જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થશે ત્યારે પરમાત્મા આવશે

રાજયોગમાં પરમાત્મા પોતે આવીને પોતાનો પરિચય આપે છે. માટે જ ગીતામાં કહ્યું છે કે જ્યારે હું આવીને મારો પરિચય આપું છું ત્યારે મને મારા વડે જાણી શકાય છે. દરેક ધર્મશાસ્ત્ર જેવા કે શ્રીમત ભગવત ગીતા, બાઇબલ, કુરાન વિગેરેમાં પણ લખ્યું છે કે જ્યારે ધર્મની અતિ ગ્લાની થશે અને લોકો ખોટું કાર્ય કરતા અચકાશે નહીં, માનવતા જેવી કોઈ ચીજ નહીં હોય તેવા સમયે પરમાત્મા આવશે. હવે આપણે પોતાને પૂછીએ કે શું અત્યારે તે સમય નથી ચાલી રહ્યો?

જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે તે સમયે પરમાત્મા આ સૃષ્ટિ પર આવીને સતધર્મની ફરીથી સ્થાપના કરે છે. વર્તમાન સમયે પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થઈને પોતાનો સાચો પરિચય આપે છે. પરમાત્મા પણ એક આત્મા છે પરંતુ તેઓ શરીર ધારણ નથી કરતા. તેમનું નામ આત્મા ઉપર છે જે બદલાતું નથી. પરમાત્મા હંમેશા પાવન રહે છે. તેઓ પરમધામના નિવાસી છે. સર્વ ગુણોના સાગર છે. પરમધામ એટલે આત્માઓ તથા પરમાત્માને રહેવાનું સ્થાન. આજે આપણે જ્યારે દુઃખી હોઈએ છીએ ત્યારે ભગવાને પોકારી એ છીએ. આ સમયે આપણી નજર ઉપર જાય છે કારણકે આત્માના પિતા પરમાત્મા ઉપર પરમધામના નિવાસી છે.

પરમાત્મા અવતરિત થઈને આપણને સૌથી પહેલા બતાવે છે કે તમે એક ચૈતન્ય શક્તિ આત્મા છો. તેઓ આત્માના ગુણો તથા સ્વરૂપ અંગે પણ સમજાવે છે. મનુષ્ય આત્મા ચૈતન્ય શક્તિ છે. જે આંખોથી જોઈ શકાતી નથી. આત્માના સાત ગુણો છે – પ્રેમ – સુખ – શાંતિ – આનંદ – પવિત્રતા – જ્ઞાન અને શક્તિ. પરમાત્મા ઉપર પરમધામના રહેવાસી છે તે જાણ્યા પછી આપણા માટે એ સ્પષ્ટ થઇ જાય છે કે પરમાત્માને કઈ જગ્યાએ યાદ કરવા. પરમાત્માનું નામ શિવ છે. જેમને પ્યારથી અમે શિવબાબા કહીએ છીએ. શિવનો અર્થ છે બિંદુ. શિવ અર્થાત શાંતિ. તેઓ મનુષ્ય આત્માઓના પિતા છે. માટે અમે તેમને પ્યારથી બાબા કહીએ છીએ. આમ શિવબાબા પોતાનો પરિચય આપે છે કે તેઓ શાંતિના સાગર છે, પવિત્રતાના સાગર છે, પ્રેમના સાગર છે.

મનુષ્ય આત્માઓ તથા પરમાત્મામાં મુખ્ય અંતર એ છે કે મનુષ્ય આત્માઓ શરીર ધારણ કરે છે, જન્મ મરણના ચક્કર માં આવે છે. જેથી મનુષ્ય આત્માની બેટરી ડિસ્ચાર્જ થતી જાય છે. પરમાત્મા જન્મ-મરણ રહિત છે આથી તેમની સતો પ્રધાનતા કાયમ રહે છે. માટે પરમાત્મા જ એક એવી શક્તિ છે જે કળિયુગના અંત સમયે તમામ મનુષ્ય આત્માઓને રાવણની જેલથી છોડાવે છે અને પાવન બનાવીને પોતાની સાથે પરમધામ ઘેર લઈ જાય છે. જે ચક્રમાં નથી આવતા તેમને આખા ચક્ર (ખેલ)નો પૂરો ખ્યાલ હોય છે. પરમાત્મા આપણને આ સૃષ્ટિચક્રનું પણ જ્ઞાન સમજાવે છે. આ ચક્ર કેવી રીતે ફરે છે તથા તેમાં મુખ્ય એક્ટર્સનો પાર્ટ શું છે? તે પણ સમજાવે છે. આજ સુધી પરમાત્માના પાર્ટ અંગે પણ અનેક મતમતાંતર છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે – ‘ભગવાન મારી મુશ્કેલી દૂર કરો’.