સખત મહેનતથી સફળતા નથી મળતી

બાળપણથી જ લોકોએ હંમેશા આપણને કહ્યું હતું, ‘ભણવામાં સખત મહેનત કરો. જયારે કામ કરો ત્યારે ખુબ મહેનતથી કરો.” કોઈએ અમને કહ્યું નહીં કે આનંદપૂર્વક ભણવું જોઈએ કે પ્રેમપૂર્વક કામ કરવું જોઈએ. ના. તમારે ભણવા માટે સખત મહેનત કરવી જોઈએ અને કામ કરવા માટે ભારે પરિશ્રમ કરવો જોઈએ. લોકો બધી વસ્તુઓ મહેનત લગાવીને કરે છે, પરંતુ તેમ કરીને અંતે ફરિયાદ કરે છે કે જીવન હજી સરળ નથી બન્યું.

‘ઇગો’ કે ‘અહમ’નો સ્વભાવ એવો છે કે તે બધી વસ્તુઓ મહેનતથી કરવા માંગે છે. તમે શું કરો છો તેનાં વિષે અહમને કોઈ ચિંતા નથી. તેનો હેતુ માત્ર બીજાથી એક પગલું આગળ રહેવાનો જ છે. આ રીતે જીવવું તે ખુબ દુ:ખદ છે પરંતુ તે અહમનો મૂળ સ્વભાવ છે. તેથી, જયારે તમામ પ્રયત્નો કોઈનાથી આગળ રહેવા માટેનો છે, ત્યારે દરેક વસ્તુઓ મહેનતથી કરવી, તે લોકો માટે કુદરતી રીતે સંતોષનું મૂળ કારણ બની જાય છે. જો તેઓ બધી વસ્તુઓ આનંદપૂર્વક કરે છે તો તેમને એવું લાગે છે કે જાણે તેમણે કંઈ કર્યું જ ન હોય.

શું તે અદ્દભૂત નથી કે તમે ઘણાં કામ કરો છતા તમને એમ લાગે કે જાણે તમે કંઈ કર્યું નથી? તે આવું જ હોવું જોઈએ. જો તમે દિવસના ૨૪ કલાક કામ કરતા હો, પરંતુ તમને એવું લાગે કે તમે કંઈ કર્યું જ નથી તો એવું કરવાથી તમે બધી વસ્તુઓનો બોજો તમારી ઉપર નથી લેતા. તમે માત્ર તમારું જીવન, તમારી ક્ષમતાઓને સંપૂર્ણપણે વ્યકત કરીને પસાર કરો. જો તમે આ બધું તમારા માથે લઈને ફરો તો તમારી ક્ષમતાઓને ક્યારેય સંપૂર્ણ અભિવ્યક્તિ નહીં મળે અને તમને તે બધી બીમારીઓ થશે જે આજકાલ વધુને વધુ સામાન્ય બની રહી છે જેમકે – બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને અલ્સર.

 

જો તમારા મન અને તમારી વચ્ચે, તમારા શરીર અને તમારી વચ્ચે, આજુબાજુની દરેક વસ્તુ અને તમારી વચ્ચે થોડું અંતર રાખવામા આવે, તો તે તમને એક પ્રકારની સ્વતંત્રતા આપશે કે જેના વડે તમે જીવન સાથે જે પણ ઈચ્છો તે કરી શકો અને જીવનની તમારી ઉપર કોઈ આડઅસર પણ નહીં થાય. તે તમને કોઈપણ રીતે ઈજા પહોંચાડી નહીં શકે. તાર્કિક રીતે તમે તે નિષ્કર્ષ કાઢશો, કે આમ થવાથી તમે જગતથી દુર થઇ જશો, પરંતુ તે સાચું નથી. એક સ્તર પર તમને કોઈ અસર નહીં થાય પરંતુ બીજા સ્તર પર તમે એટલા સામેલ રહેશો કે દરેક વસ્તુ, તમારો એક ભાગ બની જશે. તમે તમારી જાતને દરેકના જીવનમાં સામેલ કરી શકશો- જાણે કે એ તમારું પોતાનું હોય. જયારે ફસાવવાનો અને દુઃખ કે નુકશાન થવાનો ભય નથી રહેતો ત્યારે તમે પોતે જીવનમાં સંપૂર્ણપણે ઝંપલાવીને દરેક વસ્તુમાં પૂરી રીતે સામેલ થઇ શકો છો -કોઈ પણ ખચકાટ વગર.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.