એ સાંભળીને સુમિતાનો સ્વર થીજી ગયો!

મીનાએ અમેરિકા જવા માટે અનેક પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ કોઈ જ રીતે તેના વિઝા મંજૂર થઇ શકતા નહોતા. સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા વગેરે જે કંઈ પણ એપ્લાય કરે તેમાં કૈંક ને કૈંક ખોટ આવી જતી હતી. કોઈ કાગળ ઓછું પડે, તો ક્યાંક બીજા કોઈ પરિમાણમાં ખામી રહી જાય.

મીનાની ઈચ્છા હતી કે પહેલા અમેરિકાનું ગોઠવાઈ જાય પછી જ લગ્ન કરીને સેટ થાય પરંતુ હવે તે ચોવીસની થવા આવી હતી અને તેના પરિવારના લોકો તેના પર લગ્ન કરી લેવાનું દબાણ કરી રહ્યા હતા. છએક મહિના વધારે રાહ જોવડાવીને આખરે મીનાએ લગ્ન માટે હા પાડી એટલે તેના ઘરના લોકોએ સારા મુરતિયા જોવાનું શરુ કર્યું.

મીના દેખાવે સુંદર એટલે તરત જ મુરતિયાની લાઈન લાગી ગઈ. પાંચેક છોકરા જોઈને આખરે મીના અને તેના માતાપિતાએ એક છોકરો પસંદ કરી લીધો. છોકરો આઈ.આઈ.ટી.માંથી બી.ટેક. થયેલો અને બેંગ્લોરમાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. દેખાવમાં મીનાને એટલો પસંદ ન આવ્યો પરંતુ ચાલી જાય તેવો હતો. મીનાને ફરીથી એક આશા જાગી કે શક્ય છે કે લગ્ન પછી તેના પતિને કંપની તરફથી વિદેશ જવાનું થાય અને તેના ભાગ્ય ખુલી જાય. સગાઇ થઇ અને બંનેનું એક-બે વાર મળવાનું પણ થયું. ફોન પર તો લગભગ રોજ વાત થવા માંડી.

સગાઈને એકાદ મહિનો થયો હશે ત્યાં મીનાની બહેનપણી સુમિતાનો ફોન આવ્યો કે તે એક મહિનામાં લગ્ન કરવાની છે અને એટલે તૈયારી માટે મદદ કરાવવા આવે. સુમિતા બે શેરી છોડીને તેના જ મહોલ્લામાં રહેતી હતી એટલે મીના તરત જ પહોંચી ગઈ તેને મળવા માટે.

‘કોણ છે એ સુમિતાનો સુમિત કહે તો ખરી?’ મીનાએ સખીને છેડતા પૂછ્યું.

‘અરે અમારા સગા જ છે. ન્યુ જર્સીમાં રહે છે. અહીં આવ્યા છે અત્યારે અને લગ્ન કરીને મને સાથે લઈને જ જશે.’ સુમિતાએ શરમાતા કહ્યું.

જવાબ સાંભળીને મીના જાણે અંદરથી સળગી ઉઠી. મુશ્કેલીથી હંસીને કહ્યું, ‘અરે વાહ! તું તો અમેરિકા સેટલ થઇ જઈશ.’

‘મારી તો જરાય ઈચ્છા નથી ઇન્ડિયા છોડીને જવાની. સાચું કહું છું. પણ નસીબ જ્યાં લઇ જાય ત્યાં. આપણા હાથમાં થોડું હોય છે બધું.’ સુમિતાએ અમેરિકાની વાત પર કોઈ ઉત્સાહ બતાવ્યો નહિ અને બહાર જવા માટે વાળ સરખા કરવા લાગી.

‘શું વાત કરે છે? તને અમેરિકા જવાનો ઉત્સાહ નથી?’ મીનાને આશ્ચર્ય થયું.

‘ના જરાય નથી. ચાલ, હવે વધારે વાતો આપણે શોપિંગ કરતા કરતા કરીશું. વિવેક આપણી રાહ જોતો હશે.’ સુમિતાએ મીનાને હાથ પકડીને રૂમની બહાર ખેંચી અને બન્ને કારમાં બેઠી.

‘વિવેક?’ મીનાએ પૂછ્યું.

‘મારો ફિયાન્સે. એ પણ આવશે શોપિંગ કરવા. આપણે તેને રસ્તામાંથી પીક કરી લઈશું.’ સુમિતાએ કૂતરું બચાવતા કાર શેરીમાં દોડાવી.

થોડીવાર પછી ઊંચો, પાતળો, હેન્ડસમ વિવેક સુમિતાની કારમાં પાછળની સીટ પર બેઠો હતો. ત્રણેય શોપિંગ મોલની પાર્કિંગમાં કાર મૂકીને આખો દિવસ એક શોરૂમથી બીજા શોરૂમમાં ફર્યા. તેમના હાથમાં એક પછી એક શોપિંગ બેગ ઉમેરાતી ગઈ અને સાંજ સુધીમાં તો તેઓ એટલા થાકી ગયા કે પાર્કિંગ સુધી જવાની પણ શક્તિ તેમના પગમાં ન રહી. પરંતુ મીનાને આ શોપિંગમાં એટલી મજા આવી કે તે ઇચ્છતી જ નહોતી કે દિવસ પૂરો થાય.

વિવેક મિલનસાર હતો અને જલ્દીથી મીના સાથે પરિચય થઇ ગયો. મીનાને લાગ્યું જ નહિ કે તે પહેલીવાર મળી રહી હતી. સુમિતા, મીના અને વિવેક જાણે બાળપણથી એકબીજાને જાણતા હોય તેમ દિવસ વીત્યો.

લગ્નની તૈયારીમાં મીના રોજ સુમિતા સાથે બીઝી રહેવા લાગી. મોટાભાગે વિવેક પણ તેમની સાથે જ હોય. જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો તેમ તેમ કામ પણ વધ્યું અને સુમિતાને જાણે તેનું શરીર તૂટી રહ્યું હોય તેમ લાગ્યું. એક દિવસ સવારે તેણે મીનાને ફોન કરીને વિનંતી કરી કે તે વિવેક સાથે જઈને બુટિક પરથી તેમના તૈયાર થઇ ગયેલા કપડાં લઇ આવે. મીનાએ વિવેકને ફોન કરી તેની સાથે બુટિક જવાનું આયોજન કર્યું અને સુમિતાએ બતાવેલા કામ ઉપરાંત બીજા પણ કેટલાક કામ તેઓ બંનેએ મળીને પતાવી દીધા.

લગ્નને એક અઠવાડિયાની વાર હતી. સુમિતાનું બધું શોપિંગ થઇ ગયેલું. હવે બે-ત્રણ દિવસમાં પીઠી અને સંગીતની વિધિ શરુ થવાની હતી ત્યારે મીનાએ સુમિતાને એક કાફેમાં મળવા બોલાવી.

સાંજે પાંચેક વાગ્યે સુમિતા કાફે પર પહોંચી તો મીના અને વિવેકને ત્યાં બેઠેલા જોઈને ચોંકી ગઈ.

‘સુમિતા, અમે તને એ વાત જણાવવા બોલાવી છે કે અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આવતી કાલે સવારે અગિયાર વાગ્યે અમે બંને કોર્ટમાં લગ્નની નોંધણી કરાવીશું. તને બીજા કોઈ પાસેથી ખબર પડે તેના કરતા અમે જ કહી દઈએ તે સારું.’ મીનાએ સુમિતાને કહ્યું અને વિવેકે માથું હલાવી સંમતિ દર્શાવી.

સુમિતાનો સ્વર થીજી ગયો હતો. તે કંઈ બોલી શકી નહિ.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]