ખુશી તથા શાંતિ આત્માનો મૂળ સ્વભાવ છે

જાગૃતિ સાથે કાર્ય કરીશું અને વર્તમાન સમય ઉપર ધ્યાન આપીશું તો વર્તમાન સારું બનશે પરિણામે ભવિષ્ય પણ ઉજ્જવળજ હશે. આપણને અમુક સંસ્કાર આપણા પરિવાર દ્વારા પ્રાપ્ત થાય છે, અમુક સંસ્કાર સામાજિક વાતાવરણના કારણે બને છે, તથા અમુક સંસ્કાર આપણે પોતાની નિર્ણયશક્તિ દ્વારા બનાવીએ છીએ. જેમકે આપણે નિર્ણય કર્યો કે આજથી મારે ઇમાનદારીથી ચાલવું છે. આપણે આપણા જૂઠના સંસ્કારને દુર કરી ઈમાનદારીના સંસ્કાર બનાવીએ છીએ. આજે દરેકને ખુશી, પ્રેમ, શાંતિ જોઈએ છે. આપણને આ બધી બાબતો શા માટે સારી લાગે છે? કારણકે તે મારા વાસ્તવિક સંસ્કાર છે, મારી પ્રકૃતિ છે. આજે દરેક વ્યક્તિ તેનો અનુભવ કરવા માંગે છે અને તે મેળવવા વ્યક્તિઓ તથા વૈભવ નો આધાર લે છે. ધારોકે આપણે ગાડી લીધી પરંતુ તેનાથી સુખ મળ્યું અને ખુશી ન મળી. આનું કારણ એ છે કે શરીર અને સુખ જોઈએ પરંતુ ખુશી નહીં. ખુશી તો આત્માને જોઈએ. ખુશી મેળવવા માટે આપણે અનેક જગ્યાએ ભટક્યા પરંતુ સફળ ન થયા.

રાજયોગ આપણને એ શીખવાડે છે કે ખુશી શોધવા માટે બહાર જવાની જરૂર નથી. ખુશી તો આપણી અંદર જ છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે. તેવી જ રીતે હું શાંત સ્વરૂપ આત્મા છું. તો પછી શાંતિ શોધવા માટે બહાર જવાની જરૂર નથી. શાંતિ આપણી અંદર જ છે. ફક્ત આપણે આત્મ અભિમાની સ્થિતિમાં સ્થિત થવાનું છે. બ્રહ્માકુમારી સંસ્થાનો મંત્ર છે – “ઓમ શાંતિ”. તેનો અર્થ છે હું શાંત સ્વરૂપ આત્મા છું, શાંતિધામ નિવાસી છું અને શાંતિના સાગર પરમ પિતા પરમાત્માની સંતાન છું. હવે જ્યારે આપણે આ ચેતના સાથે કામ કરીશું, લોકોને મળીશું તો તેનો અનુભવ આપણને પોતાને થશે. શાંતિની શોધ માટે આપણે અનેક જગ્યાએ ભટક્યા.

વાસ્તવમાં આપણે શાંતિને શોધવાની જરૂર નથી એ તો આપણી અંદર જ છે. આપણે ફક્ત પોતાને યાદ અપાવવાનું છે કે હું કોણ છું? હું શાંત સ્વરૂપ આત્મા છું. જ્યાં સુધી પોતાની સાચી ઓળખ નહીં થાય ત્યાં સુધી આપણો આત્મવિશ્વાસ જાગૃત નહીં થાય. મેડીટેશન આપણને પોતાની સાથે સંબંધ જોડવામાં મદદ કરે છે. આ માટે આપણે કેટલાક સકારાત્મક વિચારો કરવાની જરૂરિયાત છે. જેવા કે હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું વિગેરે વિગેરે. આ અનુભવ આપણને એક દિવસ બે દિવસ કે 10 દિવસમાં નહીં થાય પરંતુ તે માટે આપણે સતત અભ્યાસ કરવો પડશે. આપણે નિયમિત રીતે સેવા કેન્દ્ર પર જવું જોઈએ જેથી આપણી આત્મિક સ્થિતિ સ્વાભાવિક બનતી જાય.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના સેવા કેન્દ્રમાં દરરોજ આધ્યાત્મિક અભ્યાસ કરવામાં આવે છે. જેમાં હું કોણ એ રોજ તાજુ કરવાનું રહે છે, તથા મારી વિશેષતાઓ શું છે તેના ઉપર ચિંતન કરવામાં આવે છે. ધારો કે આજે મને અનુભવ થાય છે કે મારી શક્તિ ઓછી થઈ ગઈ છે તો હું પાવર હાઉસ સાથે મારું કનેક્શન જોડી ને શક્તિ પ્રાપ્ત કરીશ.

આપણે અગાઉ મેડીટેશનની વિવિધ પદ્ધતિની વાત કરી હતી. જેમાં શ્વાસ લેવાની પ્રક્રિયા, મંત્ર જાપ કે ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. આમાં મહેનત વધુ અને પ્રાપ્તિ ઓછી થતી હતી. રાજયોગ મેડિટેશનમાં જો આત્માનું કનેક્શન પરમાત્મા (પાવર હાઉસ) સાથે જોડાઈ જાય તો આત્મામાં શક્તિનો સંચાર થાય છે. પરંતુ આમાં કનેક્શન મજબૂત હોવું જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)