કુદરતના સૌ કોઈ ગુનેગાર છે!..વિશ્વભરમાં આજના દિવસને એટલે કે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરુઆત સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્ષ 1972માં કરવામાં આવી હતી. ત્યારપછીથી દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘Celebrate Biodiversity’ એટલે કે, જૈવ વિવિધતા પર રાખવામાં આવી છે. પરંપરા અનુસાર દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ એક અલગ દેશ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસ સાથે જોડાયેલા મહત્વના કાર્યક્રમ કોલમ્બિયામાં આયોજીત કરવામાં આવ્યા છે. આ વર્ષની થીમ તાજેતરમાં જ ઘટેલી કેટલીક ઘટનાઓને આધારે રાખવામાં આવી છે.
એ પણ હકીકત છે કે, પર્યાવરણને કારણે જ જીવ-જંતુઓ અને માનવ જીવન શક્ય બન્યું છે. જોકે, હાલ કોરોના કાળમાં ચાલી રહેલા લોકડાઉનથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થયો છે. પર્યાવરણનું જતન કરવા માટે દરેક વ્યક્તિએ તેમનું યોગદાન આપવું જોઈએ.
કુદરતે તો આટલા દિવસોમાં દેખાડી દીધું કે માણસો વગર પણ તે ખુશ છે. પ્રકૃતિ વગર આ ધરતી પર કોઈપણ જીવ-જંતુ કે માનવ જીવનની કલ્પના કરવી બેઈમાની છે. માનવીનો પ્રકૃતિ સાથે જૂનો નાતો છે. પ્રકૃતિમાં થોડો પણ ફેરફાર માનવ જીવનના અસ્તિત્વ માટે મોટો ખતરો બની જાય છે. તેમ છતાં પણ આજે માણસ જ પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં સૌથી આગળ ઉભો છે.
તાજેતરમાં જ એમેઝોન અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત પૂર્વ આફ્રિકા સહિત અનેક દેશોમાં તીડ જેવા નાના જીવોનો માનવ વસ્તી તરફ આક્રમણ અને હવે કોરોના જેવી વૈશ્વિક મહામારીએ સાબિત કર્યું કે માનવ જીવનને પર્યાવરણની કેટલી જરૂરી છે.
ભારતમાં હાલ કોરોના સંકટને કારણે આ વર્ષે તમે ઘરે રહીને જ પર્યાવરણ માટે મોટું યોગદાન આપી શકો છો. ઘણી એવી વાતો છે જેનું પાલન કરી તમે પર્યાવરણને નુકસાન થતું બચાવી શકો છો.
- પ્લાસ્ટિક કે પોલિથીનના બદલે હંમેશા કપડાની થેલીનો ઉપયોગ કરો
- કોઈપણ વસ્તુનો પુન: ઉપયોગ કરવા અંગે વિચારો.
- જો તમે કોઈપણ વસ્તુને રિસાઈકલ કરવાનું શીખી જશો તો પછી તમે તમારી જાતને પ્રકૃતિના શોષણથી રોકી શકશો.
- નવી પેઢીને પર્યાવરણનું મહત્વ સમજાવો.