નોટ આઉટ @ 90 : લતાબહેન પંચોલી 

82 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમતા શીખી, અમેરિકન પ્લેયર સાથે ક્લબમાં ટુર્નામેન્ટ રમ્યાં અને જીત્યાં, એવાં લતાબહેન પંચોલીની વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ કુસુંડા, (ઝરિયા, ધનબાદ પાસે). પિતા માયનિંગ એન્જિનિયર, તે સમયના પહેલા ભારતીય માયનિંગ એન્જિનિયર હતા! કુટુંબમાં પાંચ ભાઈ, પાંચ બહેનો. એમાં તેમનો નવમો નંબર. અભ્યાસ પોદાર હાઇસ્કુલ, સાન્તાક્રુઝ, મુંબઈમાં. પિતાનું નાની ઉંમરે અવસાન થતાં તરત લગ્ન થયાં અને પરિવારની જવાબદારીઓમાં તેઓ વ્યસ્ત થઈ ગયાં. શાળાના અભ્યાસના ૧૪ વર્ષ પછી, ચાર દીકરીઓના જન્મ બાદ, એક્સટર્નલ ગ્રેજ્યુએટ થયાં! તેનાં 14 વર્ષ પછી, જ્યારે એક પુત્રીના લગ્ન થઈ ગયાં હતાં અને બીજી પુત્રી કોલેજમાં અને નાની બે પુત્રીઓ શાળામાં ભણતી હતી, ત્યારે તેઓએ  બી.એડ. કર્યું. પતિની  પોસ્ટ-ઓફિસમાં નોકરી હતી જેથી બદલી થયા કરતી. લતાબહેને હળવદ અને સુરેન્દ્રનગરમાં શિક્ષિકા તરીકે નોકરી કરી અને તેઓ વાઇસ-પ્રિન્સિપલ તરીકે નિવૃત્ત થયાં. તેમને ચાર દીકરી, સાત પૌત્ર-પૌત્રી અને આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 6:30 વાગે ઊઠે. પ્રાણાયામ કરે, કસરત કરે, કલાક ચાલે. પછી ચા- નાસ્તો કરે. નાહી-ધોઈને ગીતાના પાઠ કરે. પૂજા, આનંદનો ગરબો વગેરે બધું જ મોઢે યાદ છે! પછી વાંચવાનું. ટીવી જુએ, બધા જ શો ગમે! સ્પોર્ટ્સમાં વિશેષ રુચિ હોવાથી ટીવી પર ક્રિકેટ, ટેનિસ, હોકી, ફૂટબોલ રસપૂર્વક જુએ. ન્યુઝ સાંભળવા પણ ગમે. બે પૌત્રીઓ વારાફરતી તેમની સાથે અમદાવાદ રહી અને પી.એચ.ડી. સુધી ભણી.

શોખના વિષયો : 

તેમને બિલિયર્ડ, બેડમિન્ટન, કેરમ, બોર્ડ-ગેમ્સ રમવી ગમે. સુડોકુ તથા ક્રોસ-વર્ડ કરવા પણ ગમે. તેમને સંગીતનો શોખ. તેમને ફરવાનો પણ શોખ. સાથે-સાથે ટ્રાવેલ-શો જોવા ગમે. પાંચ વાર અમેરિકા જઈ આવ્યાં છે! ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં પણ વિશેષ રુચી. સુંદર મંડાલા આર્ટ કરે. બાળકો તેમનાં મિત્રો!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

હસતાં હસતાં કહે છે ” હજી તો મારા પગ પર જ ચાલું છું!” નિયમિત રીતે ઝડપથી ચાલવાની ટેવ હતી, હવે ઘરમાં થોડું થોડું ચાલે છે. દીકરીઓ હવે તેમને એકલી રહેવા દેતી નથી. સાંભળવામાં થોડી તકલીફ પડે છે. નાની-નાની વાતો  ભૂલી જવાય છે, જોકે બધી પ્રાર્થનાઓ મોઢે યાદ છે!

યાદગાર પ્રસંગ:  

લતાબહેન રોજ સવારે એક કલાક યોગ કરે, પછી જ કંઈ ખાય. પૌત્રીની જાન સવારે આવવાની હતી તે દિવસે, લતાબહેને સવારે વહેલાં ઊઠી કલાક યોગ કરી લીધા! કુટુંબમાં બધાં માટે આ પ્રસંગ યાદગાર બની ગયો! તેમની દીકરીઓ પણ તેમના સાલસ અને મધુર સ્વભાવને કારણે જ્યાં જાય ત્યાં પ્રિય થઈ જાય! તેમનાં શિષ્યો ગર્વથી કહે કે અમે લતા ટિચર પાસે ઇંગ્લિશ ભણ્યાં છીએ, અમારી ભૂલ થાય જ નહીં! ઘેર કામ કરવા આવતી છોકરીને પણ અંગ્રેજી લખતાં-વાંચતાં શીખવી દીધું! ત્રણ અઠવાડિયાની અલાસ્કા-ક્રુઝ…. બહુ સરસ ટ્રીપ રહી. ચારધામ યાત્રા પણ યાદગાર રહી. પુત્રીના પુસ્તકના વિમોચનનો પ્રસંગ પણ સારો રહ્યો.

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

અમેરિકા જાય ત્યારે છાપુ રોજ કોમ્પ્યુટર પર જ વાંચે! તેમની 80મી વર્ષગાંઠ ઉપર તેમનાં બાળકોએ તેમને સ્માર્ટફોન ભેટમાં આપ્યો છે એટલે છેલ્લાં દશ વર્ષથી સ્માર્ટફોન વાપરે છે! તેમને ખાલી સાયબર-ક્રાઇમથી ડર લાગે છે. કુટુંબનાં સભ્યો દેશ-વિદેશમાં રહે છે, તેથી તેમની વર્ષગાંઠ ઝૂમ-મીટીંગ પર ઉજવે અને કુટુંબનાં બધાં જ સભ્યો હાજર હોય!

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમના શબ્દોમાં:  અમે પણ નોકરી કરી છે, ઘર અને બાળકો સંભાળ્યાં છે, જાતે કામ કર્યું છે. બધું જ કામ આરામથી થતું. આજે આટલાં સાધનો છતાં, કોઈની પાસે સમય જ રહેતો નથી, ના પોતાને માટે, ના બીજાને માટે! યુવાનોએ વર્ક-લાઈફ બેલેન્સ શીખી પરિવાર માટે સમય કાઢવો જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

લતાબહેન હોય ત્યારે ચારેય પેઢી એમની સાથે હોય! બાળકો તેમની આસપાસ જ ફરતાં હોય! લતાબહેન બાળકો સાથે બાળકો જેવાં થઈ જાય. લતાબહેન ક્યારેય સલાહ ન આપે, પણ ગાડી પાટે ચડાવી દે! પૌત્રી સાથે ચોકલેટ-શોપમાં જાય, ત્યાંથી ઢોસા ખાવા પણ જાય અને તેની સાથે ડાન્સ પણ કરે! એક પૌત્ર-વધૂ નિકારગુઆની છે, તેને તો લતાબહેન સાથે સૌથી વધુ ફાવે!

સંદેશો :  

શિસ્ત જાળવો, સમયનો ખ્યાલ રાખો. કુટુંબને અને સમાજને ઉપયોગી થાવ. બીજાની પ્રગતિ માટે, કુટુંબને અને સમાજને કંઈને-કંઈ પાછું આપતા રહો.