પૂછ એને જે શતાયુ છે, કેટલું, ક્યારે, ક્યાં જીવાયું છે!
આજે આપણે મળીશું શતાયુ પૂજ્ય મંછાબા ખીમાણીને. પ્રખર ગાંધીવાદી અને સમર્પિત સ્વાતંત્ર્ય-સેનાની પૂજ્ય અમુલખભાઈ ખીમાણીના ધર્મ-પત્ની કે જેમણે ઘરનો મોરચો સરસ રીતે સંભાળી પતિદેવને સ્વતંત્રતાની લડત માટે ઘરની જવાબદારીઓમાંથી આઝાદ કરી દીધા. આવો, પૂજ્ય મંછાબાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
મૂળ વતન તો રાજકોટ, પણ બાળપણ વિતાવ્યું મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાના ગામ પાચોરામાં. બે ભાઈ અને ચાર બહેનોનું ખાદીધારી અને સ્વતંત્રતા-પ્રેમી કુટુંબ. માતા-પિતા અને ભાઈઓએ આઝાદીની ચળવળમાં જેલવાસ ભોગવેલો. પિતા ગુજરાતીના શિક્ષક અને સાથે પેટ્રોલ-કેરોસીનની એજન્સી. એક વાર પેટ્રોલ પંપ સળગી ગયો પછી તે કામ જ મૂકી દીધું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
અત્યારે પણ સવારે વહેલાં ઊઠી જાય. પ્રાર્થના કરી નાસ્તો કરે. હવે તબિયત ઢીલી થતાં નહાવા માટે પુત્રવધૂની મદદ લે છે. નાહીને પછી છાપાં વાંચે, પુસ્તકો, મેગેઝીન વગેરે વાંચે. છેક હમણાં સુધી અંબર-ચરખો કાંતતાં હતાં. તેમની કાંતેલી ખાદી કુટુંબમાં બધાં પહેરે! તેઓ ટીવી પણ જુએ. ‘બાલિકા બધૂ’ તેમની પ્રિય સિરિયલ.
શોખના વિષયો :
વાંચન, અંબર-ચરખા પર કાંતવું, આઝાદીની ચળવળની વાતો કરવી! હરવા ફરવાનો શોખ ઘણો હતો, અમરનાથ, ડેલહાઉસી,આબુ, દક્ષિણ ભારત, કન્યાકુમારીથી જમ્મુતાવીની ૩ દિવસની રેલ-યાત્રા પણ કરી છે.
યાદગાર પ્રસંગો :
એમના જીવનને એક ચોક્કસ દિશા મળી એ પ્રસંગ… સ્વતંત્રતાની લડતમાં ખૂંપી ગયેલ અમુલખભાઈ લગ્ન માટે છોકરી જોવા તો શું આવે? એમણે તો એક જ શરત રાખી હતી કે ” જે છોકરી ખાદી પહેરતી હોય તેની સાથે લગ્ન કરીશ!” પાચોરામાં તેમની શેરીમાં રહેતાં કાશીફૈબા આ સ્વતંત્રતા-પ્રેમી કુટુંબને ઓળખે. તેમણે ખાદીધારી મંછાબેનનો મેળાપ સ્વાતંત્ર્ય-સેનાની અમુલખભાઈ સાથે કરાવી આપ્યો! અને ૧૬ વર્ષે મંછાબેનના લગ્ન થઈ ગયા! ત્રણ દીકરા અને ત્રણ દીકરીથી મહેકતું પરિવારનું ઉપવન. એક દીકરીનો જન્મ બરાબર સ્વતંત્રતા મળી તે જ દિવસે થયેલો એટલે તેનું નામ મુક્તિ રાખ્યું!
ગાંધીજી, વિનોબાજી, મનુભાઈ પંચોલી, રતુભાઈ અદાણી….. કેટલાય મહાનુભાવો અને સ્વાતંત્ર્ય-સેનાનીઓ સાથે સમય ગાળવાનો લહાવો મળ્યો. સાવરકુંડલામાં અમુલખભાઈ, લલ્લુભાઈ અને કિશુભાઈની ત્રિપુટી જગજાહેર! સાવરકુંડલાથી ૭-૮ કિ.મી. દૂર નેસડી નામના નાનકડા ગામડામાં રહેવાનું અને આવતા-જતા કાર્યકરોને ઘરના સભ્યોની જેમ રાખવાનું. ભૂપત બહારવટિયાની દાદાગીરીના પ્રસંગો પણ યાદ છે અને ગાધકડામાં અમુલખભાઈ બે મહિના રાજા તરીકે રહ્યા તે પ્રસંગ કેવી રીતે ભૂલાય! મંછાબા ૭મા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યાં છે પણ ૧૦૦માં જન્મ-દિવસે તેમણે ચોથા-વર્ગના ૨૦ કર્મચારીઓનાં બાળકોને વધુ અભ્યાસ માટે ફી આપી છે!
ઉમરની સાથે કેવી રીતે કદમ મિલાવો છો ?
નાનપણનું કસાયેલું શરીર છે એટલે અત્યારે પણ કોઈ દવા લેવી પડતી નથી! ગામડામાં શારીરિક કામ ઘણું રહે. છાણ – વાસીદું કરેલું, ગાયોનું કામ કરેલું, પાણી પણ કેટલે દૂરથી લાવવાનું, ઘરમાં ખાસ્સી બધી અવરજવર એટલે મહેમાનોનું પણ કામ પહોંચે એટલે શરીર તો ફાંકડું રાખવું જ પડે! વિના ફરિયાદે બહોળા કુટુંબનું કામ કરવાનું. આ પણ એક તપશ્ચર્યા! કામ જ શરીરને સરખું રાખે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેના ભયસ્થાનો ?
હું નવી ટેકનોલોજી તો બિલકુલ વાપરતી નથી. મારે માટે તો મોબાઈલનો ઉપયોગ માત્ર એલાર્મ ઘડિયાળ તરીકે થાય! પણ રોજ સાંજે ગુજરાત વિદ્યાપીઠમાં આટલાં બધાં વિદ્યાર્થીઓને જોઉં છું એટલે લાગે છે કે અભ્યાસ તો વધ્યો છે એટલે દેશની પ્રગતિ પણ થશે.
આજની પેઢી સાથે સંકળાયેલાં છો?
કુટુંબનાં બાળકો સાથે, પૌત્રો, પ્ર-પૌત્રો સાથે આનંદ કરે છે. રોજ સાંજે વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓને જોઈને રાજી થાય છે. દેશની પ્રગતિનાં સ્વપ્ના જુએ છે.
શું ફેર પડ્યો લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં ?
અત્યારનું વાતાવરણ જ અલગ છે. અમારે માટે તો ખાદી, સ્વતંત્રતા, આઝાદી એટલે જ સર્વસ્વ હતું. યુવાનોમાં દેશ-પ્રેમ નથી, રાષ્ટ્ર-પ્રેમ નથી, સ્વદેશી વસ્તુઓ માટે આગ્રહ નથી. એવી કોઈ ભાવના રહી નથી. યુવાનોમાં અભ્યાસ વધ્યો છે અને કદાચ યુવાનોની અને દેશની પ્રગતિ થશે પણ દેશ-પ્રેમ અને દેશ-ભક્તિની એ ભાવના ક્યાંથી આવશે ?
સંદેશો :
એમનું જીવન જ એક સંદેશ છે. “માંગો નહીં, ત્યાગો!” ના મંત્રને જીવનમાં ઊતારી એમણે તો જીવન ઊજાગર કરી દીધું!