ડિવોર્સ પેન્ડિંગ… મૅરેજ ટ્રેન્ડિંગ!

નવી દિલ્હીનાં વિનય જયસ્વાલ અને પૂજા ચૌધરીએ ૨૦૧૨માં લગ્ન કર્યાં. ચાર-પાંચ વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ પછી નાના-મોટા મુદ્દે તકરાર થવા માંડી. તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એક સમય એવો આવી ગયો કે સાથે રહેવું અશક્ય થઈ પડ્યું. ૨૦૧૮માં વિનય-પૂજા પારસ્પરિક સંમતિથી છૂટાં થયાં. જો કે એમનો ઝઘડો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો.

છૂટાછેડાનાં પાંચેક વર્ષ બાદ એક દિવસ વિનયનું હૃદય ભાંગ્યું, ખરા અર્થમાં. એને પ્રચંડ હાર્ટ અટેક આવ્યો ને વાત ઓપન હાર્ટ સર્જરી સુધી ગઈ. આ સમય દરમિયાન પૂજાએ એને સારવાર માટે સંભાળ્યો. થોડા સમયમાં એમનો સંબંધ ફરીથી મજબૂત થયો. ૨૦૨૩માં વિનય-પૂજાએ ફરીથી લગ્ન કરી આજીવન એકબીજાને ગમતાં રહેવાની પ્રતિજ્ઞા લીધી.

આ ઘટના એ દર્શાવે છે કે સંજોગ અને સમજદારી સંબંધો પુન: સ્થાપી શકે છે. ૨૦૧૨ના લંડન ઑલિમ્પિક્સમાં ભારતને સૌપ્રથમ મેડલ (કાંસ્ય) અપાવનારી બૅડમિન્ટન ચૅમ્પિયન સાયના નેહવાલે ગયા મહિને  ઈન્ટરનેટ પર જાહેરાત કરી કે અનેક ચર્ચા-વિચારણા બાદ મેં અને કશ્યપે નોખાં થવાનો નિર્ણય લીધો છે. એવું છે ને કે જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જતું હોય છે. કશ્યપ સાથે મારી ઘણી સારી સ્મૃતિ છે. આ માટે એની આભારી છું… મારા તરફથી એને ખૂબ ખૂબ શુભકામના… ઑલિમ્પિક્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ, કૉમનવેલ્થ ગેમ્સ,  વગેરેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બૅડમિન્ટન ચૅમ્પિયન પારુપલ્લી કશ્યપ અને સાયના નેહવાલનાં ૨૦૧૮માં લવ મૅરેજ થયાં હતાં. ૨૦૨૫માં ધણી-ધણિયાણીએ છૂટાં થવાનો નિર્ણય લીધો.

આ જાહેરાતના પખવાડિયા બાદ સાયના-કશ્યપને હિંદી સિનેમાના એક ગીતની પંક્તિ યાદ આવી: કભી કભી દૂરી ભી ઝરૂરી હૈ દો પ્રેમીઓં મેં પ્યાર બઢાને કે વાસ્તે… બે ઓગસ્ટે એ જ ઈન્ટરનેટ પર ખૂબસૂરત પહાડની રમણીય તળેટીમાં પતિ સાથેની તસવીર સાથે લખ્યું: ક્યારેક ક્યારેક અંતર તમને હાજરીનું મહત્ત્વ સમજાવે છે. આ જુઓ… અમે ફરીથી (સંબંધો જોડવાની) ટ્રાય કરી રહ્યાં છીએ.ક્યારેક લગ્નજીવનની વાટમાં એવી ચોકડી અથવા સર્કલ આવી જાય કે ખબર ન પડે: સીધેસીધા ચાલ્યા કરવું, ડાબે વળવું કે જમણે? પતિ-પત્નીના સંબંધ વચ્ચેની નાની નાની ખટપટ એટલી વધી જાય કે વિયોગનો નિર્ણય અનિવાર્ય લાગે ને શરૂ થાય કોર્ટનાં ચક્કર, માતા-પિતાની ચિંતા, છૂટાં પડ્યા પછી શું? વગેરે… પરંતુ પ્રેમનાં બીજ ઊંડે સુધી રોપાયેલાં હોય તો એ તકલાદી જમીનમાં પણ અંકુરિત થાય છે. કેટલાંક કપલ એવાં પણ છે, જેમણે વિયોગના કાગળ પર સહી લગભગ કરી દીધી હતી, પરંતુ અંતિમ ક્ષણે અંતરના અવાજે એમને પાછાં બોલાવી લીધાં.

દિલ્હીનાં વિનય-પૂજાની જેમ જ મુંબઈના સુખી-સંપ્ન્ન ગુજરાતી પરિવારના સાહિલની શરાબની આદતથી કંટાળીને પત્ની સાન્યા (નામ બદલ્યાં છે)એ ૨૦૧૯માં છૂટાછેડા લીધા. ૨૦૧૭માં અરેન્જ મૅરેજ કરનાર સાહિલ પત્નીને છોડવા તૈયાર હતો, પણ દારૂ નહીં! છૂટાછેડાના એક વર્ષ બાદ, ૨૦૨૦માં કોરોના આવ્યો, લૉકડાઉન લાગ્યું. આ દરમિયાન નિયમિત દારૂ મળતો બંધ થતાં સાહિલની હાલત ખરાબ થવા માંડી. ડૉક્ટર્સે એનો ઈલાજ કર્યો. ધીરે ધીરે કોરોનાને કારણે સાહિલની દારૂની લત છૂટી ગઈ. કોવિડની બીજી લહેરમાં એ પોઝિટિવ થયો. હાલત ગંભીર થઈ ગઈ. મૃત્યુને એણે નજીકથી નિહાળ્યું ત્યારે એને જીવનસાથીનું મહત્ત્વ સમજાયું. એણે સાન્યાને ફોન કર્યો, એક વાર મળવા વિનંતી કરી…

સાન્યા પ્રિયદર્શિની  સાથે વાત કરતાં કહે છે: ‘એ દિવસ મને બરાબર યાદ છે. મુંબઈની એક જાણીતી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલના બેડ પર પોઢેલા સાહિલને હું પીપીઈ કિટ પહેરીને મળી. મને જોતાંવેંત સાહિલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. એણે આજીવન દારૂને સ્પર્શ પણ નહીં કરું એવું વચન આપ્યું. હું પીગળી ગઈ. એ સંપૂર્ણ સાજો થયો ત્યાર બાદ આર્ય સમાજવિધિથી ફરી લગ્ન કરી અમે સાથે રહેવા માંડ્યાં. અમને સાડા ત્રણ વર્ષની એક દીકરી છે અને સુખી છીએ. સાહિલે હૉસ્પિટલના બેડ પરથી આપેલું વચન પાળ્યું છે.’

૩૮ વર્ષની આઈટી (ઈન્ફર્મેશન ટેક્ધોલૉજી) એક્સ્પર્ટ સાન્યા ઉમેરે છે: ‘આજે એ દિવસો યાદ કરું છું તો લાગે છે, કદાચ અમારા છૂટાછેડા નહોતા થયા, પણ છૂટાં રહીને કેવું લાગે છે એની કસોટી હતી (ટ્રાયલ સેપરેશન). સાહિલને એની ભૂલ સમજાઈ અને એણે હાથ લંબાવ્યો, મેં સુખને એક ચાન્સ આપવા એ ઝાલી લીધો અને જીવનમાં પ્રેમના સૉફ્ટવેર ફરી ઈન્સ્ટૉલ થયા.’

કાઉન્સેલરો માને છે કે પતિ-પત્ની વચ્ચે કમ્યુનિકેશન ગેપ છૂટાછેડાનું મોટું ને મહત્ત્વનું કારણ હોય છે. મનમાં ને મનમાં ધરબી રાખવાને બદલે વાતચીત કરવી, ચર્ચા કરવી, ભલે પછી ચર્ચા ઉગ્ર બની જાય, પણ સંવાદ ખૂબ જરૂરી છે.

એકવીસમી સદીમાં લગ્નજીવન જાતજાતની કસોટી માગે છે. એક વળાંક આવે છે: કોઈ યાદગાર ક્ષણ, કોઈ જૂનો પત્ર, જૂની યાદ, બાળકના નિર્દોષ સવાલ અથવા બેમાંથી એક પર અચાનક ત્રાટકેલી ગંભીર બીમારી, જે એમને સમજાવે છે કે વિયોગ એ એમની સમસ્યાનો ઉકેલ નથી. બન્ને ફરી વાતચીત શરૂ કરે છે, મનની ગાંઠો ધીરે ધીરે ખોલે છે અને કરેલી ભૂલોને ભૂલી આગળ વધવાનું નક્કી કરે છે. એક સમયે એકબીજાની ખામી જ દેખાતી હતી ત્યાં હવે સમજણ, સહાનુભૂતિ અને નવી મૈત્રી જોવા મળે છે. આવાં પુનર્મિલન માત્ર લગ્નને નહીં, પરંતુ જીવનઆખાને નવો અર્થ આપે છે, જાણે સુકાઈ ગયેલા વૃક્ષમાં ફરી લીલાંછમ પાંદડાં ફૂટ્યાં.

સાયના નેહવાલ-પારુપલ્લી કશ્યપ જેવાં વિદેશની સેલિબ્રિટીનાં અનેક ઉદાહરણમાંનું એક જોઈએ. હોલીવૂડનાં મારામારીનાં પિક્ચરો માટે જાણીતા ઍક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોન અને ફ્લેવિન પચ્ચીસ વર્ષથી સ્થિર ગૃહસ્થી ચલાવતાં હતાં, પણ ૨૦૨૨ના ઓગસ્ટમાં ફ્લેવિને સિલ્વેસ્ટર સામે છૂટાછેડાની અરજી કરી. જો કે એક મહિના બાદ ધણી-ધણિયાણીએ ઑર્ડર ઑફ એબેટમેન્ટ  દાખલ કર્યો અર્થાત્ છૂટાછેડાની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દીધી. સ્ટેલોનના પ્રતિનિધિએ જણાવ્યું કે બન્ને ઘરે ફરી એક વાર મળ્યાં, વાતચીત કરીને મતભેદો દૂર કર્યા. અત્યારે બન્ને ખૂબ ખુશ છે.

એક ઈન્ટરવ્યૂમાં લગ્નજીવન અને છૂટાછેડાના અનુભવ વિશે સ્ટેલોન કહે છે: ‘એક સમય હતો, જ્યારે મારા માટે પરિવારથીય પહેલાં આવતું કામ. કહોને કે મારી પ્રાથમિકતા બરાબર નહોતી. પછી એક સમય આવ્યો જ્યારે મારો ભ્રમ ભાંગ્યો અને સમજી ગયો કે પરિવાર પહેલાં આવવો જોઈએ.’

ઘરઆંગણે જોઈએ તો, જાણીતા ઍક્ટર ગુલશન દેવૈયા… ૨૦૧૫માં હંટર ફિલ્મથી છવાઈ જનારા ઍક્ટર ગુલશન દેવૈયાએ એ પછી હેટ સ્ટોરી, કમાન્ડો-થ્રી, મર્દ કો દર્દ નહી હોતા, ઉલઝ  જેવી અનેક ફિલ્મો તથા વેબ-સિરીઝમાં કમાલ બતાવી. ૨૦૧૨માં ગુલશને ગ્રીસ અભિનેત્રી કાલ્લીરોઈ ઝિઆફેતા સાથે લગ્ન કર્યાં, પણ ૨૦૨૦માં બન્ને છૂટાં થઈ ગયાં. નોખાં થયાનાં ત્રણેક વર્ષ પછી બન્નેએ ફરીથી હળવા-મળવાનું, સાથે રહેવાનું શરૂ કર્યું. ગુલશન માને છે કે છૂટાં પડવું જરૂરી હતું, કારણ કે એ અનુભવે, સંબંધમાં પડી ગયેલા અંતરે એમને જીવનની નાની-મોટી સમસ્યાનો કેવી રીતે સામનો કરવો એ શીખવી દીધું. એ માને છે કે લગ્નનાં આરંભનાં વર્ષો પછી બન્ને ઘણાં પરિપક્વ થયાં છે. એ કહે છે: ‘હવે હું મારી જાતને વધારે સારી રીતે સમજું છું, અંગત જીવનમાં અને મારાં કામકાજમાં વધારે સુરક્ષિત છું. મારામાં ધીરજ આવી છે. સામેની વ્યક્તિને સમજવાની, એને સાંભળવાની અને સંભાળવાની ક્ષમતા પણ વધી છે.’

ઘણી વાર અહં લગ્નજીવનમાં બહુ મોટો વિલન સાબિત થતો હોય છે. ક્યારેક તો માત્ર એક ફોનકૉલ કરવાની જ જરૂર હોય છે, પણ બન્ને વિચારે છે: ભૂલ એની છે, એણે કરવો જોઈએ… અરે યાર, જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે આવું બધું વિચારવાનું ન હોય. ફોન ઉઠાવો, નંબર જોડો, વાત કરો… વાતચીતથી ઉકેલ ન આવે એવી કોઈ સમસ્યા આ દુનિયામાં નથી.

સાચો સંબંધ એ નથી જ્યાં ક્યારેય મતભેદ ન થાય, પરંતુ એ છે જ્યાં મતભેદ થવા છતાં સાથ ન છૂટે. ગુસ્સો, ખીજ, અહંકાર ક્ષણિક છે, પ્રેમ અને સાથ કાયમી છે. જે દંપતી ફરીથી એકબીજાને તક આપે છે, તેઓ સાબિત કરે છે કે પ્રેમ માત્ર એક ભાવના નથી-એ તો નિર્ણાયક પસંદગી છે, જે દરરોજ કરવી પડે છે. અમુક કિસ્સામાં છૂટાછેડા અટકાવવા એ લગ્નને બચાવવાનો નહીં, પણ જાતને ફરીથી શોધવાનો અને એકબીજામાં નવો જીવનસાથી જોવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.
(કેતન મિસ્ત્રી- મુંબઈ)