ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ઉપ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની તબિયત બગડી છે. જેથી તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખમાં છે.  જોકે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટમાં પણ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીને એક મહિના પહેલા 26મી જૂન રાત્રે વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ. કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.