રુચિરના હાથમાં ચપ્પુ સરકી ગયું…

રુચિરે માથું દુખવાનું બહાનું કરીને મમ્મી-પપ્પા સાથે ફિલ્મ જોવા જવાનું ટાળ્યું. મમ્મીએ ખૂબ જીદ કરી, પણ રુચિર ન જ ગયો. પોતાના ફેવરિટ ફિલ્મસ્ટારની ફિલ્મ પણ એણે છોડી દીધી. મોડી રાતનો શો હતો. મમ્મી-પપ્પા નીકળ્યા પછી રુચિરે દરવાજો અંદરથી બંધ કર્યો અને પોતાના રૂમમાં જઈને બેઠો.

એકવીસ વર્ષનો રુચિર ઉચ્ચ મધ્યમ વર્ગીય કહી શકાય તેવા, અને બંને સરકારી નોકરીમાં વ્યસ્ત હોય તેવા માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. હંમેશા ભણવામાં ક્લાસમાં ટોપ કરતો અને એના મમ્મી-પપ્પાને એના માટે ગર્વ થતો. મોટા થઈને ઉચ્ચ અધિકારી બનાવવાની ઈચ્છા ધરાવતા તેના પપ્પા રુચિરને હંમેશા એ માટે પ્રોત્સાહિત કરતા.

આ વર્ષે એન્જીનીઅરીંગ કોલેજનું છેલ્લું વર્ષ હતું અને રુચિરને સમજાતું નહોતું કે એક મહિના પછી પરીક્ષામાં તે કેવી રીતે બેસી શકશે. હંમેશા તો તે પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરે એટલે છેલ્લા બે મહિના માત્ર પુનરાવર્તન જ કરવાનું રહે, પરંતુ આ વર્ષે ન જાણે કેમ નવા બનેલા ત્રણ મિત્રો સાથે એવો તો સમય વીતી ગયો કે તેનો કોર્સ એકવાર પણ પૂરો નહોતો થયો. છેલ્લા અઠવાડિયાથી તે જે પણ ચોપડી ખોલીને વાંચવા બેસે તેમાં ભાગ્યે જ કંઈ તૈયારી થઇ હોય. વધુમાં, આ વખતે તો એ ત્રણેય મિત્રો સાથે ક્લાસ બંક કરેલા એટલે એવું પણ નહિ કે પ્રોફેસરે ભણાવેલું કંઈ યાદ હોય. ટ્યુશન તો ભાગ્યે જ ગયેલો. હવે જયારે એક મહિના પછી પરીક્ષા સામે આવીને ઉભી હતી ત્યારે રુચિરની આંખો ખૂલી હતી. તેને સમજાયું હતું કે એ ત્રણેય દોસ્તોને તો ભણવાની કંઈ પડી જ નહોતી. ખબર નહિ શા માટે તેણે તેમની સંગત વધારી…

આજે જ સાંજે તેના પપ્પાએ કહેલું, ‘તારું આ વર્ષ પૂરું થાય ત્યારે સિવિલ સર્વિસની તૈયારી શરુ કરજે અથવા તો વિદેશમાં ભણવાનું પણ વિચારી શકે. જો તારું અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં એડમિશન થઇ જાય તો મારી અને તારી મમ્મીની થોડી બચત થયેલી છે તેનો ઉપયોગ કરી શકાય.’

રુચિરની નસોનું લોહી ઠંડુ પડી ગયેલું, જયારે તેણે આ વાત સાંભળી. તેના માતા-પિતા જીવનભરની બચત વાપરીને તેને ભણાવવા વિદેશ મોકલવાનો પ્લાન કરતા હતા, જયારે તેની સ્થિતિ તો આ વર્ષે એવી હતી કે જાણે પાસ પણ નહિ થાય! જો પાસ નહિ થવાય તો શું થશે? મમ્મી-પપ્પાને શું મોં દેખાડીશ? તેમને કેટલું માઠું લાગશે? સગા-સંબંધીઓમાં શું ઈજ્જત રહેશે?

આવા પ્રશ્નો રુચિરના મનમાં દ્વંદ્વ જગાવી રહ્યા. આવી જ ચિંતાને કારણે આજે તે મમ્મી-પપ્પા સાથે ફિલ્મ જોવા નહોતો ગયો.

રુચિર સ્ટડી ટેબલ પર બેઠો અને આખા વર્ષમાં શું કર્યું તે અંગે વિચાર કરવા લાગ્યો. વર્ષની શરૂઆત થઇ એના એકાદ અઠવાડિયા બાદ તેની મુલાકાત રજત, વિજય અને પ્રેમ સાથે થયેલી. આ ત્રણેય સાથે તેની પહેલા કોઈ ઓળખાણ નહોતી. આ ત્રણેયમાં રજત ગ્રુપ લીડર હતો તે રુચિરને સમજાઈ ગયેલું. વિજય અને પ્રેમ હંમેશા રજતની વાત માનવા તૈયાર રહેતા. રજત હેન્ડસમ હતો અને પૈસાદાર ફેમિલીમાંથી આવતો એટલે કારમાં આવતો. લક્ઝરી કાર અને પૈસા વાપરવામાં ખુલ્લો હાથ. રુચિરને પણ તે પોતાની સાથે લઇ જવા લાગ્યો. ક્યારેક લંચ કરાવે તો ક્યારેક નાસ્તો કરાવે. ક્યારેક મોંઘા મોલમાં જઈને પાર્ટી કરે. રુચિરને આ બધું નવું નવું લાગ્યું. ધીમે ધીમે રાજતના બીજા મિત્રો સાથે પણ રુચિરનો પરિચય થયો. ‘આ અમારી કોલેજનો ટોપર છે.’ તેવું કહીને રજત પરિચય કરાવે એટલે રુચિરની છાતી ફૂલે. પોતાને મળતી ઈજ્જત અને રુઆબદાર મિત્રોનો સાથ રુચિરના મગજમાં ઘુસવા લાગ્યો.

રુચિરે લગભગ આખું વર્ષ રજત અને તેના મિત્રો સાથે મોજ-મજા કરવામાં કાઢ્યું. ઘરે માતા-પિતાને એમ કે રુચિર મિત્રની સાથે સ્ટડી માટે બહાર હોય છે પરંતુ રુચિર તો પાર્ટી કરતો ફરતો હતો. હવે જયારે પરીક્ષા નજીક આવી ગઈ ત્યારે રુચિરને ચિંતા થઇ કે આખા વર્ષનું નુકસાન કેવી રીતે ભરપાઈ કરવું?

આજે એકલા બેઠા તેણે પોતાના વર્ષનું સરવૈયું કાઢ્યું તો તેને લાગ્યું કે તેણે ભૂલ કરી હતી. તેનું ભવિષ્ય તો અભ્યાસ પર આધારિત હતું. હવે શું કરવું? મમ્મી-પપ્પાની ઈજ્જત અને પોતાના ભવિષ્યનો ખ્યાલ તેના પરેશાન કરી રહ્યો. તેની આંખો સામે નિરાશા અને અંધકાર છવાયો. તેના મમ્મી-પપ્પાને શું જવાબ આપશે જો નાપાસ થશે તો? રુચિરની હિમ્મત તૂટવા લાગી અને તેની નસો ફાડીને લોહીનો ફુવારો ઉડશે તેવું દબાણ તેને મહેસુસ થયું.

‘હું મમ્મી-પપ્પાને નિરાશ નહિ કરું. તેમની બેઈજ્જતી મારાથી સહન નહિ થાય.’ રુચિર મનોમન બોલ્યો. તેણે આસપાસ નજર કરી. તેની ભીંજાયેલી નજરમાં ટીપોય પર રાખેલ ફ્રૂટની પ્લેટ અને ચાકુ દેખાયું. તે ઉઠ્યો અને ચાકુ ડાબા હાથમાં લીધું. તેના મનમાં એક વિચારનો ઝબકારો થયો અને તેના ચેહરા પર રહસ્યમય સ્મિત ઝળક્યું. તેણે ચાકુની અણી જમણા હાથના કાંડાની નસ પર મૂકી અને તેના પર હળવું જોર લગાવ્યું. અણી ખૂંચી અને તેની ચીસ નીકળી. તેની આંખો વિહ્વળ બની અને નજર ચાકુ પકડેલા હાથના કાંડા પર ગઈ. એ કાંડા પર તેણે પપ્પાએ વીસમાં જન્મ દિવસે ભેટ આપેલી ટાઇટનની ઘડિયાળ પહેરેલી હતી.

ભેટ આપતી વખતે તેના પપ્પાએ કહેલું, ‘બેટા, આ ઘડિયાળની સોઈ માત્ર સમય જ નથી બતાવતી પરંતુ જીવનની સૂચક છે. ગોળ ગોળ ફરતી આ ત્રણેય સોઈ આપણને સમજાવે છે કે સમય એક ચક્રની જેમ હોય છે. એક વાર જતો રહે તો પણ પરત જરુર આવે છે. જેમ દરેક કાંટો વારંવાર એક જ વર્તુળના ચક્કર કાપ્યા કરે છે તેમ જીવનનું પણ છે. ગયેલો સમય ફરીથી આપણી સામે આવીને ઉભો રહે છે. મળેલી તક ફરીથી મળે છે અને કરેલી ભૂલને સુધારવાની તક મળે છે. કલાકનો કાંટો બાર કલાકે એક ચક્કર પૂરું કરે, મિનિટનો એક કલાકે અને સેકન્ડનો કાંટો એક મિનિટમાં એક ચક્કર પૂરું કરે તેમ અલગ અલગ તક ને પુનરાવર્તિત થતા સમય લાગી શકે પરંતુ તે ફરીથી આવે જરૂર છે.’

સેકન્ડનો કાંટો એક ચક્કર પૂરું કરે તે પહેલા આ વિચારનો ચમકારો થઇ ગયો અને રુચિરના હાથમાંથી ચપ્પુ સરકી ગયું. તેની આંખોમાં આંસુ તો હતા, પરંતુ સાથે સાથે એક ચમક પણ હતી. વેડફાયેલી તકને પોતાની મહેનતથી ફરીથી લાવવાના મક્કમ નિર્ણયની ચમક.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]