તમારી તીવ્રતા વધારો…

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર ચલાવી રહ્યા છો અને અચાનક જ કશુંક માર્ગમાં આવે છે. સંભવિત અકસ્માત પહેલાંની અમુક ક્ષણોમાં તમે કશુંક કરવાનો પ્રયત્ન કરો છો, કાં તો બ્રેક મારો છો, ગભરાઈ જાઓ છો અથવા તો તમારી સામે જે હોય તેને ટાળવાનો પ્રયત્ન કરો છો. ધારી લો કે તે અકસ્માત ટળી ગયો, તમે બચી ગયા, તમે જીવતા છો અને આજે અહીં બેઠા છો. છતાં, તે ગણીગાંઠી ક્ષણો તમે કદી પણ ભૂલી શકતા નથી. તે ક્ષણો એટલી તીવ્ર, એટલી ઉત્કટ હતી કે તેનો વિચાર કરવા માત્રથી આજે પણ તે દ્રશ્ય તમારી સામે જીવંત થઈ ઊઠે છે.

બીજું ઉદાહરણ જોઈએ, ધારો કે તમે ઊંચી બિલ્ડીંગની ધાર પર ઊભા છો અને પડવાની તૈયારીમાં છો. શું તમે જાણો છો કે તે ક્ષણે તમે કેટલા આવેશમાં આવી જાઓ છો? જો પડી જવાનું પરિણામ હટાવી દેવામાં આવે, તો પડવું ઘણી જ રોમાંચક ક્રિયા છે, ખરુંને? જો કાર અથડાવાનાં પરિણામોને હમણાં બાજુ પર રાખી દઈએ, તો તમે રોજ કારને અથડાવા ઇચ્છશો. પણ કાર ટકરાવાથી કારને નુકસાન થાય છે, તમને ઇજા થાય છે, આથી તમે અકસ્માતને ટાળવા ઇચ્છો છો. ધારો કે તે પરિણામો ન સર્જાય, તો શું તમે અવાર-નવાર કાર અકસ્માતનો અનુભવ કરવાનું પસંદ નહીં કરો? તમને શું લાગે છે, આ એડવેન્ચર સ્પોર્ટ્સ શું છે? પરિણામ વિનાના અકસ્માતો… તમે પ્લેનમાંથી નીચે કૂદો છો અને છેલ્લી ઘડીએ પેરેશૂટ ખોલો છો. પડવાનો આ અનુભવ તમે મેળવવા માંગો છો, કારણ કે તે તમારામાં જોશનો સંચાર કરે છે.

આમ, સામાન્યપણે જોખમની ક્ષણોમાં જ લોકો તીવ્રતાને જાણે છે. હવે હું તમને એ કહી રહ્યો છું કે, પર્વત પરથી છલાંગ મારવાનાં કે કાર ટકરાવવાનાં કે અન્ય કોઈ સાહસો કરવાને બદલે અત્યંત તીવ્રતા સાથે અહીં બેસો. જો તમે તેટલા તીવ્ર થઈ શકતા હોવ, તો જો એક વાર તમે તમારી આંખો બંધ કરશો, તો તમારા સમગ્ર જીવનકાળ દરમિયાન આંખો ખોલવાની જરુરિયાત નહીં વર્તાય, કારણ કે, જીવનમાં અત્યંત તીવ્રતા સર્જાઈ રહી છે. લોકો તેમની આંખો બંધ કરે છે અને લાંબા સમય સુધી આંખો ખોલતા નથી, તેનો અર્થ એ નથી કે તેમને જીવનમાં રસ નથી, ઊલટું, તેઓ પ્રચંડ તીવ્રતાથી જીવનનો અનુભવ કરી રહ્યા છે. બીજું કશું તેમને સૂઝતું નથી.

લોકો એવું માને છે કે કોઈ વ્યક્તિ ધ્યાનમાં મગન હોય, તો તેનો અર્થ એ કે તે સુષુપ્તાવસ્થામાં છે. સુષુપ્તાવસ્થા એટલે જીવનને ઘટાડવું. ધ્યાનથી જીવન ઘટતું નથી. ધ્યાન જીવનને ઉન્નત કરે છે. જ્યારે તમે તીવ્રતાની ચરમસીમા પર હોવ, ત્યારે કરવા માટેનું આ સૌથી રોમાંચક કાર્ય બની રહે છે – ફકત બેસી રહેવું.

શિવ હજ્જારો વર્ષ સુધી આ સ્થિતિમાં બેસી રહેતા, કારણ કે તેઓ તીવ્રતાની પ્રચંડ સ્થિતિમાં રહે છે. આથી, જ્યારે તમારો “વોલ્ટેજ” વધે છે, ત્યારે તમે કુદરતી રીતે તે બધુ જ જોઈ શકશો જેને જોવું સાર્થક છે. શિવ તેમના વોલ્ટેજને ઘણા જ ઉન્નત સ્તરે લઈ ગયા અને આ રીતે તેમનું ત્રીજું નેત્ર ખૂલ્યું. “ત્રીજું નેત્ર” એટલે કપાળ પરનો કાપો નહીં. ત્રીજું નેત્ર એટલે અન્ય લોકો જે વસ્તુ જોઈ ન શકે, તે શિવ જોઈ શકે. તે તમે પણ જોઈ શકો છો, પણ તે માટે તમારે તમારો વોલ્ટેજ વધારવો પડશે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)