વડોદરાઃ રસ્તા પર રોંગ સાઇડ પર વાહન ચલાવનારાઓને ભારે દંડની સજા થવી જોઈએ, કેમ કે ક્યારેક આવા વાહનચાલકો પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, પણ એની સાથે એની બેજવાબદારીને કારણે અકસ્માતો થાય છે. જેથી અનેક લોકો મોતને શરણે થાય છે. શહેરમાં દરજીપુરા એરફોર્સ પાસે જીવલેણ અકસ્માત થયો છે. અહીં છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં ઘૂસી ગયું હતું. આ જીવલેણ અકસ્માતમાં બે બાળકો સહિત દસ લોકોનાં મોત થયાં છે.આ દુર્ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ છકડામાં સવાર 12થી વધુ દર્શનાર્થીઓ પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ બાજુથી આવતા છકડાને કચડી માર્યો હતો. આ દુર્ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.