એક પ્રસંગ રાજપરિવારમાં મોટી થયેલ સીતા જ્યારે વનવાસી બની. ત્યાં તે સોનેરી મૃગના આકર્ષણમાં ફસાઈ ગઈ. પરિણામે અશોકવાટિકા (વાસ્તવમાં શોક વાટિકા)માં તેને કષ્ટનો સામનો કરવો પડ્યો. કવિ કાલિદાસના એક નાટક પ્રમાણે મહાતપસ્વી ઋષિ વિશ્વામિત્ર એક અપ્સરા પ્રત્યે આકર્ષિત થયાનું વર્ણન છે. આ બધા પ્રસંગોમાં નારીનું વસ્તુ-વૈભવ પ્રત્યે આકર્ષણ, પુરુષનું નારીના શરીર પ્રત્યે આકર્ષણ જેવા ખરાબ પરિણામોને દર્શાવવામાં આવેલ છે.
કર્મઇન્દ્રિયોના આકર્ષણથી જે થોડા સમય માટે આત્માની પ્રાપ્તિ થાય છે, તે તેને ધીરે-ધીરે વિનાશ તરફ લઈ જાય છે. આ આકર્ષણ બહારની ચમક દમક હોય છે. જેમાં આપણી કર્મઇન્દ્રિયો ફસાય જાય છે. તેમાં વિવેકનો અભાવ હોય છે. આકર્ષણ કરનાર વસ્તુ જ્યાં સુધી નજરની સામે હોય છે ત્યાં સુધી કર્મેન્દ્રિયો મધમાં ફસાયેલ માખીની જેમ પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકીને તેમાં ફસાયેલ રહે છે. અને તે આકર્ષણ નજરોથી દૂર થતાં જ ખાલીપણા કે ખોખલાપણાનો અનુભવ કરે છે. મન તે આકર્ષણની વારંવાર યાદ અપાવીને ફક્ત આશ્વાસન આપે છે. આવા આકર્ષણ બુદ્ધિને ભ્રમિત કરે છે, તથા બુદ્ધિ પર પર પડદો નાખી દે છે. જેવી રીતે ધુમ્મસની વચ્ચે વિમાનના પાયલોટને હવાઈ માર્ગ દેખાતો નથી તેવી જ રીતે મોહમાં સાચો માર્ગ ખોવાઈ જાય છે.
આકર્ષણની ઉત્પત્તિ ખાલી મનમાં થાય છે. સંસ્કાર ખરાબ હોવાથી બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. બુદ્ધિ ચંચળ બનીને વસ્તુ તથા વ્યક્તિઓ પાછળ દોડે છે. જે મૃગતૃષ્ણા સમાન છે. પછી મુખથી શબ્દો એવા નીકળે કે, મારું મન આજે અશાંત છે. મારી તો શાંતિ જ છીનવાઈ ગઈ. ઈચ્છા નથી પરંતુ આ બધું સારું લાગે છે. આ આકર્ષણનું સૂક્ષ્મ રૂપ છે. જે તોફાનમાં ઉડતા તણખલાની જેમ મનને ભટકાવે છે. માટે જ કહેવતમાં કહેવાયું છે કે, પરમાનંદ આંતરિક સંપત્તિ છે, તે આત્માની પોતાની સંપત્તિ છે. આ માટે આત્મિક સ્વરૂપમાં સ્થિત થવું જરૂરી. પરમાનંદના રસમાં જેટલા ઊંડા ઉતરીશું તેટલો તે અલૌકિક આનંદ વધતો જશે. ઈશ્વર અનુભૂતિ દ્વારા પ્રાપ્ત પરમાનંદ શીતળતાની ઊંડાઈમાં ઉતરવાનો, ઈચ્છા માત્રમ અવિદ્યા બનવાનો, જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરાવે છે. માટે જ કહેવાયું છે કે, જે વ્યક્તિ વસ્તુ-વ્યક્તિ પ્રત્યે આકર્ષિત હોય છે તે કદી હર્ષિત રહી શકતો નથી.
જે પ્રકારે મહાસાગરમાં સતત ઉઠનારી લહેરોનો પ્રહાર કિનારા પર આવીને વિખરાઈ જાય છે. તેવી જ રીતે મનુષ્યના મનરૂપી સાગરમાં ઉઠતી આનંદની લહેરો તેના ચહેરા પર ફેલાઈ જાય છે. દેવતાઓને હંમેશા હર્ષિત બતાવેલ છે. કારણ કે તેમની અંદરનો આનંદ હંમેશા ચહેરા પર છલકાતો રહે છે. ગરુડ પુરાણના એક શ્લોકમાં બહારના આકર્ષણમાં ફસાયેલ મનુષ્યની દૂર્દશાનું વર્ણન કરવામાં આવેલ છે.- હરણ ઇન્દ્રિયોને વશ થઈને સારા-નરસાનું ભાન ભૂલી જાય છે. બલ્બની રોશની પ્રત્યે પતંગિયું તેના તરફ આકર્ષાય છે અને તે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. જીભના સ્વાદની લાલસા મનુષ્યને મૃત્યુ તરફ ધકેલી દે છે.
એક એક ઇન્દ્રિયને વશીભૂત થયેલ આ જીવોની કેવી દૂર્દશા થાય છે! તો જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોનો ગુલામ છે તેની કેટલી દૂર્દશા થાય છે?? તેનું સહજ રીતે અનુમાન લગાવી શકીએ. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતી વ્યક્તિએ ચિત્તમાં એ ધારણ કરી લેવું જોઈએ કે પરમ સુંદર, પરમ આકર્ષણમૂર્ત તો એક પરમાત્મા જ છે. જે હંમેશા પાવન છે. તેમના સ્નેહમાં બંધાયેલ આત્માનું હંમેશા કલ્યાણ જ કલ્યાણ છે. પરમાત્મા પરમાનંદના સાગર પણ છે. સત્યમ, શિવમ, સુન્દરમ તેમના આ ગુણો પ્રત્યેનું આકર્ષણ મન-બુદ્ધિને ખેંચી, સ્વયંમાં સમાવી આનંદથી ભરપૂર કરી દે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
