્રકાંતભાઈને બે દીકરી-જમાઈ છે. જમાઈ નહીં, પણ દીકરા જ છે! તેમનું ઘણું ધ્યાન રાખે છે. જે થાય છે તેનો સ્વીકાર કરો, સમતા ભાવ રાખો અને મૃત્યુનું ધ્યાન કરો!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને બે દીકરી, ત્રણ પૌત્ર-પૌત્રી, ત્રણ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. સંયુક્ત કુટુંબ ઘણું મોટું છે. નાના પ્રસંગે પણ 50-60 માણસો ભેગાં થઈ જાય, જેમાં યુવાનો વધુ હોય. કુટુંબમાં અંદર-અંદર બોન્ડીંગ ઘણું સારું છે. કોઈપણ યુવાનને કોઈ જાતનું વ્યસન નથી.
આજના યુવાનોમાં શરીર માટેની અવેરનેસ ઓછી છે. મોબાઇલ લઈએ તો પણ મેન્યુઅલ જોઈ લઈએ છીએ. આ શરીર પણ સાધન જ છે, તેને કેવી રીતે રાખવું તે યુવાનોએ જાણવું જોઈએ! યુવાનો ખાવા-પીવામાં કોઈ કંટ્રોલ રાખતા નથી, અને તબિયતનો દાટ વાળી દીધો છે! ઘણા યુવાનો જીમમાં જાય પણ એથી વધુ કંઈ નહીં!
સંદેશો :
HEALTH IS WEALTH! તંદુરસ્તી સિવાય બીજું બધું નકામું! યુવાનોએ દેખાડો કરવાનું છોડવું જોઈએ. બધાંને ઈમ્રેસ કરવા વારેવારે ગાડી-મોબાઈલ બદલવાનું બંધ કરવું જોઈએ!