સદગુરુ: ‘કર્મ’નો શાબ્દિક અર્થ થાય છે ‘કાર્ય’. તેના ઘણાં પ્રકાર છે- શારીરિક કાર્ય, માનસિક કાર્ય, ભાવનાત્મક કાર્ય કે પછી ઉર્જા કાર્ય. તમે ઉર્જા કાર્યનો અનુભવ નથી કર્યો. તમે તમારા જન્મના સમયથી અત્યાર સુધી જે કંઈ પણ કાર્ય કર્યું છે તેનો પ્રભાવ તમારી અંદર હયાત છે. આ પ્રભાવના અસરના કારણે તમે આજે જે પ્રકારના વ્યક્તિ છો, એવા બન્યા છો.
આવા પ્રભાવ યાદશક્તિ, શારીરિક, રાસાયણિક અને તમારી ઉર્જાના સ્તર પર હાજર હોય છે. આ બધી નકલ(back-up) એ ખાતરી કરે છે કે તમારા કર્મ ખીવાઈ ન જાય. જો તમે તમારું મગજ કે શરીર ગુમાવી દો, તો પણ તમારું કર્મ ખોવાશે નહીં. કારણકે આ બધું ઉર્જાના સ્તર પર છપાયેલું છે. તમે જોશો કે ઉર્જા દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે કામ કરે છે. દરેક વ્યક્તિ અલગ રીતે વિચારે અને અનુભવ કરે છે. આ બધું એટલે, કારણકે, તેમની અંદર રહેલા પ્રભાવથી આ નક્કી થાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો, કર્મનો અર્થ અચેતન સોફ્ટવેર છે, જેને તમે તમારી માટે અજાણતા બનાવ્યું છે. તમે કેવા છો અને શું છો, એ તમે જાતે બનાવેલા સૉફ્ટવેર પર નિર્ભર કરે છે.
તમે જે રીતે સમજો, જાણો, વિચારો અને અનુભવ કરો છો, એ બધુ તમારા કાર્મિક તત્ત્વ દ્વારા નક્કી થાય છે. આનો અર્થ એ નથી કે તમે અટવાઈ ગયા છો. તમે જો આ ક્ષણમાં સભાનપણે કાર્ય કરો, તો તમે તમારી આવતી ક્ષણના કર્મ બદલી શકો છો. જે કાર્ય તમે પાછલી ક્ષણમાં કર્યું, તે આ ક્ષણનું કર્મ બને છે. જે તમે ગઈકાલે કર્યું તે તમે બદલી નથી શકતા પરંતુ, જે તમે હમણાં કરવા જઈ રહ્યાં છો, એને તમે બદલી જ શકો. એ સમજવું જરૂરી છે, કે કોઈપણ પ્રકારનું કાર્ય- શારીરિક, માનસિક અને ભાવનાત્મક- તમે આ ક્ષણે કરો છો, તે તમારા જીવનની ગુણવત્તા નક્કી કરે છે.
જ્યારે તમે તમારી જીવન ઊર્જાઓ દ્વારા કાર્ય કરો છો, ત્યારે આપણે તેને ‘ક્રિયા’ કહીએ છીએ. કર્મ બંધનકર્તા છે પરંતુ ક્રિયા તમને મુક્તિ અપાવે છે. જે ક્ષણે તમે તમારા શરીર, મન કે ભાવનાઓને બદલે તમારી જીવન ઊર્જાઓ દ્વારા કાર્ય કરો છો, તમારું આખું કાર્મિક માળખું ઢીલું પડે છે. જયારે તમે તમારા કાર્મિક ઢાંચાનો પાયો હટાવી લો છો, ત્યારે તમે તમારી અંદર અને બહાર એક નવી સ્વતંત્રતાનો અનુભવ કરો છો. મેં એવા ઘણા લોકો જોયા છે, જેમણે કોઈ સરળ અભ્યાસ શરૂ કર્યો અને અચાનક તેઓ એટલા સર્જનાત્મક થઇ ગયા અને તેમણે જીવનમાં એવી ઘણીબધી વસ્તુઓ કરવાની શરૂઆત કરી જેની તેમણે કલ્પના પણ નહોતી કરી.
તેથી, જો તમે કોઈ વસ્તુનું નિર્માણ અજાણતા કરી શકો તો તમે તેને સભાનપણે પણ કરી શકો. જો તમે તમારા કર્મનું નિર્માણ સભાનપણે કરો, તો તમે ફક્ત સુખાકારીના સોફ્ટવેરનું જ નિર્માણ કરશો. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દુનિયાને થીજાવીને, કોઈને મરવા કે પેદા પણ થવા ન દઈએ. આ બધું તો એમ પણ થશે જ. જ્યારે તમે સુખાકારીના સોફ્ટવેરનું નિર્માણ કરો છો, ત્યારે તમે જન્મ અને મરણની પ્રક્રિયામાંથી પ્રભાવશાળી રીતે પસાર થઇ શકો છો, કારણકે તમે પોતાને અંદરથી ઘણા મજબૂત બનાવી દીધી છે. જેને આપણે “ઇનર એન્જિનેઅરિન્ગ” કહીએ છીએ, તે આ સોફ્ટવેરનું સભાનપણે નિર્માણ કરવાની એક પદ્ધતિ છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.