જેવી રીતે કોઈ ગાડી ખરીદે છે અને તેનાથી કમાણી કરે છે તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી પુણ્ય કમાવા માટે છે. ખૂબ કમાણી કર્યા પછી જો ગાડી નકામી થઈ જાય તો તે વ્યક્તિ પોતાની કમાણી જોઈને ખુશ થાય છે, ન કે નકામી ગાડી જોઈને દુઃખી થાય છે. તેવી જ રીતે આ શરીર રૂપી ગાડી દ્વારા આપણે એટલું બધું પુણ્ય કમાઇયે કે આ ગાડી નાશ પામ્યા પછી પણ તેના દ્વારા કરવામાં આવેલ કમાણીને આધારે મન પ્રસન્નતાનો અનુભવ કરતું રહે. જે વ્યક્તિ જીવતા જીવત શરીરથી ન્યારા બનીને પરમધામ જવાના અભ્યાસી થઈ જાય છે તેમને મૃત્યુ એક રમત નજર આવે છે. તેઓ દરેક સેકન્ડને અંતિમ સેકન્ડ સમજે છે તેમની આત્મિક સ્થિતિ એટલી બધી મજબૂત બની જાય છે કે તેમને આ કળિયુગી સંસાર સાર વગરનો નજર આવે છે.
વસ્તુ, વ્યક્તિ તથા વૈભવ ઉપર તેમની નજર ગરમ તાવડી ઉપર પડેલ પાણીના ટીંપાની જેમ ટકતી જ નથી. તેઓ દરેક શ્વાસ તથા સંકલ્પને સફળ બનાવતા જાય છે. તેઓ પોતાને અકાલ મૂર્ત પરમાત્માની સંતાન માસ્ટર અકાલ મૂર્ત સમજે છે. તમનું દરેક કાર્ય પરમપિતા પરમાત્માની શ્રીમત અનુસાર હોય છે. મૃત્યુ તેમને વરદાન સમાન લાગે છે. શરીર રૂપી પાંજરા થી મુક્ત થવાની આ સેકન્ડ તેમને ખૂબ સુખ આપનાર લાગે છે. શરીરનો જન્મ કર્મોના હિસાબ-કિતાબના આધારે થયો છે. જ્યારે આત્માના શરીરને આધાર બનાવીને કરવામાં આવતા આપવા-લેવાના હિસાબ પૂરા થઈ જાય છે ત્યારે આ શરીર પણ ખલાસ થઈ જાય છે. આથી કર્મોના આધારે બનવા વાળા આ શરીર સાથે કેવો મોહ? મોહમાં તો વ્યક્તિ આંધળો બની જાય છે. આત્મિક પ્રેમ તેને ત્રીજી આંખ આપે છે. તો આ વિનાશી શરીરના મોહમાં અંધ બનવાના બદલે આપણે અવિનાશી આત્માના સ્નેહી બની શા માટે ત્રીજું નેત્ર પ્રાપ્ત ન કરીએ!
આપણે સૌ જાણીએ છીએ કે આ સંસાર કર્મોના આધારે ચાલે છે. કર્મનું ફળ ફરજિયાત ભોગવવાનું હોય છે. શરીર કર્મ કરવા માટે એક સાધન છે. શરીરની વિવિધ કર્મેન્દ્રિયો મનના આદેશ અનુસાર પોતાની ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓ જો સુખ ઉત્પન્ન કરનાર હોય છે તે વ્યક્તિના કર્મના ખાતામાં પુણ્ય જમા થાય છે. અને જો તે ક્રિયાઓ દુઃખ ઉત્પન્ન કરનાર હોય છે. તો તે વ્યક્તિના ખાતામાં પાપ જમા થાય છે. જીવતા મનુષ્યમાં વિચારોની ઉત્પત્તિનો આધાર આત્મા છે. આત્મા મસ્તકમાં રહે છે.
આત્માના વિચાર અનુસાર જે ભાવ બને છે તે આંખો દ્વારા પ્રત્યક્ષ થાય છે આ વિચારોની ઝડપ જો વધી જાય તો તે મુખ દ્વારા પ્રગટ થાય છે. તેના કરતાં પણ જેવો ઝડપ વધી જાય તો હાથ વગેરે દ્વારા કર્મમાં આવી જાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર કોઈપણ ખરાબ વિચાર જો મનમાં વીજળીની જેમ આવ્યો અને જતો રહ્યો તો તે પાણીમાં રેખા બરાબર છે. જો તે ભાવ બની આંખો દ્વારા પ્રગટ થાય છે તો રેતી પર રેખા કરવા બરાબર છે. જો તે વાણીમાં આવી જાય તો પથ્થર પર રેખા બરાબર છે અને જો તે કર્મમાં આવી જાય તો લોખંડ પર રેખા સમાન ઊંડો પ્રભાવ છોડીને જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)