ક્યાંક એવું ના બને કે આપનો ભરોસો જ આપને ખતમ કરી દે. આ બાબતને બીજા એક સુંદર ઉદાહરણ દ્વારા આવી શકાય તેમ છે. સર્કસમાં જ્યારે હાથીને લાવવામાં આવે છે ત્યારે તેની સાથે એક બાળ હાથીને પણ લાવવામાં આવે છે. બાળ હાથીને એક દોરી થી બાંધવામાં આવે છે. તે બાળ હાથી દોરીને તોડવાનો ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ તેનામાં એટલી તાકાત નથી હોતી કે તે દોરી ને તોડી શકે. આ પ્રયત્નો કર્યા પછી તે પ્રયત્ન કરવાનું છોડી દે છે.
હવે જ્યારે તે બાળ હાથી મોટો થઈ જાય છે ત્યારે તેનામાં એટલી બધી તાકાત હોય છે કે તે દોરીને સહેલાઇથી તોડી શકે છે પરંતુ તે દોરીને તોડવાનો પ્રયત્ન નથી કરતો અને એક જગ્યાએ ઊભો રહે છે કારણકે તેનામાં એવી માન્યતા બની ગઈ છે કે આ દોરી હું તોડી શકું તેમ નથી. તેવી જ રીતે આપણે એવી માન્યતા બનાવી લઈએ છીએ કે તણાવ કે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરિણામે આપણી બીજા વિકલ્પનો પ્રયત્ન પણ નથી કરતા. આપણી માન્યતા જ ક્યાંકને ક્યાંક આપણા જીવનમાં ખૂબ મોટી અડચણ ઉભી કરી દે છે.
ઘણીવાર આપણે કહીએ છીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો મારા માટે અસંભવ છે પરિણામે તેના માટે આપણે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ છીએ. આ નુકસાનકારક ધારણા છે. તેવી જ રીતે અન્ય વ્યક્તિઓ માટે આપણે આ પ્રકારની નુકસાનકારક ધારણાઓ બનાવીએ છીએ. પરિણામે આપણા સંબંધો ઉપર અસર થાય છે. આપણા તરફથી મોકલવામાં આવતી શુભ ભાવના યુક્ત ઉર્જા સમાપ્ત થઈ જાય છે.
આપણા જીવનમાં સૌથી મોટી નુકસાનકારક માન્યતા એ છે કે હું શરીર છું. રાજયોગ મેડીટેશન આપણી ધારણાને બદલી નાંખે છે કે હું શરીર નથી પરંતુ આત્મા છું. જેમ જેમ આપણને સમજ આવતી જાય છે તેમ આપણા માટે અન્ય નુકસાનકારક માન્યતાઓ બદલવી પણ સરળ બની જાય છે. જ્યારે મને મારી ઓળખાણ થઇ કે હું કોણ છું? એક ધારણા તૂટી કે હું શરીર નથી. હું ચૈતન્ય શક્તિ આત્મા છું. આ નવો અનુભવ આપના નવા જીવનનો અનેરો અનુભવ હશે. આમ જીવન ખુશીથી ભરપૂર અને સુંદર બનતું જશે.
આપણી ખોટી માન્યતાઓના કારણે જ આપણા જીવનમાં ખુશીનો અનુભવ નથી થતો. આપણને ખબર પણ નથી પડતી કે ક્યારે એવો સંકલ્પ આવ્યો કે મારી ખુશી ગુમ થઈ ગઈ. આપણા જીવનમાં કાયમ ખુશી બની રહે તે માટે પોતાનો વાસ્તવિક પરિચય હોવો જરૂરી છે. હું શરીર નથી, શરીરનો માલિક છું. હું એક શક્તિ છું. મારો મૂળ સ્વભાવ છે ખુશી અને શાંતિ. મારે ખુશ રહેવા માટે કોઈ આધારની જરૂર નથી. હું પહેલેથી જ ખુશ છું. મારી સૌપ્રથમ જવાબદારી છે પોતાનું ધ્યાન રાખવું. જો આપણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકીશું તો બીજા પ્રત્યે પણ આપણી જવાબદારી સારી રીતે નિભાવી શકીશું. ફક્ત કામ કરાવવાની મારી જવાબદારી નથી, પરંતુ અન્ય પાસે કેવી રીતે કામ કરાવવું છે તે જવાબદારી પણ આપણે સારી રીતે નિભાવી શકીશું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)