આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે છે ત્યારે 10% તણાવ એવી બાબતોના કારણે ઊભો થાય છે કે જે આપણા હાથમાં નથી. પરંતુ 90% તણાવ મારી આંતરિક ક્ષમતા ઉપર આધારિત છે. પરંતુ આ સમયે આપણે તે 90% ઉપર ધ્યાન ન આપતા 10% ઉપર ધ્યાન આપીએ છીએ જે મારા હાથમાં નથી.
રાજયોગના અભ્યાસ દ્વારા આપણને એ બાબત સ્પષ્ટપણે અનુભવ થાય છે કે જેમ જેમ પરિસ્થિતિઓ ઝડપથી બદલાતી જાય છે તેમ તેમ આપણે એટલી જ ઝડપથી આંતરિક શક્તિઓને વધારવી પડશે. આપણે મુશ્કેલ પરિસ્થિતિ આવતા તેનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર નથી હોતા પરિણામે તણાવનો અનુભવ થાય છે. આ માટે આપણે મનને ખૂબ મજબૂત બનાવવું પડશે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં આપણે મનને સ્થિર રાખી શકીએ.
જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે આપણે તેનો સામનો કરવા માટે તૈયાર રહીએ છીએ. સાથે સાથે પોતાને મન થી મજબૂત રાખવા પણ તૈયાર રહીએ. જો આમ કરીશું તો કોઈપણ મુશ્કેલી સમયે આપણે વિચલિત નહી થઈએ. આપણે પોતે જ અનુભવ કરીશુ કે પરિસ્થિતિ તેની તેજ છે પરંતુ આપણો તણાવ ઓછો થઈ રહ્યો છે. બાળકની પરીક્ષા સમયે આપણે ઘરનું વાતાવરણ હલકુ રાખવા પ્રયત્ન કરીએ છીએ જેમાં બાળક આરામથી રહેશે. પરંતુ સાથે સાથે જો મનમાં ડરની લાગણી હશે તો તે બાળક સુધી જરૂર પહોંચશે. આપણે કઈ બાબતનો ડર ઉત્પન્ન કરી રહ્યા છીએ? આપણે ચેક કરીએ કે આપણે બાળકની સફળતાનો આધાર 95 ℅ માર્ક્સ બનાવી દીધેલ છે. જો બાળક 95 % માર્ક્સ નહીં લાવે તો તેને અસફળ ગણીશું. આ રીતે અવાસ્તવિક આશા રાખીને આપણે ડર ઉત્પન્ન કરીએ છીએ. જે ઘરના બધાને નિરાશ કરી દે છે.
બાળકની નકારાત્મક ઉર્જા ભય તથા અસુરક્ષાની છે તો તે કમજોર બનતો જશે. આપણે બાળકની અંદર ભાવનાત્મક સ્થિરતા ઉત્પન્ન કરવી પડશે. આપણું બાળક જીવનમાં સફળ ત્યારે જ થઈ શકશે જ્યારે તે ભાવનાત્મક રીતે સ્થિર થશે. પરંતુ આપણે બાળકમાં અપેક્ષાઓનું દબાણ એટલું બઘું ઉભુ કરી દઈએ છીએ કે જેના પરિણામે તે પરીક્ષામાં સારું પ્રદર્શન નથી કરી શકતો. જો આપણે બાળકને એમ કહીએ કે તું ખુશીથી નિશ્ચિંત બનીને મહેનત કર કોઈપણ પરિણામ આવે તો હું ખુશ રહીશ. તારે ફક્ત પરીક્ષામાં સારુ પરિણામ આવે તેવી મહેનત જ કરવાની છે.
જ્યારે બાળકને આ રીતે નિશ્ચિંત રહેવાની શિખામણ આપીએ છીએ આપણા અંદરના વિચારો પણ આ પ્રકારના જ હોવા જોઈએ. આપણા બોલ અને વિચારોમાં સમાનતા હોવી જોઈએ. બાળક આગળ શું બનવા ઈચ્છે છે તે આ અંગે તેનો અભિપ્રાય તથા વિચારો પણ જાણવા જરૂરી છે. આપણી જિંદગી ઘણી બાબતો ઉપર આધારિત હોય છે. પૂરતી મહેનત કર્યા બાદ બાળકની પરીક્ષાનું જે પણ પરિણામ આવે તે સ્વીકારવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. દિવસ રાત મહેનત કરવી જરૂરી છે પરંતુ સાથે સાથે આવું જ પરિણામ આવવું જોઈએ તેવી માન્યતા રાખવી યથાર્થ નથી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)