મધ્ય પ્રદેશના એક ધ્યાન ખેંચતા સમાચાર પહેલા જોઈએ. કમલ નાથે 20 માર્ચે બપોરે પત્રકાર પરિષદ બોલાવી હતી. ધારણા પ્રમાણે જ તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમણે ગૃહમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહુમતી પુરવાર કરવાની હતી. છેક સુધી લડત આપ્યા પછી લાગ્યું કે બહુમતી સાબિત થઈ તેમ નથી, તેથી રાજીનામું આપ્યું.
અઠવાડિયા પછી ખબર આવ્યા કે કમલ નાથની એ પત્રકાર પરિષદમાં હાજર પત્રકારો માથે કોરોનાનું જોખમ છે. આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદમાં હાજર બધા જ પત્રકારો અને વીડિયો-જર્નલિસ્ટની તપાસ કરીને અને ટેસ્ટિંગ પણ કરાવ્યા. તેમાંથી એક પત્રકારનો ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો. હકીકતમાં તે પત્રકારના એક સગા વિદેશથી આવ્યા હતા. તેના કારણે ચેપ લાગ્યો હતો અને પ્રેસ કૉન્ફરન્સમાં હાજર અન્ય પર જોખમ હોવાથી કાળજી લેવાઈ હતી. પત્રકારોએ તોફાનો હોય કે રખમાણો હોય, કુદરતી આપત્તિ હોય કે યુદ્ધ હોય હંમેશા જીવના જોખમે કામ કર્યું છે. પણ આ જોખમ નવા પ્રકારનું આવ્યું છે અને તેમાં પણ તબીબો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલોનો સ્ટાફ, પોલીસની સાથે પત્રકારો પણ ફરજ બજાવી રહ્યા હતા.
રવિવારના જનતા કર્ફ્યુ પછી સોમવારે હકીકતમાં વાતાવરણ વળી ઢીલું થઈ ગયું હતું. બસ કામ પતી ગયું તેમ માનીને લોકો વળી હરવાફરવા લાગ્યા હતા. દેશભરમાં હવે કોરોનાના સમાચાર જોર પકડી રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં કમલ નાથની જગ્યાએ કોની સરકાર બનશે તેનો નિર્ણય તાત્કાલિક લેવાયો નહોતો. ભાજપમાં હજીય ખેંચતાણ ચાલતી રહી હતી, પણ તે સમાચારો હવે મધ્ય પ્રદેશ પૂરતા જ મર્યાદિત થઈ ગયા હતા. બાદમાં સૌને ખબર પડી કે શિવરાજસિંહ જ ફાવ્યા છે. સોમવારે રાત્રે 9 વાગ્યે રાજભવનમાં જ બહુ ઝડપથી અને સાદાઈથી તેમની શપથવિધિ કરી દેવાઈ.
સોમવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક કરીને નેતાની પસંદગી કરવાની હતી. પણ તે બધી કામગીરી હવે વીડિયો કૉન્ફરન્સથી થઈ. ભાજપના મધ્ય પ્રદેશના પ્રભારીઓ કે ટોચના કોઈ નેતા ભોપાલ ગયા નહોતા. નીરિક્ષકો તરીકે નિમાયેલા અરુણ સિંહ અને વિનય સહસ્રબુદ્ધેએ પણ વીડિયો કૉન્ફરન્સથી જ મધ્ય પ્રદેશના નેતાઓ સાથે ચર્ચાઓ કરી લીધી. દિલ્હી ખાતે મધ્ય પ્રદેશના નેતાઓના બંગલે 20 તારીખથી હલચલ ચાલી રહી હતી, પણ હવે તેનો અર્થ રહ્યો નહોતો. વિધાનસભ્યોને પૂછી લો અને વાત પૂરી કરો ત્યાં મામલો અટક્યો. અહીં જ શિવરાજસિંહ ફાવ્યા, કેમ કે હજી પણ મધ્ય પ્રદેશના વિધાનસભ્યોમાં તેઓ સૌથી વધુ લોકપ્રિય છે. હરિફ જૂથનું જોર આ વર્ષમાં એટલું વધ્યું નહોતું.
પરંતુ તે જો અને તો વચ્ચે ઘણું બનશે, કેમ કે શિવરાજસિંહને હાલમાં કોરોના કકળાટમાં રાહત મળી છે અને છ મહિના પછી પેટાચૂંટણીઓમાં જીતવાનો પડકાર છે. ત્રણેક મહિના કોરોનાના કાળઝાળ પસાર થાય તે પછી થનારી પેટાચૂંટણીઓને કારણે પણ આખરે શિવરાજસિંહને જ પસંદ કરવા પડ્યા છે. 2018માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે શિવરાજસિંહને રાષ્ટ્રીય ભાજપ તરફથી સહયોગ નહોતો મળ્યો તેવી પણ વાતો ચાલી હતી. પ્રચારમાં નરેન્દ્ર મોદીને વધારે મહત્ત્વ આવું કે ચૌહાણને તેની પણ ખેંચતાણ હતી. આ બધા વચ્ચે ત્રણ રાજ્યોમાં ભાજપને હાર મળી, પણ મધ્ય પ્રદેશમાં બહુ થોડા માર્જિનથી હાર મળી હતી. કર્ણાટકમાં તોડફોડની કોશિશ થઈ, મહારાષ્ટ્રમાં પણ મધરાતે શપથવિધિ થઈ તેવી હલચલ ભાજપ તરફથી ના થઈ અને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની કોશિશ ના થઈ. ચૌહાણને પણ લાગ્યું કે થોડો સમય રાહ જોવી વધારે યોગ્ય છે.
દરમિયાન પરિસ્થિતિ પલટાઇ. સમગ્ર દેશમાં રાજકીય હલચલ કરતાંય કોરોનાની હલચલ મહત્ત્વની બનવા લાગી હતી. સાથે જ તેના કારણે આવનારી આર્થિક આફત સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા. કેન્દ્રમાંથી કોઈ નેતાને મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવે અને કેન્દ્રના પ્રધાનમંડળમાં ફેરફાર થાય તે વાતો હવે શક્ય રહી નહોતી. કેન્દ્રમાં રહેલા બે નેતાઓનું નામ શિવરાજના વિકલ્પ તરીકે લેવાતું હતું – એક નરેન્દ્રસિંહ તોમર અને બીજા કૈલાસ વિજયવર્ગીય.
છેલ્લી ચૂંટણીમાં શિવરાજે થોડા માર્જિનથી સત્તા ગુમાવી દે પછી સંગઠનમાં પણ તેમનું માર્જિન ઓછું કરવા કોશિશ ચાલી હતી. તેમની જગ્યાએ વિજયવર્ગીયને આગળ કરાતા રહ્યા હતા. જોકે વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. અમિત શાહના માનીતા નેતા અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે વિજયવર્ગીય પશ્ચિમ બંગાળના પ્રભારી છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ તેઓ રાષ્ટ્રીય સ્તરે ચમકતા રહ્યા છે.
દિલ્હીમાં જે કંઈ હલચલ થઈ રહી હતી તે નરેન્દ્રસિંહ તોમરના બંગલે જ થઈ રહી હતી. આખરે તેમણે જ છેલ્લે એવા અણસાર આપ્યા કે પોતે દિલ્હીમાં જ રહેવા માગે છે, ભોપાલ જવા માગતા નથી. તેનું એક કારણ એ પણ છે કે તેઓ વ્યક્તિગત રીતે ચૌહાણના સ્પર્ધક બનવા માગતા નહોતા. મધ્ય પ્રદેશના જાણકારો કહે છે કે તોમર અને ચૌહાણ વચ્ચે વર્ષોથી સારા સંબંધો રહ્યા છે. ચૌહાણને નુકસાન કરીને તોમર સત્તા પર બેસવા માગતા નહોતા. જો ચૌહાણને સીએમ ના જ બનાવવા તેવું નક્કી થાય અને અન્ય વિકલ્પો તૈયાર થાય ત્યારે તોમર સ્પર્ધામાં રહેવાના હતા ખરા. તોમરને લાગ્યું કે પોતાને આગળ કરીને ચૌહાણની બાદબાકી કરવાની હોય તો તે રીતે પોતાનો ઉપયોગ થવા દેવો નહિ.
આ બે સિવાય બીજા બે નામો ચર્ચામાં હતા તે હતા ભાજપના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ વી. ડી. શર્મા અને નરોત્તમ મિશ્ર. નરોત્તમ મિશ્ર કોંગ્રેસને તોડવામાં અને સિંધિયાને લાવવાના ઑપરેશનમાં ઘણા સક્રિય હતા. તોમરના ખભે બંદૂક નહિ ફૂટે તેમ લાગ્યું તે પછીય પ્રયાસો ચાલતા રહ્યા હતા અને હવે શર્મા અને મિશ્રના નામ આગળ કરવામાં આવ્યા હતા. વિધાનસભ્યો આ બેમાંથી કોઈ એક નેતા માટે સહમત થાય તે માટેના પ્રયત્નો પણ થયા હતા, પણ કામ મુશ્કેલ લાગતું હતું. બીજી બાજુ સમય વીતવા લાગ્યો હતો અને વિધાનસભ્યોને હવે લાંબો સમય એકઠા રાખવાનું પણ શક્ય નહોતું.
હકીકતમાં વિધાનસભ્યોમાંથી જ કોઈ એક નામ સર્વસંમતિથી આવે તેવા પ્રયાસો મોવડીમંડળે અને કેટલાક નતાઓએ કરવા પડ્યા તેના કારણે જ આખરે શિવરાજસિંહ ફાવ્યા હતા. તોમર જેવા નેતા મુખ્ય પ્રધાનપદ મળતું હોય તો પણ ચૌહાણ સામે પડવા ના માગતા હોય, ત્યાં અન્ય વિધાનસભ્યો ચૌહાણની વિરુદ્ધ જાય તેવી શક્યતા ઓછી હતી. વિધાનસભ્યોમાંથી જ કોઈ નવું નામ આવે તેવા આ પ્રયાસોમાં આખરે ચૌહાણનું જ નામ આવ્યું. એક જાણકારના જણાવ્યા અનુસાર વિધાનસભ્યોને કોઈ એક નામ માટે પૂછવામાં આવ્યું ત્યારે બધાએ એક સાથે શિવરાજસિંહ ચૌહાણનું જ નામ લીધું. તે પછી પ્રભારી અને નિરીક્ષકોને પણ લાગ્યું કે અત્યારે હવે વિખવાદ વધે તેવું કરવું યોગ્ય નથી. નવી સરકાર ઝડપથી કોરોના સંકટ સામે કામે લાગે તે પણ જરૂરી હતું, કેમ કે સારી કામગીરી કરીને છ મહિના પછી પેટાચૂંટણીઓ પણ જીતવાની છે.
કોંગ્રેસમાં એવી ગપસપ ચાલે છે કે સિંધિયાને આમ પણ જતા કરવાના હતા. તેઓ જતા રહે, તેમના જૂથના નેતાઓ જતા રહે અને પેટાચૂંટણી આવે ત્યારે જોર કરીને ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં જ સિંધિયાને નબળા પાડવા. દિગ્વિજય અને કમલ નાથ બંનેનું જૂથ અત્યારે એક થઈ યું છે અને તે લોકો કાયમ માટે ગ્વાલિયર પેલેસનું રાજકારણ ખતમ થઈ જાય તે માટે ભેગા થઈને પેટાચૂંટણીમાં સિંધિયાના માણસોને હરાવવા માગે છે.
કોંગ્રેસનું વિશફુલ થિન્કિંગ એવું છે કે પેટાચૂંટણીમાં સારામાં સારો દેખાવ કરીને અને ભવિષ્યમાં ભાજપમાંથી જ કેટલાકને તોડીને ફરીથી સરકાર બનાવવી. એવું થવાનું નથી અને પેટાચૂંટણીમાં થોડી બેઠકો કોંગ્રેસ જીતે તો પણ સત્તા ભાજપની રહેવાની છે. ભાજપે સત્તા જાળવી રાખવી જરૂરી પણ છે, કેમ કે લોકતાંત્રિક પ્રણાલીઓને તોડીને સરકાર બનાવી હોય અને પેટાચૂંટણીમાં હાર મળે તે વધુ ભૂંડી લાગે. પેટાચૂંટણીમાં પણ સારા દેખાવ સાથે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉત્સાહથી ચૂંટણીમાં ઉતરે તેવો લાંબો વિચાર કરીને આખરે શિવરાજસિંહને જ પસંદ કરવામાં આવ્યા.