નવા વિશ્વ માટે નવો દૃષ્ટિકોણ જોઈએ

આપણે જાણીએ છીએ કે અનેક વર્ષોથી જુના રસ્તા પર ચાલીને કોઈ લક્ષ્ય સુધી પહોંચી નથી શકયું. જૂની પુરાણી પદ્ધતિઓ અપનાવીને નવું મકાન કે નવું મશીન નથી બનાવી શકાતું. જૂની માન્યતાઓ કે જુના સિદ્ધાંતોને અપનાવીને નવા વિશ્વની સ્થાપના નથી કરી શકતા. તેના માટે નવું જ્ઞાન, નવા સિદ્ધાંતો જોઈએ. આ કળીયુગી દુનિયા રુપી રંગમંચના કોઈ પણ પાર્ટ ધારી કે જે જન્મ-મરણના ચક્કરમાં આવે છે તે નવા વિશ્વનું નિર્માણ નથી કરી શકતા. આ કાર્ય તો ફક્ત જ્ઞાન સાગર, ગતિ- સદગતિ દાતા, જ્ઞાનેશ્વર- યોગેશ્વર પરમપિતા પરમાત્માનું જ છે.

પરમપિતા પરમાત્માએ સૃષ્ટિચક્રના આદિ-મધ્ય અને અંતનું જ્ઞાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિસ્તારથી સમજાવેલ છે. વારંવાર તેઓએ નજીકના ભવિષ્યમાં આવનાર નવી દુનિયાની તસ્વીર પણ બતાવેલ છે. તે સતયુગી દુનિયાની રૂપરેખા, કાર્ય પદ્ધતિ વિગેરે વિષે અનેક પ્રેરણાદાયક મહાવાક્યો ઉચ્ચારેલ છે. પરમાત્મા પિતા દ્વારા રચવામાં આવેલ તે નવા વિશ્વમાં જૂની દુનિયાનો અંશ પણ નથી હોતો. તે દુનિયાના મનુષ્યને દેવતા કહેવામાં આવે છે. તેઓ કર્મેન્દ્રિયજીત, પ્રકૃતિજીત તથા 16 કલા સંપૂર્ણ હોય છે. એ દુનિયામાં બુદ્ધિ, મન, શરીર, સંબંધના તમામ સુખ ઉપલબ્ધ હોય છે. ત્યાં મનુષ્યનું જીવન ખુશીઓથી ભરપૂર હોય છે. રાજા તથા પ્રજા વચ્ચે પણ પરિવાર જેવો પ્રેમ રહે છે. બધા સર્વ પ્રાપ્તિ ઓથી ભરપૂર હોય છે. બધાના મનમાં દિવ્ય સુખની શરણાઈઓ સ્વાભાવિક રૂપથી વાગે છે તથા શરીરને રત્ન જડિત તાજ, હીરાના હાર, જરકસી જામા તથા ડાયમંડ ની વીંટી થી શણગારવામાં આવે છે.

 

નવી દુનિયામાં યોગ બળથી જન્મ થવાથી ઉંમર ઘણી વધુ (150 વર્ષ) રહે છે. આત્મા પુરુ આયુષ્ય ભોગવીને પોતાની ઈચ્છા થી એક શરીર છોડી બીજું નવું શરીર ધારણ કરે છે. જ્યારે શરીર છોડવાનો સમય આવે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે કે હવે આ જુનું શરીર છોડી નવું ધારણ કરવાનું છે, ગર્ભમાં જવાનું છે. આત્મા નાના બાળકના શરીરમાં પ્રવેશ કરે છે ત્યાં ગર્ભ જેલ નથી હોતી પરંતુ ગર્ભ મહેલ હોય છે. દેવતાઓ એવો ખોરાક નથી ખાતા જેથી શરીર બીમાર થઈ જાય.
સતયુગી દુનિયામાં ધરતી પોતાની જાતે જ અનેક પ્રકારના સ્વાદિષ્ટ, પૌષ્ટિક ફળ-ફૂલ, શાકભાજી તથા અનાજ વિગેરે વિપુલ માત્રામાં ઉઘાડે છે. ત્યાં પશુ- પક્ષી પણ દેવતાઓને સુખ આપવા વાળા હોય છે. બધાની દ્રષ્ટિ પાવન હોય છે. એક ધર્મ, એક ભાષા, એક કુળ વાળા તે ઈશ્વર દ્વારા બનાવાયેલ નવા વિશ્વને અશોક વાટિકા કહેવાય છે.

નવી દિવ્ય પરંપરા વાળા નવા વિશ્વની રચના પરમ પિતા પરમાત્મા પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માના શરીરનો આધાર લઇને કરે છે. જેવી રીતે ભારતીય સંયુક્ત પરિવારોમાં મોટાભાઈ ઘરની નાની વ્યક્તિઓ માટે પિતા સમાન હોય છે, તે જ રીતે આ વિશાળ પરિવારના રચયિતા પરમાત્મા આપણી બધી આત્માઓના પિતા છે અને તેમની પહેલી પહેલી રચના પિતાશ્રી બ્રહ્મા સમગ્ર માનવજાતીના પૂર્વજ-આદિ દેવ છે. બીજા ધર્મોમાં પણ આદમના રૂપમાં ગાયન જોવા મળે છે. પ્રજાપિતા બ્રહ્માના મુખ કમળ દ્વારા પરમાત્મા પિતા સૃષ્ટિના આદિ-મધ્ય-અંતનું સહજ જ્ઞાન તથા રાજયોગના રહસ્યોને સ્પષ્ટ કરે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)