ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે સેનેટરના પતિએ કેમ હાથ ન મિલાવ્યો?

અમેરિકા: હાલમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયેલો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કમલા હેરિસ સેનેટરોને શપથ ગ્રહણ કરાવી રહ્યા છે. જેમાં એક સેનેટરના પતિએ ઉપરાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી છે.

શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રિપબ્લિકન પાર્ટીના ડેબ ફિશરને સેનેટર તરીકેના શપથ લેવડાવી રહ્યા હતા. આ પ્રસંગે ડેબના પતિ બ્રુસ ફિશર પણ તેમની સાથે ત્યાં હાજર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ડેબે તેના પતિ બ્રુસને કમલા હેરિસની પાસે ઉભા કર્યા. જેના કારણે બ્રુસ થોડો અસહજ દેખાઈ રહ્યો હતો. આના પર કમલા હેરિસે મજાકમાં કહ્યું, “ઠીક છે, ડરશો નહીં. હું કરડીશ નહિ.”આ પછી, સેનેટર તરીકે શપથ લેવડાવ્યા બાદ, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સેનેટર ડેબ ફિશર સાથે હાથ મિલાવ્યો. બાદમાં તેમણે ડેબના પતિ બ્રુસ તરફ હાથ લંબાવ્યો. જેમણે હાથ મિલાવવાની ના પાડી અને ઉપરાષ્ટ્રપતિનું ઈશારાથી અભિવાદન કર્યું.નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અને વ્હાઇટ હાઉસમાં જો બિડેનનું સ્થાન લેશે.