દ્વાપરયુગની શરૂઆત અને આત્માની શક્તિ…

દ્વાપરયુગની શરૂઆત થતાં જ વિસ્મૃતિ રૂપી અજ્ઞાનનો પ્રહાર આત્મા પર થવાથી માનવ સ્ત્રી-પુરુષ, રાજા-પ્રજા, કાળા-ગોરા સૌ કોઈ બંધનોમાં ફસાતા જાય છે. આત્મા શક્તિહીન થતી જાય છે. નૈતિકતાનો પ્રકાશ ઝાંખો પડતો જાય છે. મનુષ્ય સત્ય જ્ઞાનની શોધમાં ભટકે છે, પરંતુ તે સમયે પરમાત્માનું અવતરણ ન હોવાથી તેને જુદા જુદા ધર્મસ્થાપકો દ્વારા મળેલ આત્મબળના જ્ઞાનથી સંતોષ માનવો પડે છે. આત્મામાંથી સત્યજ્ઞાનથી દૂર થઇ જવાથી પતન ઝડપથી થાય છે. કળિયુગ આવતા સુધીમાં મનુષ્ય શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ ધર્મથી દૂર થઈ પાપકર્મોના કાદવમાં ગળા સુધી ડૂબી જાય છે.

મનુષ્ય શ્રેષ્ઠ સ્વમાનને ભૂલી કોડીની પ્રાપ્તિ પાછળ દોડે છે. અંધશ્રદ્ધા તથા ખોટી પ્રણાલીઓમાં મૂંઝાઈને તે સમય, શક્તિ તથા ધન વેડફવા માંડે છે. તથા પરમપિતા પરમાત્માને ન ઓળખવાને લીધે તે સંપૂર્ણ નાસ્તિક બની જાય છે. પથ્થર, માટી, પશુ, ઝાડ, પહાડ, નદી વિગેરેને ભગવાન માનીને થોડા સમયની પ્રાપ્તિ પાછળ દોડ મૂકે છે. તેનું મન અશાંત થઈ જાય છે. જ્ઞાનની તરસથી તે તડપે છે, ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે કેવી રીતે મળશે તેની સમજણ નથી. પોતાની આશા પૂરી કરવા માટે ભક્તિની સત્તા, રાજ્ય સત્તા, વિજ્ઞાન સત્તા, સમાજ સત્તા વગેરે દ્વારા નિરાશા જ મળે છે.

આ રીતે યુગોની લાંબી યાત્રા કરીને થાકેલ મનુષ્ય આખરે આક્રમક તથા વિદ્રોહી સ્વભાવ દર્શાવે છે. પરંતુ અસંતુષ્ટતાના કારણે બનેલ ઉગ્ર સ્વભાવનું પરિણામ દિવાલ પર માથું અફળવા જેવું હોય છે. તે અજ્ઞાનતાને વશ થઈને કામ-ક્રોધ જેવા ઉગ્ર હથિયારોનો શાંતિ તથા રક્ષણ માટે ઉપયોગ તો કરે છે. પરંતુ તેના પરિણામે તે વધુને વધુ પરેશાન થાય છે.

કળિયુગના આ અતી અજ્ઞાનરૂપિ અંધકારના સમયે જ્ઞાનસાગર પરમપિતા શિવ પરમાત્મા, પિતાશ્રી બ્રહ્માના દ્વારા જ્ઞાન વર્ષા કરે છે. પ્રાકૃતિક વરસાદની જેમ આ પણ ઈશ્વરીય જ્ઞાનને ધારણ કરનારને ભરપૂર કરી ચોતરફ ખુશીનું વાતાવરણનું નિર્માણ કરે છે. જેવી રીતે વરસાદના પાણીથી સીધાજ પલળવા માટે ચાર દીવાલો તથા છતની હદને છોડીને ખુલ્લામાં આવવું પડે છે. તેવી જ રીતે ઈશ્વરીયજ્ઞાનનો આનંદ લેવા માટે અનેક પ્રકારના હદના વિચારોને છોડવા પડે છે.

વરસાદ લાવતા વાદળો શરીર તથા મનને શીતળ કરી દે છે, તે જ રીતે જ્ઞાનસાગર ભગવાનની જ્ઞાનની લહેરો શરીર તથા મનને હલકા, નિરોગી, શીતળ તથા પાવન બનાવી દે છે. વર્ષાઋતુની જેમ આ જ્ઞાન વરસાદ પણ કાળચક્રના નિશ્ચિત સમયે જ થાય છે. પુરુષોત્તમ સંગમયુગ જ્ઞાન વરસાદનો યુગ છે. જેવી રીતે અન્ય બાબતો છોડીને વ્યક્તિ વરસાદના પાણીના સંગ્રહમાં લાગી જાય છે, તેવી જ રીતે અન્ય વાતોને બુદ્ધિમાંથી દૂર કરી આપણે જ્ઞાનનો સંગ્રહ કરવાનો છે.

આત્માના 63 જન્મોની ગંદકીને જ્ઞાનજળથી ધોવાની તથા અન્ય આત્માઓને પણ તેનો અનુભવ કરાવવાનો છે. પછીના યુગોમાં આ જ્ઞાન વરસાદ નહીં રહે, માટે જ ભગવાન શિવ સ્નેહથી વારંવાર યાદ કરાવે છે. મીઠા બાળકો, પુરુષોત્તમ સંગમયુગના વરદાની સમયમા વરદાતા પરમાત્મા પિતા સ્વયં જ વરદાન આપવા આવે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)