સદ્ગુરુ: જે લોકો જીવન વિશે સંપૂર્ણપણે ગેરસમજ ધરાવે છે, તેઓ અનાસક્તિની ફિલસૂફી માથે લઇને ફરતાં હોય છે. અને આ પ્રકારના લોકોના લીધે આધ્યાત્મિકતાને લગતી કોઈ પણ બાબત પ્રત્યે વિશ્વમાં મોટાપાયે અણગમો જોવા મળે છે. અત્યારે મોટા ભાગના લોકો એ નિષ્કર્ષ પર આવી ગયા છે કે આધ્યાત્મિકતા એ લોકો માટે છે જેમને જીવનમાં રસ નથી.
આધ્યાત્મિકતાનો અર્થ એ છે કે તમારો જીવનમાં રસ એટલો ગહન થઇ ગયો છે કે તમે તેના વિશે બધુ જાણી લેવા માંગો છો. તમે એટલા ઓતપ્રોત બની ગયા છો કે તમે માત્ર ભૌતિક આયામ જ નહિં પરંતુ સમગ્ર જીવન વિશે જાણવા માંગો છો. તે આધ્યાત્મિકતા છે. જે લોકો જીવનને ટાળવા માંગતા હોય તેઓ આધ્યાત્મિક કેવી રીતે હોઇ શકે ? કોઈ રીતે એવું નહિં બને કે આ પ્રકારની વ્યક્તિ આધ્યાત્મિક બને કારણ કે આધ્યાત્મિકતામાં દરેક બાબત સાથે સંપૂર્ણ અને તાદાત્મ્યપૂર્ણ સમાવેશ હોય તે જરૂરી છે. તે સિવાય કોઈ સંભાવના નથી.
અનાસક્તિની ફિલસૂફીઓએ જીવનને ગૂંગળાવ્યું જ નથી પરંતુ તેમણે આ ગ્રહ પર આધ્યાત્મિકતાની દરેક સંભાવનાઓને ખતમ કરી નાખી છે કારણ કે મોટાભાગના લોકોએ આદ્યાત્મિકતા પ્રત્યે અણગમો વિકસિત કરી લીધો છે. લોકોમાં પ્રવર્તી રહેલી સહજ સમજ એ છે કે જો તમે આધ્યાત્મિક હો તો તમારે યોગ્ય રીતે ભોજન ન લેવું જોઇએ, સારા કપડાં ન પહેરવા જોઇએ, સારી રીતે રહેવું ન જોઇએ અને તમે ગુંગળાયાલા હોવા જોઇએ. અથવા તો ગુંગળાયેલા દેખાતા હોવા જોઇએ. જો તમે સ્મિત કરો, હસો અથવા જીવનને માણો તો તમને આધ્યાત્મિક ગણવામા આવતા નથી. જો તમારો ચહેરો કૂતરું કોસ ગળી ગયું હોય તેવો હોય જ્યાં ક્યારેય કોઈ સ્મિત રેલાયું ન હોય ત્યારે જ તમને આધ્યાત્મિક ગણવામાં આવે છે. આ બધુ અનાસક્તિની ફિલસૂફીઓના કારણે થયું છે.
ફિલસૂફીઓને તમે ધારો તેમ વણી શકો છો પણ તે જીવન નથી. જે જીવનને જ અવગણે છે એવી કોઈ બાબતમાં તમને કેમ રસ છે ? તમે અહીં જીવવા માટે આવ્યા છો, તેને અવગણવા માટે નહીં. આધ્યાત્મિક પ્રક્રિયા માત્ર એટલી જ છે કે તમે જીવનની સપાટી પર જ ગુમ થવા નથી માંગતા પરંતુ તેના કેન્દ્ર સુધી જવા માંગો છો. અનાસક્તિથી તે થતું નથી. તે માત્ર સામેલ થવાથી જ થાય છે. તમારી સહભાગિતા અત્યારે જે છે તેના કરતા પણ વધુ ગહન બનવી જોઇએ. ત્યારે જ તમે આધ્યાત્મિક પ્રક્રિયા વિશે જાણશો, અનાસક્તિથી નહીં. જીવનને અવગણવાથી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નહિ ઘટે.
અનાસક્તિની ફિલસૂફીઓ એ સમજમાંથી આવી છે કે મરવું સરળ છે પરંતુ જીવવું અઘરૂં છે. તેથી મને કંઇ થવું ન જોઇએ. લોકો મને આવીને પૂછે છે, “ સદ્ગુરુ, મને આશીર્વાદ આપો કે મને કંઇ ન થાય.” આ કેવા પ્રકારના આશીર્વાદ છે ? મારા આશીર્વાદ છે કે તમારા જીવનમાં બધું ઘટિત થવું જોઇએ. શું જીવન ઘટિત થવું જોઇએ કે નહીં ? તે તમારી સાથે થવું જોઇએ. તેથી ભલે તમારા જીવનમાં બધુ થાય. જો તમે અનાસક્તિમાં હશો તો તમારા જીવનમાં કંઇ નહિ બને. જો દરેક બાબતો જીવનમાં ઘટિત થશે તો પણ તમે તેનો સ્વાદ નહિ માણી શકો કારણ કે તમે અનાસક્ત છો. તમે સંકળાયેલા હોવા જોઇએ, ત્યારે જ તમે જીવનનો સ્વાદ માણી શકશો. તે સિવાય સ્વાદ માણી શકશો નહીં.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
