એકવાર એક માણસ ચાલતો ચાલતો ચીન ગયો, હિમાલય ઓળંગીને. તેની પાસે કોઈ પુસ્તકો નહોતા, તેને પુસ્તકો વધુ ગમતા નહોતા. તેને ગમતું હતું માત્ર જ્ઞાન, પોતાના વર્તમાનની ચેતના. તે માત્ર એક જ હતો, તે ચાલી રહ્યો હતો, તે દિવસો સુધી મૌનમાં રહેતો, પણ હાસ્ય તેના મુખ પરથી ક્યારેય જતું નહોતું. કેટલાય દિવસો પછી એ ચીન પહોંચ્યો, તેણે તેની પાસેનો એક માત્ર મંત્ર તેના શિષ્યોને આપ્યો.
આ મંત્ર આખા ચીનમાં ફેલાઈ ગયો, આ મંત્રને લીધે લોકો ભ્રમણામુકત અને ચિંતા મુકત બની ગયા. લોકો શાંતિથી પોતાનું જીવન ગુજારવા લાગ્યા. આ માણસનું નામ હતું બોધિધર્મ, આ એક જ માણસ હતો જેણે લીધે ચીનને બુદ્ધનો સંદેશ મળ્યો. આખા દેશમાં જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો માત્ર એક માણસે.
થોડો સમય વીત્યો કેટલાય વર્ષો પછી પ્રચાર અને પ્રસાર થતાં આ જ્ઞાન જાપાનના દ્વિપોમાં પહોંચ્યું. આ જ્ઞાન જયારે ત્યાં પહોંચ્યું ત્યારે તે બિલકુલ સ્પષ્ટ થઇ ચુક્યું હતું. હવે માત્ર આ જ્ઞાનનો સાર જ રહ્યો હતો. મનુષ્ય માટે સારું શું છે? ખરાબ શું છે? મનુષ્યે શું કરવું જોઈએ? આ બધી વાતો માટે હવે સમય નહોતો. મોટામોટા પુસ્તકો અને વાર્તાઓનો સાર શું? જ્ઞાનીઓ ચર્ચા કરતા કરતા એક જ નિષ્કર્ષ તરફ પહોંચ્યાં. વર્તમાન એ જ બધી વાતોનો છેલ્લો જવાબ છે. વર્તમાન સિવાય મનુષ્યના હાથમાં કશું જ નથી. તો પછી કેમ વર્તમાનની આરાધના ન કરીએ?
આ નવી પ્રણાલીએ બધા જ વિચારો અને મંતવ્યોને ફગાવી દીધાં, તેની માટે એક માત્ર જ લક્ષ્ય નક્કી કર્યું, તે હતું પોતાની જાગૃતિ. કોઈ પણ વિચાર આખરે મનમાં જ ઉદભવે છે અને મનમાં જ સમાઈ જાય છે. વિચાર પોતે કોઈ તર્કના પાયા પર નથી રચાતો માટે તે પોતે પણ ટકી નથી શકતો, અને સમય જતાં તે પણ ભૂતકાળ બની જાય છે. વિચાર એ મનનો ખોરાક છે, મન ધીરેધીરે વિચારોના જોરે પોતાનું અસ્તિત્વ મજબૂત કરે છે, એક સમય એવો આવે છે કે મનુષ્ય પોતે મન છે તેમ માની બેસે છે. મન મનુષ્ય પર શાસન કરવા લાગે છે. મનની આ અવસ્થા બિલકુલ સ્વપ્નવત અને પરિણામશૂન્ય હોય છે. મનુષ્ય છેલ્લે નિર્બળ બની જાય છે.
મનને માત્ર બુદ્ધિ અને તર્ક જ મારી શકે છે. મન એક રાક્ષસ બનીને તમારી શાંતિને ખાઈ જાય તે પહેલા તેને તર્કની સીમમાં બાંધી લેવું જરૂરી છે. માટે આ નવી વિચારધારા જે જાપાનમાં વિકાસ પામી તેની પાછળ કોઈ જ વિચાર નહોતો. તે માત્ર વર્તમાન પર ધ્યાન આપવા જ કહે છે. ચેતનાનો વિકાસ અને વર્તમાનની પ્રાપ્તિ, વર્તમાનમાં જીવનએ જ ખરું જ્ઞાન છે. આજ વાતને ‘ઝેન’ વિચારધારા કહે છે. ઝેનમાં કોઈ લક્ષ્ય નથી, ઝેન એ માર્ગ છે. વર્તમાન પ્રત્યે પૂર્ણ સમર્પણ અને મનના તરંગોમાંથી બહાર આવવું જ ઝેન છે. તમારે સતત વર્તમાનમાં જાગૃત રહેવાનું છે. તમારા માનસિક અભિગમ અને તરંગોથી મનને મુકત કરવાનું છે, તે સતત જાગૃત રહીને વર્તમાનમાં રહીને.
એકવાર એક ઝેન સાધુએ તેના શિષ્યને પૂછ્યું કે, તું કોણ છે? શિષ્ય વિચારવા લાગ્યો, તર્ક બેસાડવા લાગ્યો, તે ન શરીર હતો, ન મન હતો, ન નામ હતો, ન મસ્તક હતો, તે ન કોઈનો ભાઈ હતો, ન મિત્ર હતો. તે ન શોધી શક્યો કે તે શું હતો? હું કોણ છું? તેનો તેને કોઈ જવાબ સંતોષકારક ના લાગ્યો. આપણે આંતરિક અને બાહ્ય સૃષ્ટિની વચ્ચે રહેલી વર્તમાનની ચેતના છીએ, ગુરુજીએ કહ્યું. આપણે માત્ર વર્તમાનની ચેતના જ છીએ, તેનાથી વિશેષ કશું નથી, ક્યારેક આપણે આંતરિક તો ક્યારેક બાહ્ય જીવનમાં ચેતના દોડાવીએ છીએ, પરંતુ છેલ્લે માત્ર વર્તમાનની ચેતના જ રહે છે. વર્તમાનની ચેતના છે તો જ જીવન છે. જયારે મન વર્તમાનમાંથી ચાલ્યુંં જાય છે ત્યારેત્યારે ચેતના પણ ચાલી જાય છે, બીજા અર્થમાં આપણે જીવન જીવી નથી શકતાં. માટે વર્તમાનમાં જીવન એ જ ખરું નિર્વાણ પણ છે. તમારું માનસિક બંધનોથી મુકત થવું માત્રને માત્ર તમારા જ હાથમાં છે, તમે પોતે જ પોતાનાથી મુક્ત થાઓ છો.
નીરવ રંજન