અમદાવાદ: શહેરમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી છેલ્લાં 20 વર્ષથી અમદાવાદમાં ધર્મયાત્રા અર્થે આવતા લોકોને યોગ્ય માર્ગે દોરી રહ્યા છે. આ પ્રસંગની ઉજવણી કરતા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહારભવન ટ્રસ્ટ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 6 થી 8 ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું.ગુરુદેવ રાકેશજીની પધરામણીથી હજારો મુમુક્ષુઓએ ધર્મોલ્લાસભેર આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે ગુરુદેવ રાકેશજી દ્વારા લિખિત પુસ્તક ‘મોહશત્રુનો પરાજય’નું વિમોચન કર્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીએ વ્યક્તવ્યમાં કહ્યું હતું કે, મોહભંગ થયા વગર અંતર્મુખ થવું કઠિન છે. જેટલો વધારેમાં વધારે સમય ગુરુદેવજી જેવા સત્પુરુષોના ચરણોમાં ગાળીશું તો જ આપણું આ મોહભંગનું કામ થશે. સાથે જ ભારતના અમૂલ્ય રત્ન સમાન સંત, યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ દેશ સેવા માટે પૂજ્ય ગુરુદેવજી પાસે આશીર્વાદની યાચના કરી હતી .આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ગુરુદેવ રાકેશજીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ આધારિત અંતઃકરણના ત્રણ દોષોની નિવૃત્તિ વિષય પર અત્યંત સરળ અને રોચક શૈલીમાં પ્રવચનો આપ્યા હતા. અન્ય ભક્તિવર્ધક સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે સાઉન્ડ બાથ મેડિટશન, ભક્તિ સંધ્યા વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય ગુરુદેવના દર્શનાર્થે ખાસ મુલાકાત લીધી હતી. સાથે આ ઉજવણીમાં સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.19મી સદીમાં થયેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજી એક પ્રબુદ્ધ સંત હતા. જેમણે નવા યુગ માટે આધ્યાત્મિકતાનો પાયો નાખ્યો હતો. જેમને સરળ શબ્દોમાં મુક્તિનો સમગ્ર માર્ગ ઉજાગર કર્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીના ધર્મસંદેશના જ્યોતિર્ધર ગુરુદેવ રાકેશજી વિશ્વમાં સૌને સુખ અને શાંતિની સંપ્રાપ્તિ થાય એ માટે ધર્મયાત્રા દ્વારા સત્સંગ અને ધ્યાનશિબિરોના માધ્યમથી લોકોને ઉચ્ચ ધ્યેય તરફ દોરી રહ્યા છે. તેઓ આજના યુવાનોને અધ્યાત્મ અને સેવા તરફ વાળી રહ્યા છે, જે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનું છે.