શુકન-અપશુકન… છીંક-બિલાડી

આવતા અઠવાડિયે (30 માર્ચ, 2023) રામનવમી છે અને આ જ દિવસે રામજન્મભૂમિ અયોધ્યા પાસે આવેલા એક નાનકડા ગામ, છપૈયા ગામમાં ૩ એપ્રિલ, ૧૭૮૧ની રાત્રિએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. આથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો રામનવમીને સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઊજવે છે. ભગવાન સ્વામિનારાયણે ૧૮૦૬ની સાલમાં પોતાના ભક્તોને એક પત્ર લખીને જણાવેલું કે ‘ભગવાન સિવાય કોઈ પણ, કોઈને મા૨વા, જિવાડવા કે દુઃખ દેવા સમર્થ નથી. જો ટુચકાવાળાનું ચાલતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? એક ટુચકાવાળાને જ ન રાખે? માટે નિર્ભય રહી ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી ભજન કરજો.’

ટુચકો એટલે આમ તો રસ પડે એવો નાનકડો વાર્તાપ્રસંગ કે ઍનેક્ડૉટ એવો થાય છે, પણ એનો બીજો અર્થ થાય છેઃ મંતરજંતરનો પ્રયોગ. સ્વામિનારાયણ ભગવાન ભક્તોને એ કહેવા માગતા હતા કે સાચી શ્રદ્ધા આ જ છે. તમામ ધર્મોનો પણ આ જ મત છે કે કોઈ વાતે ગભરાવું નહીં અને એક ભગવાનમાં શ્રદ્ધા દઢ કરવી.

કમનસીબે આજે માનવી જેટલો પ્રગતિશીલ થતો જાય છે એટલો જ વહેમની દુનિયામાં વધુ ને વધુ અટવાતો જાય છે. દરરોજ આવા કોઈ ને કોઈ કિસ્સા જોવા-સાંભળવા-વાંચવા મળે છે.

વહેમની એક અલગ દુનિયા છે. જો કે વહેમમાં પડવું જેટલું સહેલું છે તેટલું વહેમને સમજવું અઘરું છે કેમ કે વહેમની જુદી જુદી ભાષા, પરિભાષા પ્રચલિત છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએઃ ‘જોજે, તું એ વહેમમાં ન રહેતો…’ આ વાક્યમાં ધમકીની તીવ્રતા વરતાય છે. કોઈ વળી એમ કહે છે કે ‘આને તો ફ્લાણા ફિલ્મસ્ટારનો વહેમ છે.’ અર્થાત્  એ વ્યક્તિની કોઈ સેલિબ્રિટીની કૉપી કરવાની ઈચ્છા જણાવે છે.

ભગવદ્ ગોમંડલ અને અન્ય કોશો વહેમને અંધશ્રદ્ધા, કુશંકા અને ભ્રમણા રૂપે સમજાવે છે. કાલાંતરે વિજ્ઞાનની સીમાથી બહાર અનેક મનઘડંત રિવાજો વ્યાપક બન્યા, જેમાંથી અતિ વિકસિત અને સમૃદ્ધ દેશો પણ બાકાત નથી. જેમ કે અમેરિકામાં લોકો ૧૩નો અંક અપશુકનિયાળ ગણે છે. કેટલીય ઍરલાઈન્સમાં ૧૩ નંબરની સીટ જોવા ન મળે. જાપાનમાં ૪નો અંક અપશુકનિયાળ ગણાય છે. ભારતની વાત નિરાળી છે. અહીં બિલાડી સામે આવે તો રસ્તો બદલી દેવામાં આવે છે. ઘરેથી બહાર નીકળતાં છીંક આવે તો બહાર જવાનું પણ ટાળી દેવામાં આવે છે. નવી ગાડી કે ઘર લેવામાં આવે ત્યારે નજર ના લાગે તે માટે લીંબુ અને મરચાં લટકાવતાં હોય છે. કોઈ વળી ઘરની બારસાખ પર ઘોડાની નાળ કે મંત્રેલાં ઢીંગલા-ઢીંગલી લટકાવતાં હોય છે. કુંડાળામાં પગ પડી ગયો, ડાબો પગ પહેલાં બહાર મૂકવાથી દુ:ખ આવ્યું જેવા અનેક વહેમ આપણને મનથી અસ્થિર અને ભૌતિક દૃષ્ટિએ કંગાળ બનાવે છે.

આવી શુકન-અપશુકન કે છીંક-બિલાડી જેવી ખીંટીઓ પર પોતાનાં જીવન ટિંગાડતાં રહીને હજારો લોકોએ લાખો તકો ગુમાવી છે, લાખો લોકોએ કરોડો કલાકો આવી રીતે વહેમના કારાગૃહમાં વિતાવી દીધા છે. અને વહેમને જ્યારે શ્રદ્ધા અને અધ્યાત્મના આવરણ નીચે ખીલવવામાં આવે ત્યારે વધુ દુ:ખ થાય. આ બાબત બે રીતે ઘાતક છે. એક તો ધર્મની ધજા નીચે ચાલતી વહેમની વિધિમાં ગરીબ માણસો પણ લાખો રૂપિયાનો ધુમાડો કરતા અચકાતા નથી અને બીજું, નવી પેઢીમાંથી આધ્યાત્મિક શ્રદ્ધાની નનામી ઊઠી જાય છે.

ખરેખર, અહીં વહેમ શ્રદ્ધાની ભૂમિમાંથી જીવનરસ લઈને અંધશ્રદ્ધાનાં ફૂલ ખીલવે છે. પરિણામે તે વધુ જડ બને છે. વળી, આપણે ત્યાં જેટલા લાગણીશીલ અને પ્રેમી માણસો છે તેવા બીજે મળવા મુશ્કેલ છે, પરંતુ યાદ રાખીએ કે લાગણીશીલ ઉપજાઉ હૃદય-ધરતી ઉપર વહેમનો વિપુલ પાક ફળતાં વાર નથી લાગતી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)