વડોદરાની જાણીતી ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલમાં (એલેમ્બિક હોસ્પિટલમાં) વર્ષો સુધી ગાયનેકોલોજીસ્ટ તરીકે સુંદર કામગીરી બજાવનાર અનુભવી ડોક્ટર નયનાબહેન દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
બે બહેન અને એક ભાઈનું નાનું કુટુંબ. જન્મ વડોદરામાં. નવ વર્ષ સુધી મુંબઈ રહ્યાં. માતા-પિતા બંને શિક્ષક. નયનાબહેનની 9 વર્ષની ઉંમરે યુગાન્ડામાં માધવાણીનગરમાં આવેલી સુગર-ફેક્ટરીની શાળામાં માતા-પિતાએ નોકરી લીધી એટલે તેઓ પણ યુગાન્ડા શિફ્ટ થયાં. ત્યાં કેમ્બ્રિજ સુધી ભણી અને વડોદરા પ્રિ-મેડિકલમાં એડમિશન લીધું.
નયનાબહેન અને પતિ અશ્વિનભાઈ વડોદરાની મેડિકલ કોલેજમાં ભણતાં. અશ્વિનભાઈ દેખાવડા, એકદમ યુરોપિયન જેવા રૂપાળા! નયનાબહેન ભણવામાં હોશિયાર! વડીલોની દ્રષ્ટિએ આદર્શ જોડી! બંનેના લગ્ન કરાવી આપ્યાં! લગ્ન પછી તેઓ ચાર જનરેશન સાથે રહેતાં હતાં. બાળકો ક્યાં મોટા થઈ ગયા તે ખબર જ પડી નહીં! નયનાબહેનને આગળ ભણવા પતિએ ઘણું પ્રોત્સાહન આપ્યું. પહેલા પુત્રના જન્મ પછી નયનાબહેને MD,DGO કર્યું. તેમના ગુરુ અને સહ-કર્મચારી ડોક્ટર રોહિતભાઈ ભટ્ટ સાથે તેમણે એલેમ્બિક હોસ્પિટલમાં કામ કર્યું. દર્દીઓ સાથે કેવી રીતે વાતો કરવી વગેરે નયનાબહેન તેમની પાસેથી શીખ્યાં.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
પતિની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ કેરિયરની પીક ઉપર હતાં ત્યારે રિટાયર્ડ થયાં. બંને પુત્રો અમેરિકા રહે છે. નયનાબહેન સવારે સમયસર ઊઠી, તૈયાર થઈ મંદિર ( હવેલી) જાય અને પછી કસરત કરવા જાય. હાથની થોડી તકલીફ છે એટલે હાથની કસરત વધુ કરે છે. બપોરે જમીને આરામ કરે અને સાંજે વળી પાછાં મંદિરે જાય. તે પછી ટીવી અને સગાં-સંબંધીઓને મળવાનું.
શોખના વિષયો :
વાંચવાનું અને સંગીત સાંભળવાનું ગમે. કોલેજમાં હતાં ત્યારે પિક્ચર જોવાનો ઘણો શોખ હતો. દર શનિવારે મેટીની શોમાં પિક્ચર જોવા જતાં. મિત્રોએ ટિકિટ કરાવી જ રાખી હોય! નાનીબહેન પણ એ જ મેડિકલ કોલેજમાં ભણે એટલે ખાવાનું રૂમ ઉપર લઈ જાય અને ત્રણ વાગ્યે પિક્ચરમાંથી પાછા આવી નયનાબહેન જમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
હસતાં-હસતાં કહે છે કે બંને ઘૂંટણનાં ઓપરેશન થયાં છે, હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન થયું છે, હર્નીયાનું અને આંતરડાનું ઓપરેશન થયું છે, હિસ્ટરેક્ટોમીનું ઓપરેશન થયું છે. તેઓ અમેરિકા હતાં ત્યારે હૃદયનો વાલ્વ બદલવો પડ્યો. ત્રણ વાર ભગવાનના દ્વારેથી પાછાં આવ્યાં છે! આટલું બધું છતાં શાંતિથી જીવાય છે!
યાદગાર પ્રસંગ:
મોટો દીકરો ગૌતમ એસએસસીમાં વડોદરા શહેરમાં પ્રથમ નંબરે આવ્યો તે જીવનનો યાદગાર પ્રસંગ! એક વાર હોસ્પિટલમાં પેશન્ટની ડીલીવરી કરવાની અને વડોદરા શહેરમાં પૂર આવ્યું. એનેસ્થેટીસ હોસ્પિટલ આવી ન શક્યા, સર્જને એનેસ્થેસિયા આપ્યું અને નયનાબહેને ઓપરેશન કર્યું, બાળક બચી ગયું! હમણાં તેઓ અમેરિકા ગયાં હતાં ત્યારે તે બાળક (આજનો યુવાન) અમેરિકામાં તેમને મળવા આવ્યો હતો!
એકવાર એક બાળકના માથામાં પાણી ભરાઈ ગયું, માથું ફૂલી ગયું, બાળક માતાના પેટમાં જ મરી ગયું. સામાન્ય સંજોગોમાં સિઝેરિયન ઓપરેશન કરીને બાળકને કાઢી લેવાય પણ તેમણે બાળકના માથામાંથી પાણી કાઢી, માથું ઊંધું કરી, હોશિયાર નર્સની મદદથી નોર્મલ ડિલિવરી કરાવી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે છે. બંને પુત્રો પરદેશ છે એટલે whatsapp અને જરૂરી ફોન કરી લે. તેમના મતે, માતા-પિતા પોતાનામાં જ બીઝી હોય છે, જમતી વખતે પણ મોબાઈલ ચાલુ હોય, એટલે નાના બાળકોને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અવસર મળતો નથી. બાળકો મનમાં-ને-મનમાં ગૂંચવાયેલા રહે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાંનાં વડીલો વધુ જીદ્દી હતાં, કોઈ જાતની બાંધછોડ કરતાં નહીં. આજનાં વડીલો સુધરી ગયા છે! તેમનો પુત્ર મશ્કરી કરે છે: “તમે સાસુના રાજમાં વહુ હતાં અને વહુના રાજમાં સાસુ છો!”
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ડોક્ટર તરીકે યુવાનોને મળવાનું થાય. મને લાગે છે કે આજના યુવાનો એકલાં પડી ગયાં છે, પહેલા બધાં સાથે રહેતાં, હળતાં, મળતાં, એટલે ઘણાં પ્રશ્નો સોલ્વ થઈ જતાં. આજકાલ વિભક્ત-કુટુંબમાં પણ માતા-પિતા અને બાળકો સાથે રહે તો ઘણું!
સંદેશો :
ખાસ યુવાનો માટે સંદેશો: તમે બધાં ભેગા થાવ, વડીલોને અને સગા-સંબંધીઓને મળો, તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાનો તમને એક સારો મોકો મળશે અને તમારું મન હળવું થશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઘણો જરૂરી છે પણ મર્યાદામાં રહીને તેનો ઉપયોગ કરો.