હોકી-ખેલાડીના જીવનમાં પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડો

દિવાળીમાં દીવડા ઝળહળે ને અંધકાર જાણે અજવાળા સામે ઘૂંટણિયે પડે, પણ આ જગતમાં કેટલાક દીવા એવા પણ છે, જેની વાટ કોઈ પૂજાની થાળીમાં નથી હોતી… એ તો કોઈના હૃદયમાં, કોઈના નિરાશ મનમાં, કોઈની એકલતામાં, કોઈની લાચારીમાં તો કોઈના જીવનસંઘર્ષની કાળી રાતમાં પ્રગટે છે!

એ કોઈના અંધકારભર્યા રસ્તે આશાનું એક નાનકડું કિરણ બનીને ઊભા રહે છે.

આ દિવાળીએ, વાત કરીએ આવા કેટલાક આવા દીવડાની, જેમણે પોતાની સંવેદનાના અજવાસથી બીજાનાં જીવનમાં ઉજાસ રેલાવ્યો છે… રાજકોટની કડવીબાઈ વીરાણી સ્કૂલના સંચાલકોએ દરેક વિદ્યાર્થીને અભ્યાસની સાથે કોઈ પણ એક સ્પૉર્ટ્સ સાથે જોડાવાનું ફરજિયાત કહ્યું ત્યારે નવમા ધોરણમાં ભણતી ઋતુ ધીંગાણી (પટેલ) નામની વિદ્યાર્થિની મૂંઝવણમાં મુકાઈ ગઈ. ઋતુનો પરિવાર ગામડેથી રાજકોટ આવ્યો હતો ને સ્પૉર્ટ્સ વિશે ઝાઝી જાણકારી નહોતી. જો કે સ્કૂલનું મેદાન સારું હતું એટલે એણે હોકી પસંદ કરી. આ ગેમ વિશે કંઈ જ ન જાણતી ઋતુ યોગ્ય મદદ અને માર્ગદર્શનથી ગુજરાત વીમેન્સ ટીમની
કૅપ્ટન બની અને અત્યારે નૅશનલ અમ્પાયર તરીકે સેવા આપી રહી છે.

ઋતુના જીવનમાં ઉજાસ કોણે ને કેવી રીતે ફેલાવ્યો? એની વાત કરીએ તો, એની ધોરણ ૧૦ની બોર્ડ એક્ઝામ્સ માથે આવી ત્યારે હોકી રમવા બહારગામ જવાનું થયું. ઋતુના પિતા શૈલેશભાઈની માન્યતા એવી કે એ હોકી કરતાં ભણવામાં ધ્યાન આપે. હવે, ઋતુ સામે પ્રશ્ન હતોઃ હોકીમાં આગળ વધવું કે અભ્યાસમાં ધ્યાન આપવું? એ સમયે એના જીવનમાં આવ્યા હોકી કોચ મહેશભાઈ દિવેચા…

ઋતુ ધીંગાણી ચિત્રલેખાને કહે છેઃ ‘કોચ મહેશભાઈએ મારાં માતા–પિતાને સ્પૉર્ટ્સ અને એમાં કરિયર વિશે સમજણ આપી ને મને પરિવાર તરફથી હોકીમાં આગળ વધવા મંજૂરી મળી ગઈ. બોર્ડ એક્ઝામ્સને એકાદ સપ્તાહની વાર હતી ત્યારે જ હું હોકી મૅચ રમીને ઘરે આવી, પરીક્ષાની તૈયારી કરી ને સારા માર્ક્સ સાથે પાસ પણ થઈ ગઈ. આનાથી આત્મવિશ્વાસ પણ વધ્યો… જીવનના મહત્વના વળાંક પર કાઉન્સેલિંગ મળતાં જીવનની દિશા બદલાઈ ગઈ…’

ત્યાર બાદ કૉલેજના પ્રથમ વર્ષે, પહેલા જ સેમેસ્ટરની પરીક્ષા હતી ને એ જ સમયગાળામાં ઋતુને સિનિયર ખેલાડી તરીકે રમવા જવાનું થયું. એ ટુર્નામેન્ટ રમવા તો ગઈ, પણ પહેલા સેમેસ્ટરના ચાર પેપરમાં ગેરહાજરીના લીધે એ વિષયોમાં એ ફેલ થઈ. સ્વાભાવિક છે પરિવારજનો નારાજ થાય. અહીં ફરી ઋતુની વહારે આવ્યા એના કોચ મહેશભાઈ… એમણે ઋતુનાં માતા-પિતાને રૂબરૂ મળીને સમજાવ્યું કે દીકરીમાં સારી હોકી પ્લેયરના ગુણ છે, એને આગળ વધવા દો. રહી વાત
અભ્યાસની તો એ પૂરક (એટીકેટી) પરીક્ષા આપશે.’ ઋતુ ખરેખર એ રીતે બધા વિષયોમાં પાસ થઈ ગઈ ને એનું વર્ષ ન બગડ્યું.

એ કહે છે કે આર્ટ્સના વિષયો સાથે મેં સ્નાતકની ડિગ્રી લીધી, સાથે હોકીમાં પણ કરિયર આગળ વધતી ગઈ, પ્લેયર અને કૅપ્ટન તરીકે દેશનાં વિવિધ શહેરોમાં ટુર્નામેન્ટ રમવાનું થયું. ત્યાર બાદ અમ્યાયરિંગની કરિયરમાં રસ પડ્યો. ૨૦૨૨માં મેં હોકી અમ્પાયરિંગની પરીક્ષા પાસ કરી અને હોકીની નૅશનલ અમ્પાયરિંગ ટીમમાં સિલેક્ટ થઈ. શાળામાં ભણતી ત્યારે વિચાર્યું પણ નહોતું કે હોકીમાં હું આટલી આગળ વધીશ!’

જીવનમાં દીવડો બનીને આવેલા કોચ ઉપરાંત અન્ય એક દીવડા વિશે વાત કરતાં ઋતુ કહે છેઃ ‘એક વખત હું લખનઉ  ટુર્નામેન્ટમાં અમ્યાયરિંગ માટે ગઈ હતી. ત્યારે રિટર્ન ટ્રેન-ટિકિટ નહોતી ને વધારે પૈસા આપીને ટિકિટ લેવા જેવી આર્થિક સ્થિતિ નહોતી. તે વખતે રાજકોટના એક ઉદ્યોગપતિએ મદદ કરી અને હું રાજકોટ પહોંચી ગઈ.’

૧૫ જેટલી નૅશનલ હોકી ગેમ રમી ચૂકેલી 27 વર્ષી ઋતુનાં દોઢેક વર્ષ પહેલાં લગ્ન થયાં. હવે, પતિ-સાસરિયાંનો પણ એને પૂરો સહયોગ મળી રહ્યો છે.

( દેવેન્દ્ર જાની – રાજકોટ)