ભારત સહિત દુનિયાના અનેક દેશોના લોકોએ આજે વહેલી સવારે નિહાળ્યું હતું 21મી સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ. દુનિયાભરના વિજ્ઞાનીઓ અને અવકાશ સંશોધનમાં દિલચસ્પી ધરાવતા લોકો માટે આજનો દિવસ વિશેષ રહ્યો. સદીની સૌથી મોટી ઘટનાઓમાંની એક તરીકે, આજનું ચંદ્રગ્રહણ ગણવામાં આવ્યું હતું. આજનું ચંદ્રગ્રહણ આ સદીનું સૌથી લાંબા સમયવાળું હતું અને 104 વર્ષ પછી આ પ્રકારનું ચંદ્રગ્રહણ થયું હતું. આ ચંદ્રગ્રહણ ગઈ કાલે રાતે 11.54 વાગ્યાથી શરૂ થયું હતું અને આજની વહેલી સવારે 3.49 વાગ્યે પૂરું થયું હતું. પૃથ્વીની છાયામાં આવી ગયા બાદ ચંદ્રમાનો રંગ લાલ થઈ ગયો હતો. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી ગ્રહ આવી જાય એ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવાય છે. મુંબઈ અને દિલ્હી સહિત દેશમાં અનેક સ્થળે આકાશમાં વાદળો હોવાને કારણે લોકો ચંદ્રગ્રહણ જોઈ શક્યાં નહોતા, પરંતુ જમ્મુ, વારાણસી, અમૃતસરમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
પૂર્ણ ચંદ્રગ્રહણનો અદ્દભુત અને દુર્લભ નઝારો જોવા માટે ઘણા લોકો રાતે અને વહેલી સવાર સુધી જાગ્યા હતા. ચંદ્ર ધીમે ધીમે લાલ થઈ જતો દેખાયો હતો. જેને અંગ્રેજી ભાષામાં બ્લડ મૂન તરીકે ઓળખાવાય છે.
આ ગ્રહણ માત્ર ઉત્તર અમેરિકામાં જોવા મળ્યું નહોતું. ઉપરની તસવીર ઈઝરાયલના એસ્કીલોન શહેરના આકાશમાંથી ઝડપવામાં આવેલી છે. ચંદ્રગ્રહણ દરમિયાનની તસવીરો નીચે મુજબ છેઃ
આ ચંદ્રગ્રહણનો આંશિક તબક્કો ગઈ રાતે બરાબર 11.53 વાગ્યાથી શરૂ થઈ ગયો હતો. ગ્રહણ આજે 28મીના શનિવારે વહેલી સવારે 3.49 વાગ્યે પૂરું થયું હતું. જયપુર, વારાણસી, જમ્મુમાં ચંદ્રગ્રહણ જોવામાં આવ્યું હતું.
2 કલાક અને 43 મિનિટનું આ ચંદ્રગ્રહણ વિશેષ એટલા માટે છે કે એના સમય દરમિયાન ચંદ્રમા આખો લાલ થઈ ગયો હતો. એ વખતે ચંદ્રમા, સૂર્ય અને પૃથ્વી એક જ રેખામાં એકબીજાની સામસામે આવી ગયા હતા.
ભારત ઉપરાંત આફ્રિકા, દક્ષિણ એશિયા, મધ્યપૂર્વ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના અનેક ભાગોમાં આ ચંદ્રગ્રહણ દેખાયું હતું.
આ પ્રકારનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ હવે પછી 2123ની સાલમાં થશે. જ્યારે, નવું ચંદ્રગ્રહણ 2019ની 21 જાન્યુઆરીએ થશે.
વહેલી સવારે ચંદ્રગ્રહણ પૂરું થયા બાદ દેશભરમાં મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગ્રહણને ધાર્મિક દ્રષ્ટિએ જોતા અનેક શ્રદ્ધાળુઓએ ચંદ્રગ્રહણ વહેલી સવારે પૂરું થયા બાદ સ્નાન કર્યું હતું.
ચંદ્ર લાલ ક્યારે દેખાય છે?
ચંદ્રમા એક વર્ષમાં 12 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. પરંતુ દર વખતે ચંદ્રગ્રહણ થતું નથી. આ ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી ગ્રહ આવી જાય છે. એને કારણે સૂર્યનો પ્રકાશ ચંદ્રમા સુધી પહોંચતો નથી, પરંતુ એની છાયાથી ચંદ્રનો રંગ બદલાઈ જતાં તે સફેદને બદલે લાલ – બ્લડ મૂન દેખાય છે.
આજનું ચંદ્રગ્રહણ બે તબક્કામાં થયું હતું. પહેલા ખંડગ્રાસ ચરણમાં ગ્રહણની શરૂઆત રાતે 11.54 વાગ્યે થયું હતું અને ચંદ્ર ધીરે ધીરે પૃથ્વીની છાયામાં આવી ગયો હતો. ત્યારબાદ પૂર્ણ ચંદ્ર ગ્રહણનું ચરણ મધરાત બાદ 1 વાગ્યે શરૂ થયું હતું અને તે 2.43 વાગ્યે પૂરું થયું હતું. ત્યારબાદ અંતિમ ચરણમાં આંશિક ચંદ્રગ્રહણ વહેલી સવારે 3.49 વાગ્યે પૂરું થયું હતું.
ધાર્મિક માન્યતા અનુસાર આ ઘટના અશુભ છે. આ ગ્રહણની છાયાથી બચવા માટે લોકો એ ગ્રહણ છૂટે તે પછી સ્નાન કરતા હોય છે અને દાન-ધર્મ-પુણ્ય કરતા હોય છે.
જોકે વિજ્ઞાન આવું માનતું નથી તે છતાં ઘણા લોકો માને છે કે આ ખગોળીય ઘટનાથી લોકોના સ્વાસ્થ્ય અને વ્યાપાર ઉપર અવળી અસર થાય છે.
ચંદ્રગ્રહણને કારણે ભારતમાં અનેક મંદિરોને બપોરથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ગ્રહણમાં આટલું ન કરશો
કહેવાય છે કે ગ્રહણના સમય દરમિયાન ખુલ્લા આકાશમાં નીકળવું ન જોઈએ. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ, ઘરડા અને રોગી લોકો અને બાળકોએ. ગ્રહણના સમય દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. એટલા માટે જ મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવે છે.
ગ્રહણના સમયમાં કોઈ નવા કાર્યનો આરંભ કરવો ન જોઈએ. ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો ન જોઈએ. ગ્રહણ દરમિયાન બાળકનું નામકરણ કરવું ન જોઈએ. ગ્રહણના કાળમાં ભોજન બનાવવું ન જોઈએ અને ખાવું ન જોઈએ. ગ્રહણના સમય દરમિયાન પાણીનું સેવન પણ કરવું ન જોઈએ. ગ્રહણ પૂર્વે જો વાસણમાં પાણી ભર્યું હોય તો એમાં તુલસીનાં પાન નાખી દેવા જોઈએ જેથી ગ્રહણની અસર એ પાણી પર થતી નથી.
ગ્રહણ જોવાથી એ સ્ત્રીનાં પેટમાં રહેલું બાળક શારીરિક કે માનસિક રીતે નબળું બની શકે છે. ધારો કે ગર્ભવતી સ્ત્રી ચંદ્રગ્રહણ જોઈ લે તો એનું બાળક કોઈ કદરૂપા જન્મચિન્હ સાથે જન્મે છે. ગ્રહણના સમય દરમિયાન સ્ત્રીઓએ ચાકૂ વગેરેથી ફળ કે શાકભાજી સુધારવા ન જોઈએ. જો એમ કરે તો એને હાનિ થવાનો સંભવ રહે છે. એ સમયે કાતરનો પણ ઉપયોગ કરવો ન જોઈએ.