જામનગર: જિલ્લામાં આવેલાં અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઇટ્રા ખાતેના ધન્વંતરી મેદાન ખાતે એક સદીથી પણ જૂનો વડલો ધરાશાયી થયો હતો. આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો! વરસાદી વાતાવરણમાં ગત ૨૮મી ઓગસ્ટના રોજ આ વડલો પડી ભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિનવ અને અભિન્ન પ્રયોગ થવા જઇ રહ્યો છે.
બે મહાકાય ક્રેઇન અને જે.સી.બી.ના ઉપયોગથી વડલાને મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. ત્રણથી ચાર મોટાં થાંભલા દ્વારા વડલાને તેના મૂળ જમીનમાં ફરી પકડ ન જમાવે ત્યાં સુધી આધાર તરીકે લગાવવામાં આવશે. દસ જેટલાં કારીગરો અને તજજ્ઞો દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ અને અવલોકન કરશે, મજબૂતાઇ જમાવે તેવું વાતાવરણ તૈયાર કરાશે. સતત એક માસ સુધી વડલાને પાણી અને જરૂરી વાતવરણથી નવા પ્રાણ આપવાની અભૂતપૂર્વ ઘટના બની છે.
શાસ્ત્રો અને પુરાણોમાં વડલાને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા થાય છે એટલું જ નહીં પરંતુ તેની હયાતીથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે. માત્ર ધાર્મિક જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ વડલાનું અનેરૂ મહત્વ છે! વડના ઝાડની એક વિશેષતા એ પણ છે કે તે મૂળથી ઊખડી ગયા બાદ પણ તેની વડવાઇઓના આધારે વાતાવરણમાંથી પોતાની જીવનજરૂરી વાયુ અને પાણી મેળવે છે અને એક માસ સુધી તે જીવિત રહી શકે છે. આ વિશ્વમાં વડલાની ઘણી પ્રજાતિઓ છે અને તેનો જુદી-જુદી રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ આપનાર વિરાટ વૃક્ષથી માંડી ઘરોમાં સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે.