તીરંદાજી અને બીજા બધા પ્રકારના શસ્ત્રો શીખવા માટે દ્રોણાચાર્યને શ્રેષ્ઠ ગુરુ માનવામાં આવતા હતા. કૌરવો અને પાંડવો તેમના શિષ્યો હતા. આ 105 ભાઈઓમાંથી, અર્જુન તેમનો પ્રિય શિષ્ય બન્યો, જેને તેમણે સૌથી વધુ જ્ઞાન આપ્યું. તેમણે પોતાને જે આવડતું હતું લગભગ તે બધું માત્ર અર્જુનને જ શીખવ્યું. આવું એટલા માટે નથી કે દ્રોણાચાર્યનો તે માનીતો હતો અથવા તેઓ પક્ષપાતી હતા, પરંતુ ફક્ત એટલા માટે કે અન્ય કોઈ પાસે ગ્રહણ કરવાની તેના જેવી ગુણવત્તા નહોતી.
એક દિવસ, 105 ભાઈઓ ક્લાસમાં હતા. દ્રોણાચાર્ય તીરંદાજી વિશે વાત કરી રહયા હતા. “પ્રેક્ટિકલ લેબોરેટરી વર્ક” માટે તેઓ તેમને બહાર લઈ ગયા જ્યાં તેમણે ઝાડની સૌથી ઉપરની ડાળી પર રમકડાનો પોપટ ગોઠવ્યો હતો. તેઓ તેમને ત્યાં લઈ ગયા અને એક પછી એક તેમને કહ્યું, “પોપટની ગરદન પર નાનો ડાઘ છે. તેના પર લક્ષ્ય સાધો અને વેધો.” જયારે તેઓ તેમનું ધનુષ ખેંચે પછી દ્રોણાચાર્ય “મારો” કહે ત્યાં સુધી તેઓએ રાહ જોવાની હતી. અને તેમણે તેમને થોડી મિનિટ માટે રાહ જોવડાવી. મોટાભાગના લોકો પોતાનું ધ્યાન એક જગ્યાએ થોડી સેકન્ડથી વધુ સમય માટે કેન્દ્રિત કરી શકતા નથી. શું તમે તમારી સાથે આવું થતું જોયું છે?
મોટાભાગના લોકો કોઈપણ વસ્તુ પર તેમનું ધ્યાન કેન્દ્રિત રાખવામાં અસમર્થ હોય છે. તેથી દ્રોણાચાર્ય તેમને ધનુષ્ય ખેંચ્યા પછી થોડી મિનિટ માટે રાહ જોવડાવતા. ધનુષ્યને ખેંચેલું પકડી રાખવું અને ધ્યાન કેન્દ્રિત કરવું શારીરિક રીતે મુશ્કેલ છે. પછી તેઓએ તેમને પૂછ્યું, “તમે શું શું જુઓ છો?” તેઓએ વૃક્ષ પરના બધા પાંદડાઓ, ફળો, ફૂલો, પક્ષી અને ત્યાં સુધી કે આકાશનું પણ વર્ણન કર્યું. જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે ધનુષ્ય ખેંચ્યું અને દ્રોણાચાર્યએ પૂછ્યું, “તું શું શું જુએ છે?” અર્જુને કહ્યું, “પોપટની ગરદન પર માત્ર એક ડાઘ છે એ જ, આટલું જ હું જોવ છે.”
આ માણસ કોઈક જગ્યાએ પહોંચશે. જે લોકો બીજા 104 ભાઈઓની જેમ જુએ છે, તેઓ ક્યાં પહોંચશે? જો તેઓ ક્યાંક પહોંચે છે, તો તે ફક્ત સંયોગ દ્વારા હશે. જો તેઓ ક્યાંક પહોંચે છે, તો તે પોતાને કારણે નહીં, પરંતુ તેમના તે પ્રકારના વ્યક્તિ હોવા છતાં પહોંચે છે કારણ કે અસ્તિત્વમાંની ઘણી બધી શક્તિઓ તેમને ક્યાંક લઈ જાય છે. પણ અર્જુન જ્યાં પહોંચશે ત્યાં પોતાને કારણે પહોંચશે; કારણ કે તે જાણે છે કે તે પોતે ક્યાં છે. તમારે એવું જ હોવું જોઈએ.
તમારે જ્યાં હોવાનું છે તમે ફક્ત ત્યાં રહો, તમારે જે બનવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. પછી જે થવાનું છે તે થશે. જે બીજા કોઈની સાથે થાય છે તે તમારી સાથે થાય એ જરૂરી નથી, પરંતુ તમારી સાથે જે થવાનું છે તે ચોક્કસ થશે; કોઈ તે થતું રોકી નહીં શકે. જો તમે બીજા કોઈની સાથે શું થઈ રહ્યું છે તેની બહુ પરવાહ કરો છો, તો સમય વ્યર્થ જાય છે; જીવન વ્યર્થ જાય છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.