તમે પોતાને કઈ રીતે જાણો છો?

પ્રશ્નકર્તા: જો આપણે પોતાને જાણવા માંગતા હોય તો તે માટે શું કરવું?

સદ્‍ગુરુ: આ વિશ્વમાં કોઈપણ વસ્તુ વિશે જાણવાનો દ્વાર તમે પોતે જ છો. જે પણ તમે અનુભવી શકો તે તમારી અંદર જ ઘટિત થઈ શકે. તેથી, ઉત્તર છે અંદર તરફ વળવું. તમારી બધી જ ઇન્દ્રિયો બહાર તરફ કેન્દ્રિત છે. તમે જે તમારી આસપાસ છે તે જોઈ શકો છો પરંતુ તમે તમારી આંખોના ડોળાને અંદર તરફ વાળીને પોતાને નથી જોઈ શકતા. તમે તમારી આસપાસ થતી ઘટનાઓને સાંભળો છો પરંતુ તમે તમારા શરીરમાં થઇ રહેલી અઢળક ઘટનાઓને સાંભળી નથી શકતા. આવું જ બધી ઇન્દ્રિયો સાથે છે કેમ કે તેઓ મૂળભૂત રીતે બહાર તરફ કેન્દ્રિત થયેલી છે. કુદરતે તમારા ઇન્દ્રિય બોધને બહારની તરફ ખોલીને રાખ્યો છે કેમ કે તે જીવન ટકાવવા માટે જરૂરી છે.

અંદર તરફ વળવું એ બોધનું એક બીજું પરિમાણ છે. આ બધા જ માટે શક્ય છે. પરંતુ આ તમારૂ જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી તેથી તે આપમેળે કાર્યરત નથી. તમારે થોડી મહેનત કરવાની જરૂર છે. જે પણ તમારું જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી તે આપમેળે નહિ થાય, તમારે મહેનત કરવી પડશે. ઉદાહરણ તરીકે, ધારો કે જયારે તમે એક બાળક હતા ત્યારે તમે એક જંગલમાં ખોવાઈ ગયા અને જો કોઈ ખાવાની વસ્તુ તમારી સામે આવે તો તમે તેને લઈને તમારા કાનમાં નહિ ભરાવો. તમને ખબર હશે તે ક્યાં જવું જોઈએ. જીવન ટકાવવા માટે જરૂરી પાસા તમને આપમેળે ખબર હશે. પરંતુ શું તમને વાંચતા, લખતા અને બીજી ઘણી વસ્તુઓ જે તમે કરો છો તે આવડશે? આ બધી વસ્તુઓ તમને અમુક મહેનત પછી જ આવડી છે. તમને યાદ છે, જયારે તમે ત્રણ કે ચાર વર્ષના હતા, જો તમારે “A” લખવાનો હોય, તો તે કેટલું જટિલ હતું – અને પાછું તે બે પ્રકારે લખવાનો! તમારે તે શીખવા માટે સો વખત લખવું પડતું. આજે તમે બંધ આંખે તે લખી શકો, તમે કરેલી મહેનતના કારણે. જેમણે આ મહેનત ના કરી હોય તે આજે પણ નથી લખી શકતા.

તે જ રીતે, અંદર તરફ વળવું, તેના માટેની મહેનતના અભાવે નથી થયું, અને મહદંશે, છેલ્લી અમુક સદીઓમાં સમાજમાં તે માટેનું માર્ગદર્શન નથી રહ્યું. આપણે આપણા આખા જીવનને જીવન ટકાવવાની પ્રક્રિયામાં બદલી નાખ્યું છે. આપણે માત્ર આપણું જીવન ટકાવવા પર ધ્યાન નથી આપી રહ્યા, આપણે આપણી આસપાસના લોકો કરતા સારી રીતે જીવન ટકાવવા માંગીએ છીએ. આ આપણને આખી જિંદગી વ્યસ્ત રાખે છે.

પરંતુ જો તમે ત્રીસ કલાકનો સમય એકાગ્રતા સાથે ફાળવવા ઇચ્છુક હોવ, તો અમે તમને અંદર તરફ વળવા માટેનું એક વાહન આપી શકીએ. આ શામ્ભવી મહામુદ્રા તરીકે ઓળખાતી એક સરળ પ્રક્રિયા છે. તેની ગોઠવણી અલગ અલગ રીતે કરી શકાય પરંતુ તેને વાહન બનાવવા માટે ત્રીસ કલાકનો એકાગ્રતા સાથેનો સમય જરૂરી છે, જેથી તમે સરળતાથી અંદર તરફ વળી શકો. જો તમે અંદર તરફ વળો, તો તમે જીવનનો સ્વભાવ જાણશો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં જેમનો સમાવેશ થાય છે તેવા સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને વિખ્યાત લેખક છે. સદ્‍ગુરુને તેમની અદ્ભુત અને વિશિષ્ટ સેવાઓ માટે ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” થી ૨૦૧૭માં સન્માનિત કરવામાં આવ્યા છે.