વિચાર તથા કર્મમાં નૈતિકતા આવવાથી થાય છે સકારાત્મક પરિવર્તન

આ રાજયોગના રહસ્યોને ધારણ કરનાર વ્યક્તિઓનું સંપૂર્ણ સકારાત્મક પરિવર્તન થઇ જાય છે. આ પરિવર્તન પામનાર વ્યક્તિ બ્રહ્મા મુખ દ્વારા જન્મેલ બ્રાહ્મણ છે. જેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય (પવિત્રતા) નું પાલન કરવાવાળા હોય છે. પ્રજાપિતા બ્રહ્મા નવી દુનિયાની સ્થાપના સમયે પરમાત્મા દ્વારા રચાયેલ સર્વ પ્રથમ મનુષ્ય છે જે સતયુગી દુનિયામાં પહેલા શ્રી કૃષ્ણ અને સ્વયંવર બાદ શ્રીનારાયણ બને છે. તેઓ વિશ્વ મહારાજા બને છે. પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવલી બ્રાહ્મણો (બ્રહ્માકુમાર ભાઈ-બહેનો) પણ તેમની સાથે સતયુગી દુનિયામાં, દૈવી રાજધાનીમાં વિવિધ દેવ પદ પ્રાપ્ત કરે છે. આ રીતે નવી દૈવી રાજધાની સ્થાપન થાય છે.

આ પરિવર્તન ઈશ્વરીય જ્ઞાન તથા સહજ રાજયોગને જીવનમાં ઉતારવાથી થાય છે. આથી આમાં જાદુ કે ચમત્કાર જેવી કોઈ વાત નથી. ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગના બળથી વ્યક્તિની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિમાં શ્રેષ્ઠતા, નૈતિકતા, સત્યતા, પવિત્રતા, સાત્વિકતા વિગેરે પ્રત્યક્ષ દેખાય છે. આના પ્રભાવના કારણે પ્રકૃતિ પણ સતોપ્રધાન બની જાય છે. પ્રકૃતિ અને પુરુષ (આત્મા) સતો પ્રધાન બનવાના કારણે સુખ-શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર વિશ્વનું નિર્માણ થાય છે.

વર્તમાન સમય હરીફાઈનો યુગ છે. વિવિધ ક્ષેત્રોની વધતી સંખ્યા તથા જાણકારીના અમાપ ભંડારે આ હરીફાઈને જન્મ આપેલ છે. આ ગળા કાપ હરીફાઈમાં મોટે ભાગે વિજય તેનો જ થાય છે જે ખુબ સુંદર યાદ શક્તિ ધરાવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મેરીટ લિસ્ટમાં મુખ્ય સ્થાન તેજ વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકે છે કે જે સૌથી વધુ અભ્યાસની બાબતો તથા આંકડા યાદ કરી શકે છે. વકીલાતના ધંધામાં સફળતા તેને જ મળે છે કે જે કાયદાની નવી-જૂની તમામ બાબતો યાદ રાખે છે. મેડિકલ ક્ષેત્રમાં તેજ ડોક્ટર પ્રખ્યાત થાય છે કે જેને દરેક બીમારીનો ઈલાજ હાથવગો હોય છે. રાજનેતા પણ ત્યારે જ જનતાનો પ્યાર પ્રાપ્ત કરી શકે છે કે જ્યારે તેને વિભિન્ન ક્ષેત્રોના વર્તમાન તથા ભૂતકાળની ઘટનાઓની પુરી જાણકારી હોય છે. આ બધાનો સાર એ જ છે કે જેટલી યાદશક્તિ એટલી જીવનમાં સફળતાની પ્રાપ્તિ.

યાદશક્તિનો વિકાસ કેવી રીતે થાય? નબળી યાદશક્તિ વાળી વ્યક્તિને તીવ્ર યાદશક્તિ વાળી વ્યક્તિ કેવી રીતે બનાવી શકાય? આ વિષયને લઈને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ઘણી બધી શોધો થઈ રહી છે. જન સંપર્કના વિવિધ સાધનો દ્વારા જરૂરિયાતવાળા વ્યક્તિઓ પાસે તે પહોંચી રહેલ છે. ઘણી વ્યક્તિઓ આ વિષયમાં ચીલાચાલુ દેશી પદ્ધતિઓનો તથા ઘણી વ્યક્તિઓ જાદુ – દોરા વિગેરેનો પણ આધાર લેતા હોય છે. દરેકનું લક્ષ યાદશક્તિ વધારવાનું જ હોય છે. દિવસે ને દિવસે વિસ્તાર પામતા આ વિશ્વમાં દરરોજ ઉત્પન્ન થવા વાળી સામાજિક, આર્થિક, પારિવારિક, રાજનૈતિક વિગેરે નવી નવી સમસ્યાઓનું બીજુ પાસુ પણ અગત્યનું બની ગયું છે. જે છે ભૂલવાની શક્તિ. જો નાનપણથી અત્યાર સુધીની બધી બાબતો યાદ રહે તો આપણે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)