જો કોઈ બીજનો સંગ્રહ કરી લે પરંતુ વાવે નહીં તો બે નુકસાન દેખાય છે. એક તો બીજ નષ્ટ થઈ જશે, બીજું તે બીજ દ્વારા મળનાર પાક થી તે વ્યક્તિ વંચિત રહી જશે. મનુષ્યની પાસે તન મન-ધનની જે શક્તિઓ છે તે પણ બીજ છે. જેને ઈશ્વરીય સેવા કાર્યમાં લગાવીને તે બીજ દ્વારા અનેક ઘણું ભાગ્ય બનાવી શકે છે. નહીં તો આ માનવીય શક્તિઓ મનને ભ્રમિત કરી દેશે, સમય પર તે કામમાં નહીં આવે, તથા તેના દ્વારા પ્રાપ્ત થનાર અનેક ઘણી પ્રાપ્તિઓથી આપણે વંચિત રહી જઈશું. માટે સંગ્રહ ન કરો પરંતુ સફળ કરો. ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. સફળ કરવું અર્થાત પ્રાપ્ત કરવું, સંગ્રહ કરવું અર્થાત ગુમાવવું.
આપણે જરૂરિયાત કરતા વધુ ભેગું કરીએ છીએ, ખુબ બેન્ક બેલેન્સ બનાવીએ છીએ ત્યારે તેના પ્રત્યે મમત્વ ઉત્પન્ન થાય છે. આ ભેગી કરેલ વસ્તુઓની યાદ આપણને સ્મૃતિ સ્વરૂપ બનવા નથી દેતી. જેવી રીતે કોઈ સીડીની કેપેસિટી 4 લાખ શબ્દોની હોય અને તેમાં 3 લાખ વ્યર્થ વાતો ભરેલી હોય તો કામની વાતો ફક્ત ચોથા ભાગની જ હશે. આપણી બુદ્ધિ પણ સીડી સમાન છે. તેનો પોણો ભાગ જો ભોગવિલાસની વસ્તુઓની યાદથી ભરેલો હશે તો બુદ્ધિમાં ઈશ્વરીય જ્ઞાનની વાતો, આધ્યાત્મિકતાની વાતો કેવી રીતે રહી શકશે? નાશવંત ચીજોમાં જો મોહ છે, મારૂમારુ છે તો ભગવાનને પોતાના કેવી રીતે માનીશું?
ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપને પોતાનું કહેવાની મહેનત બુદ્ધિ શા માટે કરશે! વિનાશી સ્થૂળ વસ્તુઓ પ્રિય છે તો ખૂબ સૂક્ષ્મ અવિનાશી નિરાકાર ભગવાનને મારા કહેવાની મહેનત બુદ્ધિ શા માટે કરશે? માટે સમજદાર વ્યક્તિએ વિનાશી વસ્તુઓથી મોહ કાઢીને અવિનાશી પરમાત્મામાં મન લગાવવું જોઈએ. બુદ્ધિ રૂપી સીડી માંથી જેટલા પ્રમાણમાં વિનાશી વસ્તુઓ પ્રત્ય મમત્વ નીકળતું જશે તેટલા પ્રમાણમાં ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જશે.
કહેવાય છે કે રાજાની પૂજા તેના દેશમાં થાય છે, જ્યારે વિદ્વાન-ગુણવાનની પૂજા તો દરેક જગ્યાએ થાય છે. તે ગુણોના બળ થી કોઈને પણ પોતાના બનાવી શકે છે. ધનને સંભાળવું પડે છે પરંતુ ગુણોનો કોઈ જ ભાર નથી હોતો. ગુણો આત્મામાં એ રીતે સમાયેલા હોય છે કે જેવી રીતે ફૂલોમાં સુગંધ. માટે જ હે માનવ સંગ્રહ કરવો હોય તો ગુણોનો, શક્તિઓનો, જ્ઞાનનો સંગ્રહ કર, જે તારી આ જીવનની યાત્રા પૂરી થવા સુધી તારી સાથે રહેશે.
ગુણોનો સંગ્રહ ભગવાનના દિલતખ્ત ઉપર જગા અપાવે છૅ. તે જીવન યાત્રામાં નિશ્ચિતતાનો રંગ ભરી દે છે. સંગ્રહ શબ્દનો ઉચ્ચારણ કરીએ છે ત્યારે તેનો એક અર્થ એ પણ નીકળે છે કે સંગ્રહ= સંગ- રહ અર્થાત હંમેશા સાથે રહેવા વાળી વસ્તુ. હંમેશા સાથે રહેવા વાળા તો મૂલ્યો જ છે. કારણ કે શરીર છૂટવાની સાથે જ આત્માનો હક પૈસા તથા ભૌતિક સાધનો થી સમાપ્ત થઈ જાય છે. સદગુણ તથા મૂલ્ય એક એવી ઈશ્વરીય અમાનત છે જે હંમેશા આત્માની સાથે રહે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)